
આમ આદમી પાર્ટી દ્વારા શરૂ કરવામાં આવેલ “પરિવર્તન લાવો, કિસાન બચાવો યાત્રા” ગતરોજ રાત્રે સુરેન્દ્રનગરના ચાચકા ખાતે પહોંચી હતી અને ત્યાં સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. ચાચકા ખાતે આયોજિત સભા ખૂબ જ મહત્વપૂર્ણ સભા હતી કારણ કે AAP ગુજરાત પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી, પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઠીયા, ફ્રન્ટલ સંગઠન પ્રમુખ પ્રવીણ રામ અને પ્રદેશ યુવા પ્રમુખ બ્રિજરાજ સોલંકી સહિત AAP નેતાઓએ બોટાદ-હડદડ કાંડમાં જેલમાં રહીને આવેલા ખેડૂતોનું સન્માન કર્યું હતું. સભાને સંબોધન કરતાં આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઇસુદાન ગઢવીએ જણાવ્યું હતું કે અમે રાજનીતિમાં કોઈ સ્વાર્થ માટે આવ્યા નથી. ચૂંટણી આવે કે ન આવે, સત્તા મળે કે ન મળે – અમે કોઈ ઇમ્પોર્ટેડ નેતા નથી. અમે એક વિઝન લઈને રાજનીતિમાં આવ્યા છીએ. ઘણા લોકો મને કહેતા કે તમે પત્રકાર તરીકે સારા હતા, રાજનીતિમાં શા માટે આવો છો? રાજનીતિમાં ઘણી મુશ્કેલીઓ આવે છે. પરંતુ હું તેમને કહેવા માંગું છું કે અમે રાજનીતિમાં લોકોના પ્રશ્નો માટે આવ્યા છીએ. મેં જોયું કે ભાજપ સરકાર ખેડૂતના નામે રાજકારણ કરે છે, પરંતુ ખેડૂત વિરોધી કાયદા બનાવે છે. વિધાનસભામાં એવા કાયદા લાવવામાં આવ્યા છે કે જો નહેરમાંથી પાણી લેવામાં આવે તો ખેડૂતને જેલમાં મૂકવામાં આવશે. ખેડૂતોના ખેતરોમાં કંપનીઓ માટે તારમાં વાડ નાખવામાં આવે છે, પોલીસ તૈનાત કરવામાં આવે છે અને ખેડૂતો સામે કેસ કરવામાં આવે છે. વિધાનસભામાં પૂછવામાં આવ્યું હતું કે ખેડૂતોના ખેતરોમાં કંપનીઓ માટે સુરક્ષા કેવી રીતે આપવામાં આવે છે, ત્યારે સરકારે સ્વીકાર્યું હતું કે દ્વારકા અને કચ્છ જેવા વિસ્તારોમાં કંપનીઓને ભાડે પોલીસ આપવામાં આવે છે. આ ખૂબ જ ગંભીર બાબત છે. હું પોલીસ વિભાગનું ખૂબ માન રાખું છું અને પોલીસકર્મીઓને કહેવા માંગું છું કે તમારી કોઈ ભૂલ નથી. જ્યારે આમ આદમી પાર્ટીની સરકાર આવશે ત્યારે પોલીસકર્મીઓના હિતમાં પણ કામ કરવામાં આવશે અને તેમના ગ્રેડ પે સહિતના પ્રશ્નોનું નિરાકરણ કરવામાં આવશે. આજે સ્થિતિ એવી છે કે પોલીસને ઉદ્યોગપતિઓની કંપનીઓ માટે ઊભી રાખવામાં આવે છે, જ્યારે ખેડૂત પોતાની જમીન અને હક માટે લડે છે. જો ઉદ્યોગપતિઓને ભાડે પોલીસ મળી શકે, તો ખેડૂતોને પણ મળવી જોઈએ. અમે રાજનીતિમાં ખેડૂતો, ગરીબો, વંચિતો અને શોષિતોના હક્ક માટે આવ્યા છીએ. આજે જે કાયદા બનાવવામાં આવે છે તે લોકોને ડરાવવા અને દબાવવા માટે બનાવવામાં આવે છે. પરંતુ અમે નક્કી કર્યું છે કે જ્યાં સુધી ગરીબ, ખેડૂત અને મજૂર સાથે અન્યાય થશે ત્યાં સુધી અમે લડત ચાલુ રાખીશું.

