
ઇસ્કોન બ્રિજ અકસ્માત કેસતથ્ય પટેલને ૨ વર્ષ ૧૦ મહિના બાદ SC માંથી મળ્યા જામીન.એસજી હાઇવે ઇસ્કોન બ્રિજ પર ૨૦૨૩ના બહુચર્ચિત અકસ્માત કેસમાં ૯ના મોતના આરોપીને જામીન મળ્યા.શહેરના એસજી હાઇવે પર આવેલા ઇસ્કોન બ્રિજ પર બનેલા બહુચર્ચિત અકસ્માત કેસને લઇને મોટા સમાચાર સામે આવ્યા છે. અકસ્માત સર્જનાર તથ્ય પટેલને નિયમિત જામીન મળ્યા છે. તથ્ય પટેલને સુપ્રીમ કોર્ટમાંથી જામીન મળ્યા છે. આ કેસમાં તથ્યને ૨ વર્ષ ૧૦ મહિના બાદ જામીન મળ્યા છે. હાલ ટ્રાયલ કોર્ટમાં સાક્ષી તપાસવાની પ્રકિયા ચાલી રહી છે.
શહેરના ઇસ્કોન બ્રિજ પર ગત તારીખ ૨૦મી જુલાઈ ૨૦૨૩ના રાત્રીના સમયે ૧૪૨.૫ કિલોમીટરથી વધુની સ્પીડે જેગુઆર ગાડી હંકારીને તથ્ય પટેલે ૯ લોકોના મોતને ઘાટ ઉતાર્યા હતા. જે કેસમાં તથ્ય પટેલ હાલ જેલમાં છે. જાેકે, હવે સુપ્રીમ કોર્ટમાંથી તેને જામીન મળ્યા છે.
૨૦ જુલાઈ ૨૦૨૩ની અડધી રાત્રે અમદાવાદના એસ.જી. હાઇવે પરના ઇસ્કોન બ્રિજ પર એક જીપ ડિવાઈડર સાથે અથડાતા અકસ્માત સર્જાયો હતો. જેનો અવાજ સાંભળતા ઘટનાસ્થળે ૨૫-૩૦ લોકોની ભીડ એકઠી થઈ હતી. પોલીસ સહિત તમામ લોકો એ સમજવાનો પ્રયત્ન જ કરી રહ્યા હતા કે આ અકસ્માત કઈ રીતે સર્જાયો છે, એટલીવારમાં ૧૪૨ કિ.મી. પ્રતિ કલાકની ઝડપે જગુઆર કાર ચલાવી તથ્ય પટેલે આ ભીડને ટક્કર મારી હતી. જેમાં ૯ લોકોનો ઘટના સ્થળ પર જ મોત થયા હતા. ઘટના બાદ તથ્યની કલાકોમાં ધરપકડ કરી લેવામાં આવી હતી. આ ગોઝારી ઘટનાએ માત્ર અમદાવાદ જ નહીં પરંતુ આખા ગુજરાતને હચમચાવી નાખ્યું હતું.
મૃતકોના પરિવારજનોને વળતર આપવા અંગેની માંગ પર સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કર્યું કે હાલ ટ્રાયલ ચાલી રહી હોવાથી વળતર અંગે કોઈ ર્નિણય લેવો યોગ્ય નહીં ગણાય, કારણ કે તે કેસની કાર્યવાહી પર અસર કરી શકે છે. બીજી તરફ, તથ્ય પટેલ સામે પોલીસે ઘટના બાદ માત્ર ૭ દિવસમાં ૧૬૮૪ પાનાની ચાર્જશીટ દાખલ કરી હતી. પોલીસે IPCની કલમ ૨૭૯, ૩૩૭, ૩૩૮, ૩૦૪, ૫૦૪, ૫૦૬(૨), ૩૦૮, ૧૧૪, ૧૧૮ તેમજ મોટર વ્હીકલ એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધ્યો હતો.
અગાઉ મે ૨૦૨૫માં ગુજરાત હાઈકોર્ટે ૭ દિવસના જામીન આપ્યા હતા. આ પહેલા પણ તથ્યએ જેલમાંથી બહાર આવવા પણ પ્રયત્નો કર્યો હતો, પરંતુ તે સફળ થયો નહતો. અંતે તથ્યએ તેની માતાની કરોડરજ્જુની મોટી સર્જરી માટે જામીનની અરજી કરી હતી, જે હાઈકોર્ટે મંજૂર કરી હતી.





