આમ આદમી પાર્ટીના વિદ્યાર્થી પાંખ ASAPના ગુજરાત પ્રદેશ પ્રમુખ ધાર્મિક માથુકિયાએ જણાવ્યું હતું કે, સમગ્ર ગુજરાતના Gen-Z યુવાનો અને વિદ્યાર્થીઓને સંબોધતા જણાવ્યું હતું કે, જે રીતે દેશમાં NEETની પરીક્ષાનું પેપર લીક થયું અને ત્યારબાદ સમગ્ર દેશના યુવાનોનો આક્રોશ ફાટી નીકળ્યો, તેમણે દિલ્હીના જંતર-મંતર પર શાંતિપ્રિય રીતે આંદોલનની શરૂઆત કરીને દેશ સમક્ષ એક ઉત્તમ દાખલો પૂરો પાડ્યો છે. ગુજરાતમાં પણ છેલ્લાં ૫-૭ વર્ષોમાં અસંખ્ય પેપરો લીક થયાં છે. આ મુદ્દે ઘણા ગુજરાતીઓ દિલ્હી આંદોલનમાં સહભાગી બન્યા હતા, પરંતુ લાંબા અંતર કે અન્ય કારણોસર ઘણા વિદ્યાર્થીઓ ત્યાં જઈ શક્યા નહોતા. તેથી, ગુજરાતના તમામ વિદ્યાર્થીઓની આસ્થા અને તેમના જુસ્સાને માન આપીને, આવતીકાલે એટલે કે ૨૫ જુલાઈથી ગાંધીનગરના સત્યાગ્રહ છાવણી ખાતે દિલ્હીના જંતર-મંતર જેવું જ શાંતિપ્રિય આંદોલન શરૂ થવા જઈ રહ્યું છે.
’આપ’ નેતા ધાર્મિક માથુકિયાએ વધુમાં ઉમેર્યું કે, “ગુજરાત કોક્રોચ આંદોલન”ના નામે આવતીકાલે સવારે ૧૦ વાગ્યે ગાંધીનગર ખાતે આ લડત શરૂ થશે. હું સમગ્ર ગુજરાતના યુવાનો, વિદ્યાર્થીઓ અને Gen-Zને આહ્વાન કરું છું કે તમે સ્વયંભૂ આ આંદોલનમાં જોડાઓ. કોઈ રાજકીય પક્ષના ઝંડા સાથે નહીં, પરંતુ દેશના ભવિષ્ય અને શિક્ષણ વ્યવસ્થામાં વિશ્વાસ ટકી રહે તે આશા સાથે શાંતિપૂર્ણ રીતે આપણે આપણી માંગણીઓ રજૂ કરીએ. જે રીતે કેન્દ્રીય શિક્ષણ મંત્રીના રાજીનામાની માંગ થઈ રહી છે, તે જ માંગ સાથે જે વિદ્યાર્થીઓ દિલ્હી નથી જઈ શક્યા, તે તમામ ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે આવીને પોતાનું સમર્થન જાહેર કરે.





