કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ કહ્યું મને શરમ આવે છે, હું મુંબઈ-ગોવા હાઈવેના ઉદ્ધાટનમાં નહીં આવું પણજીમાં નીતિન ગડકરીએ મુંબઈ-ગોવા હાઈવેના પ્રોજેક્ટમાં થયેલા ભારે વિલંબને લઈને સીધું નિવેદન આપ્યું પણજીમાં કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ મુંબઈ-ગોવા હાઈવેના પ્રોજેક્ટમાં થયેલા ભારે વિલંબને લઈને સીધું નિવેદન આપ્યું છે. ગોવામાં એક કાર્યક્રમ દરમિયાન તેમણે કહ્યું કે, આ હાઈવેના ઉદ્ઘાટનમાં તેઓ હાજર નહીં રહે. પ્રોજેક્ટ પૂર્ણ થવામાં અપેક્ષા કરતાં ઘણો વધુ સમય લાગી ગયો છે, જેના કારણે તેમને શરમ અનુભવાય છે. મુંબઈ-ગોવા હાઈવે મહારાષ્ટ્ર અને ગોવા વચ્ચેનો સૌથી મહત્વનો રોડ પ્રોજેક્ટ ગણાય છે. જાેકે, જમીન સંપાદન, ટેક્નિકલ પડકારો અને અન્ય કારણોસર તેનું કામ નિર્ધારિત સમય કરતાં ઘણું લાંબું ખેંચાયું છે. તેના કારણે સ્થાનિક લોકો અને મુસાફરોને વર્ષો સુધી મુશ્કેલી ભોગવવી પડી છે. પણજીના ઉત્તરમાં બનાવવામાં આવેલા ૫.૧૫ કિલોમીટર લાંબા એલિવેટેડ રોડના ઉદ્ઘાટન સમારોહ દરમિયાન નીતિન ગડકરીએ આ વાત કહી હતી. તેમણે કહ્યું કે, “હવે મેં તેના ઉદ્ઘાટન માટે યોગ્ય સમયની રાહ જાેવાનું છોડી દીધું છે. મેં નક્કી કર્યું છે કે હું મુંબઈ-ગોવા હાઈવેના ઉદ્ઘાટન માટે નહીં જાઉં, કારણ કે તેના કામમાં થયેલા વિલંબના કારણે મને શરમ આવે છે.” જાેકે, નીતિન ગડકરીએ આશા વ્યક્ત કરી હતી કે પ્રોજેક્ટનું કામ ટૂંક સમયમાં પૂર્ણ થઈ જશે. તેમણે કહ્યું, “ગઈકાલે મારી એક મીટિંગ થઈ હતી અને મને જણાવવામાં આવ્યું કે હાઈવેનું ૯૩-૯૪ ટકા કામ પૂર્ણ થઈ ગયું છે. ઓક્ટોબરમાં હું મુંબઈ એરપોર્ટ પર ઉતરીશ અને કામની સ્થિતિ જાેવા માટે કારથી ગોવા આવીશ.”
આ પ્રોજેક્ટ લગભગ ૧૫ વર્ષ પહેલાં શરૂ થયો હતો. જૂના બે-લેન હાઈવેને ચાર-લેનમાં ફેરવવાનું કામ ૨૦૧૧માં શરૂ કરાયું હતું. તેનો મુખ્ય હેતુ મુસાફરીનો સમય આશરે ૧૨ કલાકથી ઘટાડીને ૬ કલાક કરવાનો હતો. પરંતુ હાઈવેના ઘણા મહત્વના ભાગોમાં કામ લાંબા સમયથી અટકેલું રહ્યું. સોશિયલ મીડિયા પર ફોટા વાયરલ થયા બાદ બાંધકામની ગુણવત્તા અંગે પણ ચિંતા વ્યક્ત થઈ છે.




