આમ આદમી પાર્ટીના પ્રદેશ યુવા પ્રમુખ બ્રિજરાજ સોલંકીએ શિક્ષણ મંત્રી રિવાબા જાડેજાનું રાજીનામું માંગતા જણાવ્યું હતું કે, જામનગર જિલ્લાની આયુર્વેદિક યુનિવર્સિટીમાં BAMSનું પેપર ફરી એકવાર લીક થઈ ગયું છે. ગુજરાતમાં આ પહેલી ઘટના નથી; આની પહેલા પણ અલગ-અલગ વિભાગોમાં ૩૪ કરતાં વધુ પેપરો લીક થઈ ચૂક્યા છે. આ પેપર લીક કૌભાંડોના કારણે ગુજરાતના અનેક નિર્દોષ યુવાનો અને વિદ્યાર્થીઓએ હતાશ થઈને આત્મહત્યા કરી છે. પરંતુ અત્યાર સુધી ગુજરાતની ભાજપ સરકારે કૌભાંડ આચરનારા એક પણ મુખ્ય અપરાધી કે આરોપીને જેલના સળિયા પાછળ ધકેલ્યો નથી.
તેમણે વધુમાં ઉમેર્યું હતું કે તાજેતરમાં જ દેશના યુવાનો અને વિદ્યાર્થીઓએ એક થઈને નીટ (NEET) પેપર લીક મામલે જંતર-મંતર પર આંદોલન કર્યું, જેના કારણે કેન્દ્ર સરકારને ઝૂકવું પડ્યું અને કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને રાજીનામું આપવું પડ્યું. તેથી અમે ગુજરાતના યુવાનો અને વિદ્યાર્થીઓના પ્રતિનિધિ તરીકે રાજ્યના શિક્ષણ મંત્રી શ્રીમતી રિવાબા જાડેજાને વિનંતી કરીએ છીએ કે તેઓ પણ નૈતિક જવાબદારી સ્વીકારીને રાજીનામું આપી દે. અમે શિક્ષણ મંત્રીને ૪૮ કલાકનું અલ્ટીમેટમ આપીએ છીએ; જો ૪૮ કલાકમાં રાજીનામું નહીં આપવામાં આવે તો આવનારા દિવસોમાં અમે ગાંધીચિંધ્યા માર્ગે શાંતિપૂર્ણ આંદોલન કરીશું અને જરૂર પડશે તો શહીદ-એ-આઝમ ભગતસિંહના માર્ગે લડવા માટે પણ તૈયાર છીએ.





