
અમદાવાદ જિલ્લા પ્રમુખ કુલદિપસિંહ વાઘેલાએ જણાવ્યું હતું કે, સાણંદ તાલુકાની ડરણ ગામે સિંચાઈ વિભાગને આગળ કરીને પાઇપલાઇન નાખવાનું કાવતરૂ ઘડવામાં આવ્યુ હતુ. આ બાબતે તંત્ર દ્વારા જે રીતે કામ આગળ વધારવામાં આવી રહ્યું હતું, તેનાથી સ્થાનિક ખેડૂતો સંતુષ્ટ નહોતા. જ્યારે આ કામ શરૂ થયું, ત્યારે તેના પહેલા જ દિવસથી ગામ લોકોએ એક સમિતિ (કમિટી) બનાવીને આ કામ રોકાવવાનો પ્રયત્ન કર્યો હતો. પરંતુ, તે કમિટીને શરૂઆતમાં ધારી સફળતા ન મળી. ત્યારબાદ ગામના અન્ય આગેવાનોએ આમ આદમી પાર્ટીનો સંપર્ક કર્યો અને જણાવ્યું કે ખેડૂતોના હિતમાં આ પાઇપલાઇનનું કામ અટકાવવું ખૂબ જ જરૂરી છે. આ રજૂઆત બાદ આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઇસુદાનભાઈ ગઢવી સહિત વરિષ્ઠ નેતાઓને અહીં બોલાવ્યા. આ સાથે જ ગામના સ્થાનિક આગેવાનો પણ આ લડતમાં જોડાયા હતા.
આપ નેતા કુલદિપસિંહ વાઘેલાએ વધુમાં જણાવ્યું હતુ કે ઇસુદાનભાઈ ગઢવીની અહીં રૂબરૂ મુલાકાત અને આમ આદમી પાર્ટીના હસ્તક્ષેપથી વાતાવરણમાં ખૂબ મોટો ફરક પડ્યો. આમ આદમી પાર્ટી અને ખેડૂતોની આ એકતા જોઈને સ્થાનિક ધારાસભ્ય અને શાસક પક્ષ ભાજપના અન્ય આગેવાનોએ પણ દોડી આવવું પડ્યું અને જાહેરાતો કરવી પડી. વાસ્તવમાં, અમે તો મક્કમ નિર્ણય કરી લીધો હતો કે જો કોઈ ઉકેલ નહીં આવે તો અમે ખેડૂતો અને આગેવાનોને સાથે રાખીને કેનાલને બુરી દેવામાં આવશે. આ વાતની ગંભીરતા સરકાર સુધી પહોંચી ગઈ હતી, તેથી જ શાસક પક્ષના નેતાઓ માત્ર ક્રેડિટ લેવા માટે દોડી આવ્યા અને કામ બંધ કરાવ્યુ. ઇસુદાનભાઈ ગઢવી અને ગુજરાત આમ આદમી પાર્ટીની ટીમે ખેડૂતોના હક માટે જે ભગીરથ પ્રયાસો કર્યા છે, તેનાથી સાણંદ તાલુકાના દરેક ગામના ખેડૂતો વાકેફ છે. આમ આદમી પાર્ટીની આ મજબૂત રજૂઆતના કારણે જ મોટો ફેરફાર આવ્યો છે અને સરકારે પણ આ બાબતની ખાસ નોંધ લીધી છે. આ આંદોલનના પરિણામે જ આ વિવાદાસ્પદ પાઇપલાઇન પ્રોજેક્ટ રદ કરવામાં આવશે. આ સફળતાના કારણે આજે આખા સાણંદ તાલુકાના ખેડૂતોમાં ખૂબ જ આનંદ અને ઉત્સાહનો માહોલ છે. આમ આદમી પાર્ટીએ માત્ર ૧૦ દિવસની અંદર ખેડૂતોની તાકાત અને સંગઠનની શક્તિ સરકારને બતાવી દીધી છે.





