માંગરોળના ધારાસભ્ય અને ખેડૂતો વચ્ચેના વિવાદમાં ખેડૂત તથા આમ આદમી પાર્ટીના નેતા પિયૂષ પરમાર પર ખોટી FIR દાખલ કરવામાં આવી છે. આ મુદ્દે વાત કરતા પિયૂષ પરમારે જણાવ્યું હતું કે, હું પુરાવા સાથે વાત કરું છું. બે દિવસ પહેલા માંગરોળના ધારાસભ્યએ ખેડૂતોને બેફામ ગાળો આપી અને ન બોલવાના શ
બ્દો કહ્યા, જ્યારે હું ખેડૂતોની સાથે મક્કમતાથી ઊભો રહ્યો. પરંતુ ખેડૂત વિરોધી માનસિકતા ધરાવતા લોકો એવું માને છે કે જે પણ ખેડૂતોની સાથે ઊભો રહેશે, તેને અમે છોડીશું નહીં. એના જ ભાગરૂપે ચોરવાડ મુકામે મારા પર એક ખોટી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. ફરિયાદીએ બે મહિના પહેલાંની ઘટના દર્શાવીને ગઇકાલની તારીખમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદી એવું કારણ આપે છે કે તે કામમાં વ્યસ્ત હતો એટલે ફરિયાદ કરવા આવી શક્યો નહોતો. બે મહિના સુધી ફરિયાદ કેમ ન નોંધાવી? હવે જે ફરિયાદ થઈ છે તે પણ કેવી? ‘કામમાં રુકાવટ કરી’ તે બદલ! હું આ ખેડૂત વિરોધી માનસિકતા ધરાવતા નેતાઓને કહેવા માગું છું કે તમારી આવી ખોટી ફરિયાદોથી પિયૂષ પરમાર ડરવાનો નથી કે ઝૂકવાનો નથી, ખેડૂતો માટે સતત લડતો રહેશે. આ FIR દાખલ કરીને તમે સાબિત કરી દીધું છે કે તમે ખેડૂત વિરોધી છો.
પિયૂષ પરમારે વધુમાં જણાવ્યુ હતુ કે ફરિયાદી દ્વારા જે ઘટના દર્શાવવામાં આવી છે, તેમાં ખોરાસા ગામ મુકામે સ્માર્ટ મીટરના વિરોધની હતી. આખા ગામે સ્માર્ટ મીટરનો વિરોધ કર્યો હતો. અધિકારીઓએ દાદાગીરી કરીને કનેક્શન કાપી નાખ્યા એટલે અમે શાંતિપૂર્ણ ધરણા કર્યા હતા. તે ધરણામાં જુનાગઢ જિલ્લા ભાજપ પ્રમુખે આવીને અમને સમર્થન આપ્યું હતું અને અધિકારીઓને કાપેલા મીટરના કનેક્શન ફરીથી જોડવા કહ્યું હતું. છતાં પણ બે મહિના પછી આ ખોટી ફરિયાદ શા માટે કરવામાં આવી? કારણ કે હું ખેડૂતોની સાથે ઊભો છું અને તેમની સામે થતા અન્યાય સામે લડું છું. મારી સામે આ કોઈ પહેલી ફરિયાદ નથી. ભાજપના નેતાઓને કહેવા માગું છું કે આ મારી પર ૯મી ખોટી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. આ પહેલા જામવાડી ગામમાં પાણી આપવાની લડાઈમાં પણ ખોટી ફરિયાદ કરી મને ત્રણ મહિના જેલમાં રાખવામાં આવ્યો હતો, અને એ કેસમાં અજાણ્યા વ્યક્તિઓના નામ પણ ખુલ્યા હતા. વિચાર કરજો, ગુજરાતમાં હવે લોકશાહી જેવું રહ્યું નથી. હું ગુજરાતના ખેડૂતોને વિનંતી કરવા માગું છું કે ભાજપની આ તાનાશાહી તાકાતોને ઓળખો, જેઓ સત્તાના બળે લોકોને ડરાવવા અને ધમકાવવા સિવાય કંઈ કરતા નથી. હું આ નેતાઓને ખુલ્લો પડકાર ફેંકીને કહું છું કે મારી માએ મને જનતા માટે લડવા જન્મ આપ્યો છે. જનતાના હક માટે લડતાં લડતાં જો મારો જીવ પણ જતો રહેશે, તો પણ મને એની કોઈ ફિકર નથી.





