
આમ આદમી પાર્ટીના ફ્રન્ટલ સંગઠન પ્રદેશ અધ્યક્ષ પ્રવિણ રામ, પ્રદેશ મહામંત્રી સાગર રબારી અને પ્રદેશ ફ્રન્ટલ મહામંત્રી સામત ગઢવીએ પત્રકાર પરિષદ દ્વારા મીડિયાને સંબોધિત કર્યા હતા. આ પ્રસંગે ફ્રન્ટલ સંગઠન પ્રદેશ અધ્યક્ષ પ્રવિણ રામે જણાવ્યું હતું કે ઇન્ડિયા–યુએસ ટ્રેડ મામલે આમ આદમી પાર્ટી ગ્રાઉન્ડ લેવલે લડી રહી છે અને તેના કારણે ખેડૂતોને થનારા સંભવિત નુકસાનને ધ્યાનમાં રાખીને “પરિવર્તન લાવો, ખેડૂતો બચાવો” નામે એક મહા અભિયાનની જાહેરાત કરવામાં આવી છે. આ મહા અભિયાન અંતર્ગત તેમજ ખેડૂતો ઉપર થયેલા દમન, ખોટા કેસો અને વર્તમાન કૃષિ પ્રશ્નોને ધ્યાનમાં રાખીને રાજ્યવ્યાપી “પરિવર્તન લાવો, ખેડૂતો બચાવો” યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. આ યાત્રામાં આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ઇસુદાન ગઢવી અને પ્રદેશ મહામંત્રી મનોજભાઈ સોરઠિયા સતત જોડાયેલા રહેશે. ઉપરાંત પાર્ટીના અન્ય નેતાઓ અને ધારાસભ્યો પણ વિવિધ વિસ્તારોમાં યાત્રામાં જોડાશે.
AAP નેતા પ્રવીણ રામે વધુમાં જણાવ્યું હતું કે ગુજરાતના ખેડૂતો છેલ્લા ત્રીસ વર્ષથી સરકારની નીતિઓના કારણે પાયમાલ થઈ રહ્યા છે. નકલી બિયારણ, ખાતરની અછત, ગુણવત્તાયુક્ત જંતુનાશક દવાઓ ન મળવી, સિંચાઈ માટે પૂરતું પાણી ન મળવું, પાકને યોગ્ય ભાવ ન મળવો, MSP મુજબ પૂર્ણ ખરીદી ન થવી અને સહાય-વળતર સમયસર ન મળવું જેવી સમસ્યાઓ યથાવત્ છે. દેવામાફી જેવી માંગણીઓ લાંબા સમયથી બાકી છે. તાજેતરના બજેટમાં પણ ખેડૂતો માટે કોઈ નવી અસરકારક યોજના જાહેર કરવામાં આવી નથી. તેમણે વધુમાં જણાવ્યું કે ઇન્ડિયા–યુએસ ટ્રેડ ડીલના કારણે અમેરિકાથી આવનાર કૃષિ ઉત્પાદનના કારણે સ્થાનિક ખેડૂતોને બજારમાં ટકી રહેવું મુશ્કેલ બનશે. તેથી સમગ્ર ગુજરાતના ખેડૂતોના હિત માટે આ મહા આંદોલન અને યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે યાત્રાની શરૂઆત 24 તારીખે સોમનાથ ખાતે ભગવાન સોમનાથના દર્શન કરીને કરવામાં આવશે. 108 દિવસના જેલવાસ બાદ પ્રવિણ રામ ખેડૂતો વચ્ચે પ્રથમ વખત જઈ રહ્યા છે. તેમણે જણાવ્યું કે સોમનાથમાં દર્શન કર્યા બાદ તેમના જન્મસ્થળે પ્રથમ સભાનું આયોજન થશે, જ્યાં તેઓ માતા-પિતાના આશીર્વાદ લઈ યાત્રામાં જોડાશે અને ખેડૂતોની વચ્ચે જઈ તેમની સમસ્યાઓ ઉઠાવશે.
