
સાંસદ મનસુખ વસાવાએ પોતાની પાર્ટીને ધોઈ નાખી! કમિશનની સિસ્ટમ હવે ભાજપમાં પણ ઘૂસી ગઈ છે પોતાની જ પાર્ટીના નેતાઓ પર બસ સ્ટેશનને બદલે શોપિંગ સેન્ટર બનાવી ટકાવારી લેવાનો ગંભીર આરોપ લગાવ્યો સામે ચૂંટણીઓ આવી રહી છે, ત્યારે વિપક્ષને બદલે ભાજપના જ વરિષ્ઠ અને આખાબોલા સાંસદ મનસુખ વસાવા પોતાની જ પાર્ટીના નેતાઓ પર રીતસરના બગડ્યા છે.
તેમણે જાહેરમાં ભાજપના સ્થાનિક હોદ્દેદારો અને ધારાસભ્ય પર કમિશન એટલે કે ટકાવારી લેવાનો ગંભીર આરોપ લગાવતા રાજકારણમાં ભારે ગરમાવો આવી ગયો છે. મનસુખ વસાવાએ ખુલ્લેઆમ કહ્યું છે કે, નેતાઓ લોકોની સુવિધા માટે બસ સ્ટેશન બનાવવાને બદલે પોતાના આર્થિક ફાયદા અને ટકાવારી માટે શોપિંગ સેન્ટર ઊભા કરી રહ્યા છે. સાંસદના આ નિવેદનથી વિપક્ષને પણ શાસક પક્ષને ઘેરવાનો મોટો મુદ્દો મળી ગયો છે.
નેત્રંગમાં યોજાયેલા એક જાહેર કાર્યક્રમમાં સાંસદ મનસુખ વસાવાએ મંચ પરથી જ ભાજપના સ્થાનિક નેતાઓની પોલ ખોલી નાખી હતી. રાજપારડી સહિતના શહેરોમાં બસ સ્ટેશનની જગ્યાએ શોપિંગ સેન્ટર બનાવવાના ર્નિણયનો તેમણે ખુલ્લેઆમ વિરોધ કર્યો. તેમણે સીધો આક્ષેપ કરતા કહ્યું કે, “શોપિંગ સેન્ટરના નિર્માણમાં નેતાઓને મોટી ટકાવારી મળે છે.
સામાન્ય જનતાને અત્યારે શોપિંગ સેન્ટરની કોઈ જરૂર નથી, તેમને બસ સ્ટેશનની જરૂર છે.” એટલું જ નહીં, કડક શબ્દોમાં પ્રહાર કરતા તેમણે ત્યાં સુધી કહી દીધું કે, ભૂતકાળમાં જેમ કોંગ્રેસ અને મ્ઁ માં ચાલતું હતું, તેમ હવે ભાજપમાં પણ ટકાવારી (કમિશન) લેવાની સિસ્ટમ ઘૂસી ગઈ છે.
ભાજપના જ વરિષ્ઠ સાંસદના આ મોટા ધડાકા બાદ કોંગ્રેસને સરકાર પર તૂટી પડવાનો સીધો મોકો મળી ગયો છે. પ્રદેશ કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા ડો. મનીષ દોશીએ સરકાર પર આકરા પ્રહાર કરતા કહ્યું કે, ભાજપમાં અત્યારે ચંદા દો, ધંધા લો (ફાળો આપો અને કામ મેળવો) ની નીતિ ચાલી રહી છે. તેમણે આરોપ લગાવતા કહ્યું કે, આવા તમામ કૌભાંડોના નાણાં સીધા કમલમ (ભાજપ પ્રદેશ કાર્યાલય) સુધી પહોંચે છે. કોંગ્રેસે માંગ કરી છે કે જ્યારે શાસક પક્ષના પોતાના જ પીઢ સાંસદ જાહેરમાં ભ્રષ્ટાચારના આક્ષેપો કરી રહ્યા હોય, ત્યારે સરકારે આ મામલાની તાત્કાલિક અને તટસ્થ તપાસ કરીને કડક પગલાં લેવા જાેઈએ.





