(નીડર, નિષ્પક્ષ, તટસ્થ છગનલાલ મેવાડા) સુરત
આજના હળહળતા કળીયુગમાં, જૂઠ, પ્રપંચ, બદમાશી જેવી બાબતોની સાથે સાથે ભેળસેળને પણ જાણે કે સહજ બનીને પ્રજાએ અપનાવી હોય એવું જોતાં એમ લાગી રહ્યું છે કે પ્રજાને હવે શુદ્ધ, ચોકખોચણાક બિનભેળસેળ વાળો ખોરાક પચતો હોય એમ લાગતું નથી. કારણ કે માનવ શરીરના આરોગ્ય ને નુકશાન કરનારા તમામ ખાદ્યપદાર્થો હવે પ્રજાને જાણે કે કોઠે પડી ગયા છે અને એની કોઈ અસર પ્રજાને થતી નહી હોવાથી એ વાત સત્ય છે કે પ્રજા હવે ભેળસેળિયું ખાવાની આદિ થઈ ગઈ છે.
કારણ કે તાજેતરના વર્ષોમાં, ભેળસેળ એક મુખ્ય ઉદ્યોગ બની ગયો છે એ વાત પર સહમત થયા વગર છૂટકો નથી. અને હવે આ ભેળસેળ મુખ્ય ઉદ્યોગમાં વિકસીને નકલી ઘી, માખણ, ચીઝ, ખોયા, મસાલા અને દરેક નકલી ખાધ્ય પદાર્થનું ઉત્પાદન કરતી ફેક્ટરીઓ સતત ખુલ્લી પડી રહી છે. હવે પરિસ્થિતિ એવી છે કે આપણા દેશમાં નકલી કે હલકી ગુણવત્તાવાળી દવાઓ પણ મોટા પ્રમાણમાં બનાવવામાં આવી ને વેચાઈ રહી છે. આપણી પાસે તમામ પ્રકારના નિયમો છે. અને તેમાં સતત સુધારો કરવામાં આવી રહ્યો છે, પરંતુ તેનો કાં તો યોગ્ય અમલ કરવામાં આવતો નથી અથવા મોટાભાગના કિસ્સાઓમાં છટકબારીનો લાભ લેવામાં આવે છે. આનું કારણ એ છે કે જ્યારે ખુદ FDA જેવા વિભાગો ભ્રષ્ટાચારના અડ્ડાઓ બની ગયા છે, ત્યારે ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI) ભારત સરકારની સૌથી બિનઅસરકારક અને રદ્દી સંસ્થાઓમાંની એક હોય એમ લાગી રહ્યું છે. FSSAI નું કામ દેશમાં વેચાતા ખાદ્ય ઉત્પાદનોની સલામતી અને ગુણવત્તા સુનિશ્ચિત કરવાનું છે. પરંતુ તે તેમ કરવામાં નિષ્ફળ રહી છે. આમ ખોરાક અને દવાઓમાં ભેળસેળ કરવી એ એક જઘન્ય ગુનો છે, તે લોકોને સ્લો પોઈઝન (ધીમુ ઝેર) આપવા સમાન છે.