AAP ફ્રન્ટલ અધ્યક્ષ પ્રવીણ રામે જણાવ્યું હતું કે ખેડૂત આંદોલન દરમિયાન અમારે પંદર-વીસ દિવસ સુધી કઠિન પરિસ્થિતિનો સામનો કરવો પડ્યો હતો. તે સમયમાં એકબીજાને હિંમત આપી હતી કે ગભરાવાનું નથી, દિવાળી પછી રસ્તો જરૂર નીકળશે. અમારી દિવાળી જેલમાં પસાર થઈ હતી અને અમારા પરિવારો પણ મુશ્કેલીમાં હતા. તેમ છતાં ગુજરાતના ખેડૂતો અમારી સાથે મજબૂત રીતે ઉભા રહ્યા. ખેતીની સીઝન હોવા છતાં આસપાસના વિસ્તારોના ખેડૂતો આગળ આવ્યા અને આંદોલનને સહકાર આપ્યો, તેના માટે હું ગુજરાતના ખેડૂતોનો દિલથી આભાર માનું છું. પ્રવીણ રામે વધુમાં જણાવ્યું હતું કે “પરિવર્તન લાવો, ખેડૂત બચાવો” યાત્રાની અસર હવે ભાજપના નેતાઓ પર પણ જોવા મળી રહી છે. થોડા દિવસ પહેલાં અમરેલીમાં યોજાયેલા કાર્યક્રમમાં રાજ્યના કૃષિમંત્રીએ કહ્યું કે કેટલાક લોકો ખેડૂતોના હિત માટે યાત્રા કાઢી રહ્યા છે અને ગુજરાતના ખેડૂતો તેમને ઓળખી ગયા છે. પ્રવીણ રામે કહ્યું કે કૃષિમંત્રીની આ વાત સાચી છે, કારણ કે ભાજપ સરકારે અન્યાયપૂર્વક અમને જેલમાં નાખ્યા પછી સમગ્ર ગુજરાતના ખેડૂતો હવે અમને ઓળખી રહ્યા છે. ઉર્જામંત્રી કૌશિક વેકરિયાને પ્રવિણ રામે જવાબ આપ્યો હતો. મંત્રી કૌશિક વેકરિયાએ અમરેલીના એક કાર્યક્રમમાં 15 દિવસમાં ખેડૂતોને સહાય મળી ગઈ, સર્વે વિના બધાને સહાય મળી, અમરેલીમાં 30 વર્ષમાં પહેલી વાર આવું થયું આ બધા મુદે ચર્ચા કરી વિપક્ષને આડેહાથ લીધી હતી ત્યારે પ્રવિણ રામે વળતો પ્રહાર કરતા કહ્યું કે જસદણમાં એક કાકાને સાડા ત્રણ મહિનાથી સહાયના પૈસા નથી મળ્યા, તેમજ વધુમાં કહ્યું કે સર્વે વિના પૈસાની વાત બાજુમાં રહી સર્વે થયા પછી પણ પૈસા નથી આવતા. ભાજપ સરકારને લાગ્યું હતું કે જેલમાં નાખવાથી અમે ડરી જઈશું અને ખેડૂતો માટે અવાજ ઉઠાવવાનું બંધ કરી દઈશું. પરંતુ જેલમાંથી બહાર આવ્યા પછી અમે વધુ મજબૂત બનીને આવ્યા છીએ.

આ સભામાં આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઠીયાએ ખેડૂતો સમક્ષ પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે, ગુજરાતની સ્થિતિને જો કોઈ બદલી શકે એમ છે તો ગુજરાતની માતા બહેન દીકરીઓ બદલી શકે તેમ છે. અત્યાર સુધી સૌથી વધુ વૈતરું કરીને જીવન વિતાવ્યું છે તો એમના માટે પરિવર્તન લાવવું એ ખૂબ જ જરૂરી બની ગયું છે. સાથે સાથે ખેડૂતો માટે ખૂબ જ લાંબી જેલયાત્રા કરીને આવ્યા તમામ ખેડૂતો અને યુવાનોને હું વંદન કરું છું. ગુજરાતના કોઈપણ વિસ્તારમાં ખેડૂતો માટેની કોઈ લડત હોય, વિદ્યાર્થીઓ માટેની લડત હોય, રોજગારી માટેની લડત હોય કે કોઈ સમાજની લડત હોય, આવી તમામ લડતોમાં આમ આદમી પાર્ટી છેલ્લા બે વર્ષથી મજબૂતીથી વિપક્ષની ભૂમિકા નિભાવી રહી છે. ગુજરાતના લોકોને આજે ફક્ત આમ આદમી પાર્ટીથી આશા છે. ખેડૂતો, ખેતમજૂરો, માતા બહેન સહિત તમામની પીડાને આપણે જાણીએ છીએ, તો હવે ગુજરાતમાં ફક્ત પરિવર્તન એ જ એક માત્ર વિકલ્પ છે. ભાજપ કહેતું હતું કે “ભાજપનો કોઈ વિકલ્પ નથી” પરંતુ હવે ગુજરાતમાં આમ આદમી પાર્ટી સૌથી મોટો વિકલ્પ છે. આ યાત્રા દ્વારા આમ આદમી પાર્ટીના ખેડૂત નેતા અને 108 દિવસ ખેડૂતો માટે જેલમાં રહીને આવેલા પ્રવીણભાઈ રામ સતત ગામડાઓના પ્રવાસ કરીને લોકોને એક સાથે જોડવાનું કામ કરી રહ્યા છે. હવે ગુજરાતની તમામ જાતિ-જ્ઞાતિના લોકોએ એક થઈને લડવું પડશે. આમ આદમી પાર્ટી પાસે પૈસા નથી, આમ આદમી પાર્ટી પાસે દારૂ પીવડાવવાના કે ભજીયા ખવડાવવાના પૈસા નથી પરંતુ જો તમે આમ આદમી પાર્ટીને ચુંટશો તો અહીંયા બેઠેલા બાળકોના ભવિષ્યની જવાબદારી અમે ઉઠાવીશું, ખેડૂતોના ખેતરોની જવાબદારી અમે ઉઠાવીશું, ગામડાની જવાબદારી અમે ઉઠાવીશું.




