
આમ આદમી પાર્ટીના જુનાગઢ જિલ્લા પ્રમુખ હરેશ સાવલિયા વિસાવદર માર્કેટિંગ યાર્ડમાં જ્યારે કડદા પ્રથાનો વિરોધ કરવા પહોંચ્યા હતા. ત્યારે તેમને ખોટા કેસમાં જેલમાં ધકેલી દેવામાં આવ્યા હતા અને આજે તેઓ સાબરમતી જેલમાંથી બહાર આવ્યા અને આ દરમિયાન આમ આદમી પાર્ટીના વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલીયા પણ તેમનું સ્વાગત કરવા પહોંચ્યા હતા. ધારાસભ્ય ગોપાલ ઇટાલીયાની સાથે સાથે મોટી સંખ્યામાં આમ આદમી પાર્ટીના પદાધિકારીઓ અને કાર્યકર્તાઓ પણ હરેશ સાવલિયાના સ્વાગત માટે પહોંચ્યા હતા અને ફુલહાર પહેરાવીને ઉત્સાહભેર તેમનું સ્વાગત કર્યું હતું.
આ દરમિયાન ધારાસભ્ય ગોપાલ ઇટાલીયાએ મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે, માર્કેટિંગ યાર્ડમાં ટેકાના ભાવે છે ખરીદીમાં જે કડદો ચાલતો હતો તે કડદોનો વિરોધ કરવા માટે હરેશભાઈ ત્યાં ગયા હતા અને તેમને ખોટી રીતે જેલમાં નાખવામાં આવ્યા હતા. જ્યારે કડદાનો વિરોધ કરવામાં આવે તો કડદો કરનારને નહીં પરંતુ જે કડદોનો વિરોધ કરે તેને જેલમાં પૂરવાની પ્રથા ભાજપની સરકારે શરૂ કરી છે. તો આ આરોપો બાબતે હું એટલું જ કહીશ કે જ્યારે સમય બદલાશે ત્યારે મજા આવશે. એક વખત ખેડૂતોના આશીર્વાદ મળશે તો કડદો કરનાર લોકોને બતાવીશું કે કઈ રીતે સિસ્ટમ ચાલે.
વધુમાં ધારાસભ્ય ગોપાલ ઇટાલીયાએ જણાવ્યું હતું કે, બહુમતીના જોરે આજે દાદાગીરી થઈ રહી છે, એક પ્રકારે આખા ગુજરાતને પોલીસથી ડરાવેલું છે. આજે દરેક માણસ ભાજપના કારનામા અને કાવતરાઓથી વાકેફ છે. ખરેખર એવું હોવું જોઈએ કે પોલીસથી જનતા સુરક્ષિત મહેસૂસ કરે પરંતુ આજે ભાજપની વિરુદ્ધ જો તમે એક પણ શબ્દ બોલો તો FIR, જેલ, પાસા જેવી કાર્યવાહી થઈ જાય અને આ ગુંડાગર્દીની સામે જ અમારી લડાઈ છે. અમે ભાજપને કહેવા માંગીએ છીએ કે અમે પણ જોઈશું કે તારી જેલમાં કેટલો દમ છે. સમય બદલીશું નહીં ત્યાં સુધી અમે લડી લઈશું. જો પરિવર્તન આવવાનું અટકી ગયું હોત તો દેશ આઝાદ કઈ રીતે થયો હોત? અંગ્રેજો પાસે પણ ડંડો અને પોલીસ હતી, અંગ્રેજો પણ હર્ષ સંઘવીની જેમ વિચારતા હતા કે ડંડો મારીશું તો ક્રાંતિ નહીં આવે પરંતુ ક્રાંતિ આવી અને એ જ રીતે હવે ગુજરાતમાં પણ ક્રાંતિ આવશે.




