જંતર મંતર પર ડ્યુટી કરતા જવાનોને આદેશ સાદા કપડાં નહીં ચાલે, ફરજિયાત યુનિફોર્મ પહેરો દિલ્હીમાં જંતર મંતર ખાતે વિરોધ પ્રદર્શન દરમિયાન સાદા કપડાંમાં પોલીસ દ્વારા લાઠીચાર્જના વીડિયો વાઈરલ થયા હતા દિલ્હીમાં જંતર મંતર પર વિરોધ પ્રદર્શન વખતે અનેક પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓએ સાદા કપડાં પહેરીને કાર્યવાહી કરી હતી. આ અંગે જાેરદાર વિરોધ બાદ દિલ્હી પોલીસ હેડક્વાર્ટર દ્વારા આદેશ કરાયો છે કે, જંતર મંતર પર ડ્યુટી દરમિયાન યુનિફોર્મ પહેરવો ફરજિયાત છે. કાયદો અને વ્યવસ્થા જાળવતી વખતે પોલીસની ઓળખ સુનિશ્ચિત થઈ શકે તેમજ કોઈ પણ પ્રકારની ગેરકાયદે અને શંકાસ્પદ કાર્યવાહી પર રોક લગાવવા યુનિફોર્મ પહેરવો ફરજિયાત છે. નોંધનીય છે કે, જંતર મંતર પર વિદ્યાર્થીએ કરેલા વિરોધ પ્રદર્શનમાં કેટલાક પોલીસ કર્મીઓએ સાદા કપડાંમાં પ્રદર્શનકારીઓ પર લાઠીચાર્જ કર્યો હતો, જેના વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા પોલીસે ભારે વિરોધનો સામનો કરવો પડ્યો હતો.
નવી દિલ્હીમાં જંતર મંતર ખાતે વિરોધ પ્રદર્શન દરમિયાન વિવાદાસ્પદ ઘટના સામે આવ્યા બાદ દિલ્હી પોલીસ એક્શનમાં આવી છે. તાજેતરમાં પ્રદર્શનકારીઓ પર પ્લેન ક્લોથ્સ (સાદા કપડાં)માં સજ્જ કેટલાક લોકો દ્વારા લાઠીચાર્જ કરવામાં આવ્યો હોવાના વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થયા હતા. આ ઘટના બાદ ચારેય તરફથી વિરોધ અને ટીકાઓનો સામનો કરી રહેલા દિલ્હી પોલીસ હેડક્વાર્ટર દ્વારા કડક આદેશ જાહેર કરવામાં આવ્યા છે. હવેથી જંતર મંતર ખાતે તૈનાત તમામ પોલીસ કર્મચારીઓએ ફરજિયાતપણે પોતાના યુનિફોર્મમાં જ રિપોર્ટ કરવાનો રહેશે અને કોઈપણ કર્મચારી સાદા કપડાંમાં ડ્યુટી કરી શકશે નહીં.
આ સમગ્ર વિવાદ ત્યારે શરૂ થયો જ્યારે હજારોની સંખ્યામાં વિરોધ પ્રદર્શનકારીઓ કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માગ સાથે જંતર મંતરથી સંસદ ભવન તરફ માર્ચ કાઢી રહ્યા હતા. આ દરમિયાન દિલ્હી પોલીસ અને સીઆરપીએફના રેપિડ એક્શન ફોર્સ સાથે પ્રદર્શનકારીઓની ભારે ઝડપ થઈ હતી. આંદોલન ઉગ્ર બન્યા બાદ સોશિયલ મીડિયા પર વાઈરલ થયેલા વીડિયોમાં કેટલાક પુરુષો સાદા કપડાંમાં અને કેટલાક યુનિફોર્મમાં પોતાના નામના ટેગ હટાવીને પ્રદર્શનકારીઓ પર લાઠીચાર્જ કરતા જાેવા મળ્યા હતા. જેને લઈને સોશિયલ મીડિયા પર દિલ્હી પોલીસની ભૂમિકા સામે ગંભીર સવાલો ઊભા થયા હતા અને સાદા કપડાંમાં લાઠીઓ ચલાવતા લોકો કોણ છે તે અંગે ભારે આક્રોશ જાેવા મળ્યો હતો. જાે કે, નવી દિલ્હી જિલ્લા પોલીસના આંતરિક રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે સંસદ માર્ગ, રેલ ભવન ગોળચક્કર, જંતર મંતર અને કનોટ પ્લેસ જેવા વિસ્તારોમાં પરિસ્થિતિને નિયંત્રણમાં લેવા માટે માત્ર હળવો બળપ્રયોગ કરવામાં આવ્યો હતો.
કાયદાકીય અને બંધારણીય દ્રષ્ટિએ પણ આ મુદ્દે મોટી ચર્ચા જાગી છે. સામાન્ય રીતે કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે પોલીસ અધિકારીઓનું ઓળખાઈ શકવું જરૂરી ગણાય છે.
કાયદાકીય નિષ્ણાતોના મતે, જાે કોઈ પોલીસ અધિકારી યુનિફોર્મમાં ન હોય અથવા તેની ઓળખ ન થઈ શકે, તો ભીડને વિખેરાઈ જવાનો તેનો આદેશ કાનૂની માન્યતા ધરાવતો નથી. ગુપ્ત માહિતી એકત્ર કરવા જેવા વિશિષ્ટ કાર્યો સિવાય સામાન્ય કાયદો અને વ્યવસ્થા જાળવવાની કામગીરી દરમિયાન પોલીસ કર્મચારીઓનું ઓળખપત્ર અથવા યુનિફોર્મમાં હોવું અનિવાર્ય માનવામાં આવે છે.





