
કલોલ સેશન્સ કોર્ટનો ચુકાદો સામૂહિક દુષ્કર્મના ૩ આરોપીને અંતિમ શ્વાસ સુધીની કેદ વર્ષ ૨૦૧૮માં સાંતેજ પોલીસ સ્ટેશનની હદમાં એક સગીરા પર થયેલા અત્યાચારના સંદર્ભમાં ગુનો દાખલ થયો હતો માનવજાતને હચમચાવી દેનારા સામૂહિક દુષ્કર્મના કેસમાં કલોલની સ્પેશિયલ પોક્સો કોર્ટે અત્યંત કડક વલણ અપનાવી ઐતિહાસિક ચુકાદો જાહેર કર્યાે છે. ૪થા એડિશનલ સેશન્સ જજ બી.આર. રાજપૂત દ્વારા આ કેસના ત્રણેય આરોપીઓને તેમના જીવનના અંતિમ શ્વાસ સુધી જેલમાં જ વિતાવવા પડે તે પ્રકારની સખત કેદની સજા ફટકારવામાં આવી છે. આ ચુકાદાએ ગુનેગારોમાં કાયદાનો ફફડાટ પેદા કરવાની સાથે સમાજમાં ન્યાયતંત્રની સર્વાેપરિતા સાબિત કરી છે.ચોંકાવનારા કેસની વિગત મુજબ, વર્ષ ૨૦૧૮માં સાંતેજ પોલીસ સ્ટેશનની હદમાં એક સગીરા પર થયેલા અત્યાચારના સંદર્ભમાં ગુનો દાખલ થયો હતો. જેમાં આરોપી વિપુલ અમરતજી ઠાકોરે સગીરાને પ્રેમજાળમાં ફસાવી, લલચાવી-ફોસલાવી બાઈક પર તેનું અપહરણ કરી મિત્રના ખેતરમાં લઈ જઈ બળાત્કાર ગુજાર્યાે હતો. ત્યારબાદ તે પીડિતાને જાનથી મારી નાખવાની ધમકી આપી અડધી રાત્રે શેરીસા કેનાલ પર અસહાય હાલતમાં મૂકીને નાસી છૂટ્યો હતો.
તે દરમિયાન ત્યાંથી પસાર થઇ રહેલા અન્ય આરોપીઓ અરવિંદ મેલાજી ઠાકોર અને બળદેવજી ઉર્ફે પપ્પુ ઠાકોરે મદદ કરવાને બદલે સગીરાની લાચારીનો લાભ લીધો હતો અને વારાફરતી સગીરા પર હેવાનીયતભર્યું સામુહિક દુષ્કર્મ આચર્યુ હતું. આ કેસ કલોલની પોક્સો કોર્ટમાં ચાલી જતા સરકારી વકીલ જીગ્નેશ એચ. જાેશીએ ધારદાર દલીલો રજૂ કરી હતી. તેમણે કોર્ટનું ધ્યાન દોર્યું હતું કે, ભોગ બનનાર સગીર વયની હોવા છતાં આરોપીઓએ તેના ભોળપણનો જે રીતે ગેરલાભ લીધો છે તે સમાજ માટે કલંક સમાન છે. કોઈપણ સ્ત્રી માટે આવું નરકાગાર જેવું કૃત્ય આજીવન દુ:સ્વપ્ન બની જાય છે. જ્યારે આરોપીઓ સ્ત્રીની વેદના અને ચીસો સાંભળીને પણ ન અટક્યા હોય, ત્યારે તેમને સમાજમાં રહેવાનો કોઈ અધિકાર નથી અને તેઓ માત્ર કઠોર સજાને જ પાત્ર છે. ન્યાયાધીશે ચુકાદાના પ્રારંભે સંસ્કૃત શ્લોક ટાંકીને દંડ શાસ્ત્રની મહત્તા સમજાવી હતી. તેમણે અવલોકન કર્યું હતું કે, દુષ્ટ અને ધૂર્ત લોકોને શિક્ષા આપવી એ જ ધર્મનો અસલી પ્રચાર છે. આ કેસમાં કોર્ટે આરોપી નંબર-૨ અરવિંદ અને આરોપી નંબર-૩ બળદેવજી તેમજ પ્રથમ આરોપી અરવિંદને પોક્સો એક્ટની વિવિધ કલમો હેઠળ દોષિત ઠેરવીને આજીવન એટલે કે છેલ્લા શ્વાસ સુધીના કારાવાસની સજા અને પ્રત્યેકને રૂ.૫૦ હજારનો દંડ ફટકાર્યાે છે. ઉલ્લેખનિય છે કે, ચુકાદા સમયે આરોપી અરવિંદ ફરાર હતો અને જામીન મેળવી નાસી ગયો હતો. જેથી કોર્ટે તાત્કાલિક તેની વિરુદ્ધ એરેસ્ટ વોરંટ ઈસ્યુ કર્યુ હતું. ત્યારબાદ આરોપીએ કોર્ટ સમક્ષ શરણાગતિ સ્વીકારતા તેને તાત્કાલિક જેલ હવાલે કરી સજાનો અમલ શરૂ કરાવ્યો છે.





