
સીજેપીના સ્થાપકનો સરકાર પર અભિયાનને દબાવવાનો આક્ષેપ કોક્રોચ જનતા પાર્ટીનાં સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ, વેબસાઈટ હેક કરાયાનો દાવો સીજેપીએ નીટ-યુજી પરીક્ષાનું પેપર લીક થવા મામલે કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા માટે અભિયાન શરૂ કર્યું હતું સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસની ટિપ્પણીને પગલે શરૂ કરાયેલી કોક્રોચ જનતા પાર્ટી (સીજેપી)ના સ્થાપક અભિજીત દિપ્કેએ સરકાર પર તેના તમામ સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ હેક કરવાનો અને તેની વેબસાઈટ બ્લોક કરવાનો આક્ષેપ મુક્યો છે. એક્સ પરની એક પોસ્ટમાં દિપ્કેએ દાવો કર્યાે હતો કે, તેનું પર્સનલ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પણ હેક કરી દેવાયું છે. સીજેપીએ નીટ-યુજી પરીક્ષાનું પેપર લીક થવા મામલે કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા માટે અભિયાન શરૂ કર્યું હતું. પોતાના એક્સ એકાઉન્ટ પર દિપ્કેએ એક પોસ્ટમાં જણાવ્યું હતું કે, કોક્રોચ જનતા પાર્ટીને તોડી પાડવા માટે પ્રયાસો કરાઈ રહ્યાં છે. મારા પર્સનલ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ્સ પણ હેક કરી લેવાયા છે. દિપ્કેએ જણાવ્યું હતું કે, પેપર લીક કેસમાં નિષ્ફળતા બદલ શિક્ષણ મંત્રીનું રાજીનામું લઈ લેવું જાેઈએ. સરકારની નિષ્ફળતાને કારણે વિદ્યાર્થીઓ જીવ ગુમાવી રહ્યાં છે. અમે જવાબદાર વ્યક્તિઓ સામે પગલાં લેવાની માગ કરી રહ્યાં છીએ, પરંતુ ઉલ્ટાનું અમારી સામે કાર્યવાહી કરાઈ રહી છે. દિપ્કેએ જણાવ્યું હતું કે, સીજેપીનું એકાઉન્ટ હેક કરવા મામલે અમે કાનૂની વિકલ્પો ચકાસી રહ્યાં છીએ. કોક્રોચ જનતા પાર્ટી (સીજેપી)એ ભારતમાં અરાજકતા ફેલાવવાનું અને દેશને અસ્થિર બનાવવાનું વિદેશી ષડયંત્ર હોવાનો દાવો કરતાં ભાજપે તેની એનઆઈએ તપાસની માગ કરી છે. કેરળ ભાજપના અધ્યક્ષ રાજીવ ચંદ્રશેખરે એક્સ પરની એક પોસ્ટમાં જણાવ્યું હતું કે, સીજેપીનો ઉદભવ એ ભારત અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળની સરકારને અસ્થિર કરવાનો એક પ્રયાસ છે. તેમાં સરહદ પારના લોકોની સંડોવણીની રાષ્ટ્રીય સુરક્ષા એજન્સી (એનઆઈએ) દ્વારા તપાસ થવી જાેઈએ.





