ભાવનગર લઠ્ઠાકાંડમાં જેમણે પોતાના જીવ ગુમાવ્યા અને જે પરિવારો અનાથ બન્યા, તેમના ન્યાય અને ગૃહમંત્રીના રાજીનામાની માંગ સાથે આજે આમ આદમી પાર્ટીએ સમગ્ર ગુજરાતમાં ઠેર ઠેર કલેક્ટર કચેરી સામે વિરોધ પ્રદર્શન કર્યું. અમદાવાદ ખાતે પણ આમ આદમી પાર્ટી દ્વારા વિરોધ પ્રદર્શનનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ સંગઠન મંત્રી અને પ્રદેશ મુખ્ય પ્રવક્તા ડૉ.કરન બારોટ, પ્રદેશ મહિલા મોરચા અગ્રણી નેહા કેવલરામાણી, રાજુ દીક્ષિત, દીપક દેસાઈ, મુકેશ ચૌહાણ, જતીન પટેલ, વિધાર્થી નેતા યાત્રિક પટેલ, ઝુબેર શેખ, ડિમ્પલબેન, મહેશ દેસાઈ, પિયુષ અગ્રાવત, રીના પંચાલ સહિત મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યાં હતા. આ કાર્યક્રમ દરમિયાન પ્રદેશ સંગઠન મંત્રી ડૉ.કરન બારોટે જણાવ્યું હતું કે, આજે આમ આદમી પાર્ટી દ્વારા કલેક્ટર કચેરી ખાતે વિરોધ નોંધાવવામાં આવ્યો અને સાથે સાથે આમ આદમી પાર્ટી સમગ્ર ગુજરાતના તમામ જિલ્લાઓમાં લઠ્ઠાકાંડના વિરોધમાં વિરોધ પ્રદર્શન કરી રહી છે. વિરોધ કરવાનું કારણ એ છે કે ગુજરાતમાં વારંવાર લઠ્ઠાકાંડ થાય છે, 2022 માં પણ લઠ્ઠાકાંડ થયો હતો, જેમાં અનેક લોકોના મૃત્યુ થયા હતા અને સરકારે કમિટી રચવાની વાત કરી હતી, કડક પગલાં લેવાની વાત કરી હતી, ત્યારબાદ બુટલેગરોને પકડ્યા, રેડ પડી, આવું બધું થયું પરંતુ હવે આરોપીઓ ખુલ્લામાં ફરી રહ્યા છે.
ટીઆરપી ગેમ ઝોન કાંડ, ગંભીરા પુલ દુર્ઘટના સહિત ફેક્ટરીઓમાં આગ લાગવા જેવી અનેક ઘટનાઓ ઘટે છે તો જ્યારે બ્રિજ તૂટે તો તમામ બ્રિજની તપાસ થાય, ગેમઝોનમાં આગ લાગે તો તમામ ગેમ ઝોનને બંધ કરી દેવામાં આવે તો હવે જો લઠ્ઠાકાંડ થયો છે તો હવે અડ્ડાઓ બંધ કરાવી દેવામાં આવ્યા પરંતુ થોડા સમય બાદ ઝેરી દારૂ ફરીથી અલગ અલગ જગ્યાએ મળવાનું શરૂ થઈ જશે. સરકારને આ તમામ બાબતો ખબર છે પરંતુ સરકારે દારૂબંધી લાગુ કરવી પડે એ સરકાર કરતી નથી. ગુજરાતના સરહદી ગામડાઓમાં દારૂના ઠેકાઓનો ભાવ કરોડોમાં બોલાય છે અને ત્યાંથી કરોડોનો દારૂ વેચાય છે. જ્યારે કોઈ જનતા કે પત્રકાર જનતારેડ કરે છે તો તેને સરકાર મામૂલી ગણે છે અને એ બાબતે કોઈ કડક પગલાં લેવામાં આવતા નથી પરંતુ જ્યારે લઠ્ઠાકાંડ થાય છે ત્યારે સરકાર જાગે છે. તો આ તમામ મુદ્દે આમ આદમી પાર્ટી દ્વારા કલેક્ટરને રજૂઆત કરવામાં આવી છે કે આ સરકાર સંવેદનશીલ અને જાગૃત છે એવી વાતો કરવામાં આવે છે તો હવે જ્યારે લઠ્ઠાકાંડના કારણે લોકોના મોત નીપજ્યા છે, તો સંવેદનશીલ સરકારના સંવેદનશીલ મંત્રી હર્ષ સંઘવીએ રાજીનામું આપી દેવું જોઈએ અને તેઓ સંવેદનશીલ છે એવું ગુજરાતના લોકો સમક્ષ બતાવવું જોઈએ.





