આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રવક્તા યોગેશ જાદવાણીએ એક ગંભીર મુદ્દા પર પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે, છેલ્લા પાંચ વર્ષમાં નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા (NHAI) ના 38 ટોલનાકા હતા એ 66 થઈ ગયા. ગુજરાતમાંથી NHAI એ 24,814 કરોડ રૂપિયા નું ઉઘરાણું કર્યું છે. આટલા રૂપિયા ઉઘરાવ્યા છતાં પણ આ નેશનલ હાઈવે પર જનતા ખરાબ પરિસ્થિતિમાંથી પસાર થઈ રહી છે, ઠેર ઠેર ડાઈવર્ઝનો કાઢ્યા છે, ઘણી જગ્યાએ હાઈવે બન્યા નથી અને સમારકામ ચાલે છે ત્યાં પણ ટોલ ઉઘરાવવામાં આવે છે. હજુ તો ચોમાસાની શરૂઆત છે તેમ છતાં પણ હાઇવેની પરિસ્થિતિ એટલી ખરાબ અને ભયંકર છે કે ગમે ત્યાં ખાડા આવી જાય છે અને રાત્રે કે દિવસે પણ અચાનક જ કોઈ ડાયવર્ઝન આવી જાય તો એનું પણ ખૂબ મોટું જોખમ છે. અને બીજી બાજુ આપણી પાસે કરોડો રૂપિયા ઉઘરાવવામાં આવે છે તો આ જનતા પાસેથી થઈ રહેલી એક લૂંટ છે. જ્યાં સમારકામ ચાલે છે અને રોડ સંપૂર્ણ બન્યો નથી ત્યાં શા માટે ટોલ ઉઘરાવો છો અને લોકોને લૂંટો છો..?
વધુમાં આમ આદમી પાર્ટીના નેતા યોગેશ જાદવાણીએ જણાવ્યું હતું કે જ્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પોતે પ્રધાનમંત્રી બન્યા ન હતા ત્યારે “ગુજરાતને હળહળતો અન્યાય” અને લાફા વાળી જાહેરાતો ચલાવીને ગુજરાતના લોકોને ખૂબ જ ઇમોશનલી બ્લેકમેલ કર્યા અને ભોળવી નાંખતા હતા. અને હવે જ્યારે કેન્દ્રમાં સત્તા મળી ગઈ તો ગુજરાતના લોકો પર જ સૌથી મોટી લૂંટ ચલાવવાની? અને જેવી તેવી લૂંટ નહીં પરંતુ 24,814 કરોડ અને 97 લાખ ગુજરાતી જનતાએ તમને ચુકવ્યા છે. ટોલનાકા વધારીને 38 થી 66 કરી નાખ્યા. ખરાબ રોડના કારણે ગાડીઓ ખરાબ થઈ જાય, ટાયરો ફાટી જાય એવી હાલત છે. છતાં પણ કરોડો રૂપિયા ગુજરાતના લોકો પાસેથી ઉઘરાવવામાં આવે છે, તો આ લૂંટ હવે બંધ થવી જોઈએ. બે ગુજરાતીઓને કેન્દ્રમાં મોકલ્યા હોય તો તેઓ ગુજરાત માટે કંઈ કરે. એ બંને લોકોને પ્રજાએ આશા સાથે મોકલ્યા છે લૂંટ ચલાવવા માટે નહીં. કેન્દ્ર સરકાર ગુજરાતની જનતાને લૂંટવાનું બંધ કરે. યુપીએ સરકાર હળહળતો અન્યાય કરે છે એમ તમે કહેતા હતા પરંતુ તમે એના કરતા ચાર ગણો વધારે અન્યાય કરો છો. ગુજરાતની જનતા પાસે ભારતીય જનતા પાર્ટી જે હળહળતો અન્યાય કરે છે અને ગુજરાતની જનતાને લૂંટે છે એ લૂંટ બંધ થવી જોઈએ એવી આમ આદમી પાર્ટીની માંગણી છે.