પરિવર્તન લાવો ખેડૂત બચાવો યાત્રા અંતર્ગત 24 ફેબ્રુઆરી 2026ના રોજ જૂનાગઢ લોકસભા વિસ્તારમાં સોમનાથ, તાલાળા અને માંગરોળ વિધાનસભાઓ આવરી લેવામાં આવશે. 25 ફેબ્રુઆરી 2026ના રોજ પોરબંદર લોકસભા વિસ્તારમાં કેશોદ અને જેટપુર વિધાનસભાઓમાં કાર્યક્રમ યોજાશે. 26 ફેબ્રુઆરી 2026ના રોજ પોરબંદરના માણાવદર અને કુતિયાણા તેમજ જામનગરના ખંભાળિયા વિસ્તારમાં કાર્યક્રમ રહેશે. 27 ફેબ્રુઆરી 2026ના રોજ જામનગર લોકસભા વિસ્તારમાં ખંભાળિયા અને જામનગર ઉત્તર વિધાનસભાઓ આવરી લેવામાં આવશે. 28 ફેબ્રુઆરી 2026ના રોજ જામનગર દક્ષિણ, જામનગર ગ્રામ્ય અને કાલાવડમાં કાર્યક્રમ યોજાશે. 1 માર્ચ 2026ના રોજ રાજકોટ લોકસભા વિસ્તારમાં રાજકોટ પશ્ચિમ અને રાજકોટ ગ્રામ્ય તેમજ પોરબંદર લોકસભાના ગોંડલમાં કાર્યક્રમ રહેશે. 2 માર્ચ 2026ના રોજ રાજકોટના જસદણમાં કાર્યક્રમ યોજાશે. 5 માર્ચ 2026ના રોજ સુરેન્દ્રનગર લોકસભા વિસ્તારમાં ધાંગધ્રા અને ચોટીલા, 6 માર્ચ 2026ના રોજ વઢવાણ અને લિંબડી તથા 7 માર્ચ 2026ના રોજ વિરમગામમાં કાર્યક્રમ યોજાશે. અંતે 8 માર્ચ 2026ના રોજ ગાંધીનગર ખાતે પરિવર્તન લાવો ખેડૂત બચાવો જનસભાનું આયોજન કરવામાં આવશે. જેમાં આમ આદમી પાર્ટીના રાષ્ટ્રિય સંયોજક અરવિંદ કેજરીવાલ ઉપસ્થિત રહેશે.
આ તકે આમ આદમી પાર્ટીના પ્રદેશ ફ્રન્ટલ મહામંત્રી સામત ગઢવીએ પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે વરસાદી સીઝન દરમિયાન ખેડૂતોને યોગ્ય પ્રમાણમાં અને સારી ગુણવત્તાવાળું બિયારણ ઉપલબ્ધ થતું નથી. વાવણી બાદ ખાતર માટે ખેડૂતોને લાંબી લાઈનોમાં ઊભા રહેવું પડે છે અને ઘણી વખત ગુણવત્તાયુક્ત જંતુનાશક દવાઓ પણ મળતી નથી.છેલ્લા ત્રીસ વર્ષથી સત્તામાં રહેલી સરકાર છતાં ગુજરાતમાં સિંચાઈ માટે પૂરતું પાણી ઉપલબ્ધ નથી. ખેડૂતો મુશ્કેલ પરિસ્થિતિમાં મહેનત કરીને પાક ઉત્પાદન કરે છે, પરંતુ MSPના ભાવે સંપૂર્ણ ખરીદી થતી નથી. સરકાર દ્વારા ખરીદાયેલા પાકના પૈસા પણ સમયસર ખેડૂતોના ખાતામાં જમા થતા નથી.દુષ્કાળ અથવા અતિવર્ષા જેવી પરિસ્થિતિમાં ખેડૂતોને મળતી સહાય પૂરતી અને સમયસર મળતી નથી. આ પરિસ્થિતિને કારણે ગુજરાતના ખેડૂતો લાંબા સમયથી આર્થિક સંકટનો સામનો કરી રહ્યા છે. આમ આદમી પાર્ટી ગુજરાતના ખેડૂતોના હિત માટે સંઘર્ષ કરતી રહી છે અને ભવિષ્યમાં પણ સતત લડત આપશે. ખેડૂતોને ન્યાય અને સમૃદ્ધિ મળે તે માટે પાર્ટી દ્વારા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે.




