
(છગનલાલ મેવાડા ધ્વારા) સુરત.
સુરત મહાનગરપાલિકાના કતારગામ ઝોન દ્વારા શનિવારે વેડ દરવાજા પાસે આવેલા વર્ષો જૂના નાસિરનગર વિસ્તારમાં ભારે પોલીસ બંદોબસ્ત સાથે મેગા ડિમોલિશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આ અંગે વહીવટી તંત્ર દ્વારા કોઈપણ પ્રકારની આગોતરી લેખિત નોટિસ આપ્યા વિના જ અચાનક બુલડોઝર ઉતારી દેવામાં આવ્યા હતા. એને લઈને સ્લમ વિસ્તારના ૧૫૦ થી વધુ પરિવારો ધોમધખતા તાપમાં ખુલ્લા આકાશ નીચે આવી ગયા છે. આ અચાનક થયેલી કાર્યવાહીને પગલે સમગ્ર વિસ્તારમાં ભારે તંગદિલી સર્જાઇ હતી. નાસિરનગર વિસ્તારમાં વસતા સ્થાનિક શ્રમિકો અને મહિલાઓનું કહેવું છે કે તેઓ અહીં છેલ્લા ૪૦ થી ૫૦ વર્ષથી વસવાટ કરે છે અને તેમની પાસે રહેઠાણના કાયદેસરના પુરાવા પણ છે. છતાં ડિમોલિશન કરી અમને બેઘર કેમ કરાયા? હવે આ નાસિરનગરના ડિમોલિશન મામલે જ્યારે સુરત મહાનગરપાલિકાએ હાથ ખંખેરી નાંખ્યા છે. ત્યારે સવાલ એ છે કે આ નાસિરનગર ઝુંપડપટ્ટીનું ડિમોલિશન કોના કહેવાથી કરાયું? અને કર્યું કોણે? વિકસિત સુરતમાં આવું કાંડ કોણ કરી ગયું? આટલા મોટા ષડયંત્રનો મુખ્ય સૂત્રધાર કોણ છે? આવા અનુત્તર રહેલા સવાલોના જવાબો તો જ્યારે મળશે ત્યારે મળશે.
પરંતુ સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ ઓછામાં ઓછા ૧૨ વર્ષ ઉપરાંતથી રહેનાર કોઈપણ વ્યક્તિને નોટિસ પાઠવ્યા વગર કોઈપણ પ્રકારનું ડિમોલિશન કરી કોઈને પણ બેઘર કરી શકાય નહીં. ત્યારે અહીંયા તો છેલ્લા 50 વર્ષો ઉપરાંત થી આ બસો જેટલા ઘરના પરિવારો વસવાટ કરતા હોય એમને સામા ચોમાસે કેવી રીતે ઘર વિહોણા કરી શકાય? એટલું જ નહીં સદર ડિમોલિશન સમયે જેમને ઘરનું રાચરચીલું પણ લેવાનો સમય નથી અપાયો ત્યારે ઘરમાં કોઈ બીમાર હોય, પથારીવશ વૃધ્ધ હોય, પ્રેગનન્ટ બાઈ હોય કે નાના બાળકો હોય એમની શું હાલત થઇ હશે? એનો આ સત્તાધીશોને ખ્યાલ નહીં હોય?
અહીં મૂળ કારણ એ છે કે જે વિસ્તારનું ડિમોલિશન કરાયુ છે એ રોજ લાવી ને રોજ ખાનારા મુસ્લિમ પરિવારો છે. એટલે એમાં પણ જાતિવાદી રાજકારણે ભાગ ભજવ્યો હોય એમ સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. એ સમયે જ્યારે કોઈપણ પ્રકારની લેખિત, મૌખિક નોટિસ કે સમય મર્યાદા આપ્યા વગર આ રીતે એકાએક જેસીબી મશીનો અને પોલીસ સાથે આવીને SMC ના અધિકારીઓ અણધારી રીતે કરેલા ડિમોલિશનનો ભોગ બનેલાઓનો રણી-ઘણી કોણ? બેઘર થનારાની જવાબદારી લેશે કોણ? શું SMC? પોલીસ તંત્ર? કે પડદા પાછળ રહી ડિમોલિશન કરાવનારા ષડયંત્ર કાર?
આમ જગ્યા ખાનગી માલિકીની હોય કે સરકારી માલિકીની હોય એની ઉપર કરાયેલા દબાણ બાબતે કાયદેસરની કોર્ટ કાર્યવાહી કર્યા પછી જ એ જગ્યાનો કબજો લઈ શકાતો હોય છે. ઉપરાંત જેઓ ડિમોલિશનનો ભોગ બનેલા હોય એમના માટે પણ વૈકલ્પિક વ્યવસ્થા કર્યા પછી જ આગળ કાર્યવાહી કરાતી હોય છે. ત્યારે અહીં તો SMC અને પોલીસે જ કાયદાના ધજીયા ઉડાવ્યા હોય ત્યારે ફરિયાદ કોને કરવી?





