ગુજરાતના ભાવનગરમાં ઝેરી મિશ્રણથી બનેલા બોગસ દારૂ (લઠ્ઠા)નું સેવન કરવાને કારણે અંદાજે 9 જેટલા લોકોના કમનસીબ મોત નિપજ્યા છે, જ્યારે અન્ય અનેક લોકોની તબિયત લથડતાં તેઓને ત્વરિત તબીબી સારવાર અર્થે સ્થાનિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. હોસ્પિટલમાં દાખલ દર્દીઓ પૈકી કેટલાકની સ્થિતિ હજુ પણ ગંભીર હોવાનું જાણવા મળી રહ્યું છે. આ બનાવને પગલે સમગ્ર વિસ્તારમાં ભારે શોક અને રોષની લાગણી વ્યાપી ગઈ છે, તેમજ પોલીસ વિભાગ અને સ્થાનિક વહીવટી તંત્રમાં પણ દોડધામ મચી ગઈ છે.
આ ઘટનાને લઈને આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે શાસક પક્ષ પર તીખો હુમલો કરતા ટ્વીટ કર્યું હતું. તેમણે લખ્યું હતું કે, “આખા ગુજરાતમાં દારૂબંધી છે અને અહીં જ નકલી દારૂ પીવાથી લોકોના જીવ જઈ રહ્યા છે. વિચાર કરો, છેલ્લા 30 વર્ષથી ભાજપ અહીં સરકાર ચલાવી રહી છે. આનાથી વધુ શરમજનક બીજું કંઈ હોઈ ન શકે. આ લોકોએ ગુજરાતને ગેરકાયદે દારૂના ધંધાનું કેન્દ્ર બનાવી દીધું છે.તેમણે ગાંધીના ગુજરાતમાં લઠ્ઠાકાંડની વારંવાર બનતી ઘટનાઓ અંગે ગંભીર સવાલો ઉઠાવીને દારૂબંધીના કડક અમલીકરણ સામે શંકા વ્યક્ત કરી છે.





