
(છગનલાલ મેવાડા ધ્વારા) સુરત.
સુરત મહાનગરપાલિકાના અઠવા ઝોન હેઠળની વિવિધ વોર્ડ ઓફિસો (જેમ કે અઠવા, જાની ફરસાણ, ઉમરા, પીપલોદ વગેરે) માં ફરજ બજાવતા અંદાજે ૨૦ થી ૨૫ સફાઈ કામદારો અને બેલદારોનું કેટલાક અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા અત્યંત ગેરકાયદેસર રીતે શોષણ કરવામાં આવી રહ્યું છે. આ એક અત્યંત ગંભીર અને શરમજનક બાબત છે. જે સફાઈ કર્મચારીઓને શહેરની સાફ-સફાઈ માટે પ્રજાના ટેક્સના પૈસામાંથી પગાર ચૂકવવામાં આવે છે, તે કર્મચારીઓનો ઉપયોગ હાલમાં કેટલાક અધિકારીઓ પોતાના અંગત બંગલાઓ, ફ્લેટ્સ અને તેમના સગાસંબંધીઓની ઓફિસોમાં ઘરકામ, વાસણ-કપડાં અને અન્ય અંગત કામો માટે કરી રહ્યા છે. આ કર્મચારીઓને સવારથી લઈને મોડી રાત સુધી આ કામગીરીમાં રોકી રાખવામાં આવે છે. વધુમાં, કેટલીક ખાનગી રેસ્ટોરન્ટ અને ડેરીઓ પાસેથી મફતમાં નાસ્તા, મીઠાઈ અને દૂધ જેવી વસ્તુઓ અધિકારીઓના ઘરે પહોંચાડવાનું કામ પણ આ કર્મચારીઓ પાસે કરાવવામાં આવે છે. આના પરિણામે, જે અધિકારીઓ પાસે આ દુકાનોનું ફૂડ સેફ્ટી ચેકિંગ કરવાની સત્તા છે, તેઓ પોતે જ આ વેપારીઓ પાસેથી લાંચરૂપી ભેટ-સોગાદો લેતા હોવાથી શહેરમાં ખાદ્યપદાર્થોની ગુણવત્તા જોખમાઈ રહી છે અને પ્રજાના સ્વાસ્થ્ય સાથે ચેડાં થઈ રહ્યા છે.
આ સમગ્ર પ્રકરણમાં સૌથી મોટું કૌભાંડ હાજરી પૂરવાની પદ્ધતિમાં છે. જ્યારે આ કર્મચારીઓ ફિલ્ડ પર કે અધિકારીઓના ઘરે કામ કરતા હોય, ત્યારે વોર્ડ ઓફિસના જવાબદાર કર્મચારીઓ તેમની હાજરી પંચિંગ મશીનમાં ખોટી રીતે પૂરી રહ્યા છે. આ સ્પષ્ટપણે સુરત મહાનગરપાલિકાની ફરજમાં ગેરરીતિ અને ભ્રષ્ટાચારનો કિસ્સો છે.
સુરત મહાનગરપાલિકા કર્મચારી મહામંડળની માંગ:
(૧) તાત્કાલિક અસરથી આ પ્રકારની તમામ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ બંધ કરવામાં આવે.
(૨) અઠવા ઝોનની તમામ વોર્ડ ઓફિસોની હાજરીના રેકોર્ડ અને પંચિંગ મશીન ડેટાની ઉચ્ચસ્તરીય તપાસ
કરવામાં આવે.
(૩) કયા અધિકારીઓ અને કર્મચારીઓ આ શોષણમાં સામેલ છે, તેમની સામે સખત શિસ્તભંગના
પગલાં લેવામાં આવે અને તેઓની પાસેથી અત્યાર સુધીનો આ કર્મચારીઓનો પગાર વસૂલ કરવામાં
આવે.
(૪) જે સફાઈ કામદારોને તેમના મૂળ કામથી દૂર રાખીને અંગત નોકર તરીકે રાખવામાં આવ્યા છે, તેમને
તાત્કાલિક સાફ-સફાઈની કામગીરીમાં પરત મોકલવામાં આવે.
જો આ બાબતે સત્વરે કાર્યવાહી કરવામાં નહીં આવે, તો સફાઈ કામદારોના આ માનવીય અધિકારોના હનન અને ભ્રષ્ટાચાર સામે ઉચ્ચસ્તરે રજૂઆત કરવાની અને જનઆંદોલન કરવાની ફરજ પડશે.આશા છે કે આ ગંભીર બાબતને ધ્યાને લઈ વહીવટી તંત્રની ગરિમા જાળવી રાખવા માટે કડક પગલાં ભરવા સુરત મહાનગરપાલિકા કર્મચારી મહામંડળ ના પ્રમુખ ભાઈલાલ બી.વૈષ્ણવ, ઉપપ્રમુખ કિરીટસિંહ વાઘેલા, મહામંત્રી મોહંમદ ઈકબાલ શેખ અને મંત્રી હરીશભાઈ રાઠોડ ધ્વારા મ્યુ. કમિશ્નર સુરત ને લેખિત ફરિયાદ કરવામાં આવેલ છે.





