
વન વિભાગમાં ભડકો.ગીરના સિંહોની સારવાર કરતા ૧૨ વેટરનરી ડૉક્ટર્સના સામુહિક રાજીનામા.આ અન્યાયી વલણ સામે ઉગ્ર નારાજગી વ્યક્ત કરીને ડૉક્ટર્સે અગ્ર મુખ્ય વન સંરક્ષકને પત્ર લખીને પોતાના પદો પરથી રાજીનામા આપી દીધા છે.ગુજરાતના વન વિભાગમાં એક મોટો ભડકો થયો છે, જેની સીધી અસર એશિયાટિક સિંહોના આરોગ્ય અને સંરક્ષણ પર પડી શકે છે. ગીર અને અન્ય વન્યજીવ વિસ્તારોમાં સિંહો સહિતના વન્યપ્રાણીઓની દિવસ-રાત સારવાર કરતા તમામ ૧૨ કરાર આધારિત વેટરનરી ડૉક્ટર્સે એક મહિનાની નોટિસ સાથે સામુહિક રાજીનામા ધરી દેતાં વન વિભાગના ઉચ્ચ અધિકારીઓમાં દોડધામ મચી ગઈ છે. આ તમામ તબીબો ગુજરાત સ્ટેટ લાયન કન્ઝર્વેશન સોસાયટીના તાબા હેઠળ સક્કરબાગ ઝૂ સહિત રાજ્યના વિવિધ રેસ્ક્યૂ સેન્ટરોમાં ફરજ બજાવી રહ્યા હતા.
મળતી વિગતો મુજબ, વન વિભાગ દ્વારા તાજેતરમાં વર્ગ-૨ ની કાયમી ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. આ ભરતીમાં વર્ષોથી ગીરમાં વન્યજીવોની સારવારનો બહોળો અનુભવ ધરાવતા આ કરાર આધારિત ડૉક્ટર્સને કોઈ પ્રાધાન્ય કે વેટેજ આપવામાં આવ્યું નથી. આ અન્યાયી વલણ સામે ઉગ્ર નારાજગી વ્યક્ત કરીને ડૉક્ટર્સે અગ્ર મુખ્ય વન સંરક્ષકને પત્ર લખીને પોતાના પદો પરથી રાજીનામા આપી દીધા છે.
બીજી તરફ, વન વિભાગે આ મામલે કડક વલણ અપનાવતા જણાવ્યું છે કે ભરતી સમયે જ સરકારી નિયમોનો સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો અને વર્તમાન સરકારી નિયમોમાં કોઈ ફેરફાર કરવો શક્ય નથી. સિંહોના નિષ્ણાત ડૉક્ટર્સ એકસાથે હટી જવાથી આગામી દિવસોમાં ગીર વન્યપ્રાણી વ્યવસ્થાપનમાં મોટી કટોકટી સર્જાવાની ભીતિ છે.





