
દહેજ અને અત્યાચારના કિસ્સાઓમાં વધારો!.રાજ્યમાં મહિલાઓ વિરુદ્ધના ગુનાના ચિંતાજનક આંકડા જાહેર.વર્ષ ૨૦૨૦-૨૧માં ૫૪ કેસ, ૨૦૨૧-૨૨માં ૭૨ કેસ અને ૨૦૨૨-૨૩માં ૫૨ કેસ નોંધાયા હતા.ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર આજે અંતિમ દિવસ છે. અંતિમ દિવસે આજે ગૃહમાં અતરાંકિત પ્રશ્નો ચોંકાવનારી વિગતો સામે આવી છે. ગુજરાત રાજ્યમાં છેલ્લા ત્રણ વર્ષ દરમિયાન મહિલાઓ વિરુદ્ધ થતા ગુનાઓ અંગેના અધિકૃત આંકડાઓ સામે આવ્યા છે. જેમાં રાજ્યમાં દહેજને કારણે થતા આપઘાત અને અનુસૂચિત જાતિની મહિલાઓ પર થતા અત્યાચારોની ઘટનાઓમાં નોંધપાત્ર સંખ્યા જાેવા મળી છે. જે મુજબ દહેજ પ્રથાનો ભોગ બનતી મહિલાઓ આંકડા સામે આવ્યા છે. વર્ષ ૨૦૨૦થી ૨૦૨૩ દરમિયાન દહેજને કારણે મહિલાઓના આપઘાતના અનેક કિસ્સાઓ નોંધાયા છે. વર્ષ ૨૦૨૦-૨૧માં ૫૪ કેસ, ૨૦૨૧-૨૨માં ૭૨ કેસ અને ૨૦૨૨-૨૩માં ૫૨ કેસ નોંધાયા હતા. આ ઉપરાંત, દહેજના કારણે આપઘાતના પ્રયાસોના પણ કેસો સામે આવ્યા છે. આ ગુનાઓમાં પોલીસ દ્વારા મોટાભાગના આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે, જાેકે બે વર્ષમાં ૧૫ જેટલા આરોપીઓ હજુ પણ પકડવાના બાકી છે.
જ્યારે અનુસૂચિત જાતિની મહિલાઓ સામેના ગુના સંખ્યમાં વધારો જાેવા મળી રહ્યો છે. જે અનુસૂચિત જાતિની મહિલાઓ સાથે દુષ્કર્મનીઘટનાઓમાં પણ ચિંતાજનક આંકડા જાેવા મળ્યા. કેમકે ૨૦૨૦-૨૧માં ૧૨૧ ઘટનાઓ ઘટી હતી. જ્યારે ૨૦૨૧-૨૨માં ૧૯૦ ઘટનાઓ પ્રકાશમાં આવી છે. તેમજ ૨૦૨૨-૨૩માં ૧૮૬ ઘટનાઓ ઘટી છે. આ ગુનાઓ સંદર્ભે અત્યાર સુધીમાં કુલ ૭૧૮ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે ૧૯ આરોપીઓ હજુ પણ પોલીસ પકડથી દૂર છે. જાે કે કેટલાક કિસ્સાઓમાં નામદાર સુપ્રીમ કોર્ટ અથવા હાઈકોર્ટના મનાઈ હુકમ (સ્ટે) હોવાને કારણે આરોપીઓની ધરપકડ થઈ શકી નથી. બાકી રહેલા આરોપીઓને ઝડપી પાડવા માટે પોલીસ દ્વારા સઘન કાર્યવાહી કરવામાં આવી રહી છે.
આરોપીઓના મિત્ર વર્તુળ અને સગા-સંબંધીઓમાં તપાસ. તેમજ મોબાઈલ લોકેશન અને ટેકનિકલ સર્વેલન્સનો ઉપયોગ કે બાતમીદારો દ્વારા મેળવેલી માહિતીના આધારે દરોડા કાર્યવાહી કરવામાં આવી રહી છે. રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર દ્વારા આ પ્રકારના ગંભીર ગુનાઓમાં સંડોવાયેલા તમામ આરોપીઓને વહેલી તકે જેલના સળિયા પાછળ ધકેલવા માટે અસરકારક પગલાં લેવાની ખાતરી આપવામાં આવી છે.





