
ગુજરાત સરકારનો મોટો ર્નિણય.નિવૃત્તિને આડે પાંચ વર્ષ કે ઓછો સમય બાકી હોય તેવા શિક્ષકોને ટેટમાંથી મુક્તિ.આ ર્નિણયને કારણે રાજ્યના શિક્ષણ ક્ષેત્રમાં લાંબા સમયથી ચાલતી ચર્ચાઓને પૂર્ણવિરામ મળ્યો છે.ગુજરાત રાજ્યના શિક્ષણ વિભાગે રાજ્યભરના શિક્ષકો માટે ટેટ સંબંધે મહત્વનો અને સ્પષ્ટ ર્નિણય લીધો છે. શિક્ષણ વિભાગે જાહેર કર્યું છે કે જે શિક્ષકોની નિવૃત્તિમાં હવે પાંચ વર્ષ કે તેથી ઓછો સમય બાકી છે, તેવા વરિષ્ઠ શિક્ષકોને ટેટ પરીક્ષા પાસ કરવાની ફરજમાંથી મુક્તિ આપવામાં આવશે. આ ર્નિણયને કારણે રાજ્યના શિક્ષણ ક્ષેત્રમાં લાંબા સમયથી ચાલતી ચર્ચાઓને પૂર્ણવિરામ મળ્યો છે.
ઉલ્લેખનીય છે કે રાજ્ય સરકાર દ્વારા અગાઉ શાળાઓમાં શિક્ષણની ગુણવત્તા સુધારવાના હેતુથી તમામ શિક્ષકો માટે ટેટ ફરજિયાત કરવાની દિશામાં પગલાં લેવામાં આવ્યા હતા. આ ર્નિણય અંતર્ગત વર્ષ ૨૦૧૧ પહેલાં ભરતી થયેલા તેમજ ૨૦૧૧ પછી ભરતી થયા હોવા છતાં હજુ સુધી ટેટ પાસ ન કરનાર શિક્ષકોની વિગતવાર માહિતી એકત્ર કરવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. આ માટે જિલ્લાવાર અને શાળાવાર ડેટા માંગવામાં આવતા શિક્ષણ જગતમાં અસંતોષ અને ચિંતા ફેલાઈ હતી.
આ મામલે ખાસ કરીને નિવૃત્તિ નજીક આવેલા વરિષ્ઠ શિક્ષકો માટે આ ર્નિણય પડકારરૂપ બન્યો હતો. ઘણા શિક્ષકો દ્વારા રજૂઆત કરવામાં આવી હતી કે લાંબા સમયની સેવા અને અનુભવ હોવા છતાં, ઉંમરના આ તબક્કે સ્પર્ધાત્મક પરીક્ષા આપવી માનસિક અને શારીરિક રીતે મુશ્કેલ બની શકે છે. આ રજૂઆતોને ધ્યાને લઈને શિક્ષણ વિભાગે વરિષ્ઠ શિક્ષકોને ટેટમાંથી મુક્તિ આપવાનો ર્નિણય કર્યો છે.
શિક્ષણ વિભાગના સૂત્રોના જણાવ્યા અનુસાર, જે શિક્ષકોની નિવૃત્તિ હવે પાંચ વર્ષ કે તેથી ઓછા સમયગાળામાં નિશ્ચિત છે, તેમને ટેટ પરીક્ષા આપવાની ફરજ રહેશે નહીં. જાેકે, નિવૃત્તિ માટે વધુ સમય બાકી હોય તેવા શિક્ષકો માટે ટેટ અંગે સરકાર આગામી સમયમાં સ્પષ્ટ નીતિ અથવા માર્ગદર્શિકા જાહેર કરી શકે છે. આ માટે બિન-ટેટ પાસ શિક્ષકોની અલગ-અલગ યાદીઓ તૈયાર કરવામાં આવી રહી છે. આ આંકડાકીય માહિતીના આધારે સરકાર શિક્ષણ ક્ષેત્રમાં લાંબા ગાળાની સુધારણા માટે નવા ર્નિણયો લઈ શકે છે.




