આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઇસુદાન ગઢવીએ પત્રકાર પરિષદને સંબોધતા જણાવ્યું હતું કે, ગુજરાતમાં હાલમાં પડેલા ભારે વરસાદ અને પૂરની પરિસ્થિતિને કારણે દક્ષિણ ગુજરાતથી લઈને અમદાવાદ સુધી ત્રાહિમામ પોકારાઈ ગયો છે. હજારો કરોડ રૂપિયાના બજેટ અને પ્રી-મોસૂન કામગીરીના મોટા દાવાઓ છતાં લોકોના ઘરો, ફેક્ટરીઓ અને દુકાનોમાં પાણી ભરાયા છે તથા નવા બનાવેલા રોડ-રસ્તાઓ પણ ધોવાઈ ગયા છે, જે ભાજપ સરકારના ભ્રષ્ટાચારની પોલ ખોલી નાખે છે. મીડિયા અહેવાલો મુજબ આ પૂરની સ્થિતિ અને આફતમાં રાજ્યમાં ૫૬ થી વધુ લોકોના મોત થયા છે અને અનેક લોકો હજુ પણ લાપતા છે. આ અત્યંત દુઃખદ સ્થિતિમાં સરકાર સમક્ષ અમારી સ્પષ્ટ માંગ છે કે આફતમાં જીવ ગુમાવનાર દરેક મૃતકના પરિવારને સરકાર દ્વારા ૧-૧ કરોડ રૂપિયાની આર્થિક સહાય જાહેર કરવામાં આવે.
’આપ’ નેતા ઇસુદાન ગઢવીએ વધુમાં આક્ષેપ કર્યો હતો કે પ્રી-મોનસૂન કામગીરીની મીટિંગોમાં માત્ર અધિકારીઓ અને નેતાઓ દ્વારા પેંડા-બિસ્કિટ ખાવામાં આવે છે, પરંતુ ૧૫-૨૦ ઇંચ વરસાદ પડતાં જ સરકારની બધી જ વ્યવસ્થાની પોલ ખુલ્લી પડી જાય છે. પોતાના મળતિયાઓને ફાયદો કરાવવા માટે ટીપી સ્કીમમાં ભ્રષ્ટાચાર આચરીને પાણીના કુદરતી વેણ બંધ કરી દેવામાં આવ્યા છે, જેના કારણે અમદાવાદ અને સુરત જેવા શહેરોમાં કરોડો રૂપિયાના બંગલાઓમાં પણ પાણી ભરાયા છે. દક્ષિણ ગુજરાતના વલસાડ, નવસારી, સુરત અને તાપી જેવા વિસ્તારોમાં તો પરિસ્થિતિ અત્યંત ગંભીર બની છે અને મૃતદેહો તણાઈને આવી રહ્યા છે. ભાજપના ૩૦ વર્ષના શાસનમાં ગુજરાતની જનતા એટલી દયનીય હાલતમાં મુકાઈ ગઈ છે, ત્યારે સરકાર તાત્કાલિક સર્વે કરીને ઘરવખરી, ખેતી, દુકાનો અને ફેક્ટરીઓને થયેલા નુકસાનનું યોગ્ય વળતર ચૂકવે તેવી અમારી માંગ છે





