(નીડર, નિષ્પક્ષ, તટસ્થ છગનલાલ મેવાડા) સુરત.
ગુજરાત પોલીસને હવે જાણે કે કોર્ટ, કચેરી, કાયદો તેમજ સુપ્રીમ કોર્ટ અને ડીજીપીના આદેશોને જાણે કે ઉલાળિયો કરીને માત્ર ને માત્ર સસ્તી પ્રસિધ્ધિ અને સરકારની વાહવાહી કરીને વહાલા થવાના જાણેકે અભરખા જાગ્યા હોય એમ ખુલ્લેઆમ કાયદાનું ઉલ્લંઘન કરીને મનમાની ચલાવી રહ્યા છે. ત્યારે રાજયમાં સુરત અને હવે સાણંદ જેવા ગામ અને શહેરમાં સતત બની રહેલા જાહેરમાં ગુનેગારોના હાથે દોરડા બાંધી સરઘસો કાઢવા અને જાહેરમાં ૨૫-૨૫ જેટલા દંડાઓ ફટકારવાને લઈને હવે પ્રજામાં પણ સવાલો ઊભા
થઈ રહ્યા છે.
એવો જ બનાવ હાલમાં અમદાવાદ જિલ્લાના સાણંદ પોલીસ સ્ટેશનમાં કાયદાના રક્ષકો ધ્વારા જ કાયદો હાથમાં લઈને આરોપીઓને તાલિબાની સજા આપવામાં આવી હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. સાણંદ પોલીસે છેડતીના ગુનામાં પકડેલા બે આરોપીને પોલીસ સ્ટેશનના કમ્પાઉન્ડમાં જ ઝાડ સાથે બાંધીને બેરહેમીપૂર્વક માર માર્યો હતો. જ્યારે આ બાબતે સોશિયલ મીડિયા પર લોકો ધિક્કાર વરસાવા લાગ્યા ત્યારે સાણંદ પોલીસ સ્ટેશનના પીઆઇએ વિવાદાસ્પદ નિવેદન આપતા જણાવ્યુ હતું કે, આરોપીઓને “પનીશમેન્ટ” (શિક્ષા) આપી છે. અત્રે ઉલ્લેખનીય છે કે સુપ્રીમ કોર્ટ અને હાઇકોર્ટના આદેશની સાથે સાથે થોડા સમય પહેલા રાજયના પૂર્વ DGP એ પણ પરિપત્ર જાહેર કરી આરોપીઓના સરઘસ કાઢવા, માર મારવા પર સ્પષ્ટ પ્રતિબંધ મૂકયો હતો.છતાં અધિકારીઓ આ આદેશોને ઘોળીને પી રહ્યા છે. કારણકે ન્યાયિક પ્રક્રિયા અને કોર્ટની મંજૂરી વિના પોલીસ સ્ટેશનની અંદર જ આરોપીઓને ઝાડ સાથે બાંધીને માર મારવાની આ અમાનવીય ઘટના એ પોલીસ પ્રશાસનની કાયદો અને વ્યવસ્થા જાળવવાની પધ્ધતિ સામે ગંભીર સવાલો ઊભા કર્યા છે.
જ્યારે તાજેતરમાં જ બનેલા અત્યંત ચર્ચાસ્પદ બનાવમાં સુરતના સલાબતપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં નોંધાયેલા હત્યાના પ્રયાસના ગુનામાં ઝડપાયેલા પાંચ આરોપીને સબક શીખવવાના નામે DCP રાજદીપ નકુમ,ડીજીપી અને સુપ્રીમ કોર્ટના આદેશને જાણેકે અભરાઇએ ચઢાવી દીધો હોય એવી વિવાદાસ્પદ કામગીરી પણ ચર્ચાસ્પદ બની રહી છે.ઉપરાંત DCP નકુમે આરોપીઓનું જાહેરમાં સરઘસ કાઢવા સાથે થોડે થોડે અંતરે ઊભા રાખીને જાહેરમાં જ આરોપીઓના વાળ પકડીને લાફા અને લાકડીઓ મારીને અમાનવીય કૃત્ય કરતાં લોકોનો છુપો આક્રોષ સોશ્યલ મીડિયામાં દેખાઈ રહ્યો હતો.





