AAP નેતા ઇસુદાન ગઢવી, ગોપાલ ઇટાલિયા અને મનોજ સોરઠીયાની આગેવાનીમાં ઇથેનોલ મિશ્રિત પેટ્રોલ મુદ્દે રવિવાર 9 ઓગસ્ટના રોજ સુરત ખાતે ટાઉનહોલ કાર્યક્રમ યોજાવા જઇ રહ્યો છે ત્યારે આ મુદ્દે વાત કરતા આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ જણાવ્યું હતું કે, E-20 (ઈથેનોલ મિશ્રિત પેટ્રોલ)ના વિરોધમાં આજે સમગ્ર દેશમાં ધીરે-ધીરે જનઆંદોલન ઊભું થઈ રહ્યું છે. કેન્દ્ર સરકારની આ નીતિના કારણે દેશભરના કરોડો વાહનચાલકો પ્રભાવિત થયા છે. સામાન્ય વર્ગના લોકો જે બાઈક કે કાર વાપરે છે, તેમના વાહનોની માઈલેજ ઘટી રહી છે અને એન્જિનમાં પણ મોટું નુકસાન થઈ રહ્યું છે. સૌથી મોટી વાત એ છે કે પેટ્રોલમાં 20 ટકા ઈથેનોલ ઉમેર્યા છતાં પણ પેટ્રોલની કિંમતમાં 20 ટકાનો ઘટાડો કરાયો નથી. સરકારે જબરદસ્તીથી લોકો પર ઈથેનોલ થોપી દીધું છે અને નાગરિકો પાસેથી શુદ્ધ પેટ્રોલ ખરીદવાનો અધિકાર પણ છીનવી લીધો છે. અમેરિકાના દબાવમાં આવીને બનાવાયેલી આ નીતિના કારણે આજે દેશની જનતા પરેશાન છે. આથી, સરકારની આ નીતિઓ સામે અવાજ ઉઠાવવાનો અને આ મુદ્દાને જનઆંદોલન બનાવવાનો સમય આવી ગયો છે. આ મુદ્દે લોકોને જાગૃત કરવા માટે આવતીકાલે રવિવાર, 9 ઓગસ્ટ 2026ના રોજ સુરતના સરથાણા સ્થિત SMC કોમ્યુનિટી હોલ ખાતે સવારે 11:00 વાગ્યે એક ટાઉન હોલનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં ક્ષેત્રના એક્સપર્ટ્સ પણ પોતાના વિચારો વ્યક્ત કરશે. સુરત અને આસપાસના વિસ્તારના નાગરિકોને રૂબરૂ પધારવા અથવા આપેલી લિંકના માધ્યમથી ઓનલાઈન જોડાઈને પોતાનો અવાજ બુલંદ કરવા નમ્ર અપીલ છે.
આમ આદમી પાર્ટી વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ જણાવ્યું હતું કે, આપણે સખત મહેનત કરી પરસેવાની કમાણીમાંથી જીવનમાં માન-સન્માન સાથે એકાદ સારું ટુ-વિલર કે ફોર-વિલર ખરીદીએ છીએ. પરંતુ ભાજપ સરકાર જબરદસ્તી કરીને આપણી ગાડીઓમાં ઈથેનોલ મિશ્રિત ભેળસેળ વાળું પેટ્રોલ નખાવવા આપણને મજબૂર કરી રહી છે. આવા ભેળસેળ વાળા ઈથેનોલ પેટ્રોલના કારણે વાહનોની એવરેજ/માઈલેજ ઘટી જાય છે, વાહનો વારંવાર બંધ પડી જાય છે અને તેને વારંવાર સર્વિસ કરાવવી પડે છે. જેના કારણે ગ્રાહકોનો ખર્ચ વધે છે અને સરવાળે આપણી મહેનત-પરસેવાની કમાણી પાણીમાં નહીં પણ ઈથેનોલમાં જાય છે. ઈથેનોલ મિશ્રિત પેટ્રોલ સામે જનજાગૃતિ ફેલાવવા અને સરકાર બે વિકલ્પ આપે; જેમને ઈથેનોલ વાળું પેટ્રોલ પૂરાવવું હોય તે ઈથેનોલ વાળું પૂરાવે અને જેમને પ્યોર (શુદ્ધ) પેટ્રોલ પૂરાવવું હોય તે પ્યોર પૂરાવી શકે તે માટે અરવિંદ કેજરીવાલજીના નેતૃત્વમાં દેશભરમાં પ્રયાસો થઈ રહ્યા છે, જેથી સરકાર જાગે અને લોકોની ગાડીઓ પર અખતરા કરવાનું બંધ કરે. આ અંગે જનજાગૃતિ ફેલાવવા માટે આવતીકાલે 9 ઓગસ્ટે સુરત ખાતે આવેલા SMC કોમ્યુનિટી હોલમાં E-20 (ઈથેનોલ મિશ્રિત પેટ્રોલ) વિરુદ્ધ એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં હું પણ હાજર રહેવાનો છું. આપ સૌ નાગરિકોને તેમાં ઉપસ્થિત રહેવા અપીલ છે. જેઓ રૂબરૂ ન આવી શકે, તેઓ ઓનલાઈન પણ આ ટાઉન હોલ કાર્યક્રમમાં જોડાઈ શકે છે.
આમ આદમી પાર્ટીના પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઠીયાએ જણાવ્યું હતું કે, સમગ્ર દેશમાં લોકો હવે સરકારની નીતિઓ સામે અવાજ ઉઠાવવા લાગ્યા છે. સરકારે જબરદસ્તીથી લોકો પર E20 (ઈથેનોલ મિશ્રિત પેટ્રોલ) થોપી દીધું છે, જેના કારણે આપણી પેટ્રોલ ગાડીઓ અને ટુ-વ્હીલર્સમાં માઈલેજ ઘટવા સહિતના અનેક પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે. લોકો E20 બંધ કરવાની માંગ કરી રહ્યા છે, છતાં સરકાર તેને બંધ કરવાનું નામ નથી લઈ રહી. આથી, સરકારના આ નીતિગત નિર્ણયો સામે દિલ્હીથી શરૂ થયેલું આ આંદોલન હવે ગુજરાત સુધી પહોંચ્યું છે. દિલ્હીમાં યોજાયેલા ટાઉન હોલ કાર્યક્રમની જેમ જ આવતીકાલે સવારે 11:00 વાગ્યે સુરતના સરથાણા કોમ્યુનિટી હોલ ખાતે એક વિશેષ ટાઉન હોલ કાર્યક્રમ યોજાશે. જેમાં E20 પેટ્રોલથી થતા આર્થિક અને તકનીકી નુકસાન બાબતે તજજ્ઞો સાથે વિસ્તૃત ચર્ચા કરવામાં આવશે. જેવી રીતે દિલ્હીના કાર્યક્રમમાં લાખો લોકો જોડાયા અને જાગૃતિ ફેલાઈ, તેવી જ રીતે ગુજરાતમાં પણ આપણે સૌએ જાગૃત થઈને સરકારની અન્યાયી નીતિઓ સામે અવાજ બુલંદ કરવાનો છે. સુરતના નાગરિકોને આ ટાઉન હોલમાં રૂબરૂ પધારવા અથવા ઓનલાઈન લિંકના માધ્યમથી જોડાઈને અવાજ ઊઠાવવા માટે નમ્ર વિનંતી છે.





