આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઇસુદાન ગઢવીએ પત્રકાર પરિષદને સંબોધતા જણાવ્યું હતું કે, સમગ્ર દેશમાં પેપર લીક મુદ્દે GenZ રોડ પર ઉતર્યા છતાં ફરી એકવાર ગુજરાતમાં પેપર લીક થયું છે. GenZ યુવાનોએ મહાકાય સત્તા સામે પડીને શિક્ષણ મંત્રીનું રાજીનામું લીધું હોવા છતાં ભાજપ શાસિત ગુજરાતમાં પેપર લીકની ઘટનાઓ અટકતી નથી. હાલમાં જ જામનગરની આયુર્વેદ કોલેજનું શલ્યતંત્ર ભાગ-૧નું પેપર લીક થયું છે. ગુજરાતમાં પેપર લીક માટે નવી મોડસ ઓપરેન્ડી સામે આવી છે, જેમાં IMP ના નામે પેપર લીક થઈ રહ્યા છે. આ પરીક્ષામાં IMP ના નામે ૧૨ સવાલો વોટ્સએપ પર ફરી રહ્યા હતા, તેમાંથી પરીક્ષામાં ૧૧ પૂછાયા હતા. ગુજરાતમાં ૧-૨ નહીં પરંતુ ૩૫ પેપર લીક થયા છે અને આટલા પેપર લીક થયા પરંતુ કોઈને સજા કરવામાં આવી નથી. મને ખાતરી છે કે આયુર્વેદિક કોલેજના પેપર લીક મામલે ભાજપ સરકાર કોઈ કાર્યવાહી નહિ કરે. ભાજપ સરકારના રાજમાં સતત પેપર ફોડીને GenZ યુવાનોની જિંદગીને બરબાદ કરવામાં આવી રહી છે; રાજ્યમાં ભરતી આવતી નથી, અને ભરતી આવે તો પેપર લીક થાય છે. તાજેતરમાં જ NEETની ફરી લેવાયેલી પરીક્ષા બાદ વધુ એક વિદ્યાર્થીનીની આત્મહત્યાના સમાચાર આવ્યા છે.
’આપ’ પ્રદેશ પ્રમુખ ઇસુદાન ગઢવીએ વધુમાં ઉમેર્યું હતું કે, ભૂતકાળમાં પેપર લીકના આંદોલનમાં મારા પર એટલી કલમો લગાડી જેટલી પેપર લીક કરનારાઓ પર નથી લગાડી. વિપક્ષ અને યુવાનોને બદનામ કરવા ભાજપ પંજાબનું ખોટું ઉદાહરણ આપે છે, પરંતુ વાસ્તવિકતા એ છે કે પંજાબની પરીક્ષામાં બ્લુટુથના માધ્યમથી અમુક લોકો ચોરી કરવા માગતા હતા પરંતુ પરીક્ષા પતે તે પહેલાં જ ૩૧ લોકોને પકડી પાડવામાં આવ્યા હતા. દિલ્હીમાં AAPની ૧૦ વર્ષની સરકારમાં એક પણ પેપર લીક થયું નથી અને પંજાબમાં પણ છેલ્લા ચાર વર્ષમાં એક પણ પેપર લીક થયું નથી. તેથી હું દેશ અને ગુજરાતના GenZ ને કહેવા માગું છું કે હવે ભાજપ સરકારને બેસાડવાનો સમય આવી ગયો છે. જો આયુર્વેદિક કોલેજના પેપર લીક મુદ્દે યોગ્ય તપાસ નહીં થાય તો આમ આદમી પાર્ટી ઉગ્ર આંદોલન કરશે.





