
(છગનલાલ મેવાડા ધ્વારા) સુરત.
સુરત શહેરના ઉમરવાડા સીટી સર્વે નં. ૨૧૭૭ ટીપી સ્કીમ નં.૮ (ઉમરવાડા) ફાયનલ પ્લોટ નં. ૮૩ જેનું ક્ષેત્રફળ ૧૧૨૦૯ ચો.મી જગ્યાના મૂળ માલિક કબજેદારો ઝારાવાડ મુલતાની પંચ કબ્રસ્તાન ટ્રસ્ટના ટ્રસ્ટીઓએ તા.૩/૧૨/૨૦૧૪ ના રોજ સુરત શહેરના છગનલાલ મેવાડાને વેચાણ કરી જગ્યાનો કબજો સુપ્રત કરેલ છે. અને આ જગ્યામાં છગનલાલ મેવાડા પાર્કિંગના નામે મેવાડા પાર્કિંગનો વ્યવસાય કરે છે. અને તેઓનો આ વ્યવસાય હાલ ચાલુ છે. ઉપરોક્ત જગ્યા અંગે કુબેરજી ગ્રુપના નરેશ અગ્રવાલ, હેમંત નરેશ અગ્રવાલ, નટવરલાલ હરલાલકા વિગેરે એ ખોટા ડોકયુમેન્ટ તૈયાર કરી આ જગ્યા પચાવી પાડવા માટે કાવતરું કરેલ છે.પ્રથમ તો આ જગ્યામાં તેઓનું આજદિન સુધી ક્યારે કબજો મળેલ નથી કે તેઓને આ જગ્યાના મૂળ માલિકોએ વેચાણ કરેલ નથી. આ જગ્યા ઝારાવાડ
મુલતાની પંચની જગ્યાના ટ્રસ્ટીઓએ તેઓને કોઈ વેચાણ દસ્તાવેજ કે કબજો સોંપેલ નથી. પરંતુ ભ્રષ્ટ અધિકારીઓ સાથેના મેળાપીપણામાં ભ્રષ્ટાચારો આચરી તેઓ નાણાંના જોરે આ ઉમરવાડાની આ જગ્યા પચાવી પાડવા ખૂબ જ ઉધામા મારેલ છે. તેઓનો જગ્યા ઉપર કબજો ના હોવા છતાં આ જગ્યાનો કબજો મેળવવા માટે પોલીસ પ્રોટેકશન માંગવા સુરતના મહેરબાન જ્યુડિશ્યલ મેજીસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસ સાહેબશ્રીની કોર્ટમાં દરખાસ્ત નં.૨૦/૨૦૧૫ દાખલ કરી નામદાર કોર્ટ પાસે આ જગ્યાના કબજો મેળવવા માટે પોલીસ પ્રોટેકશનની માંગણી કરેલી. નામદાર કોર્ટે અરજી ના મંજૂર કરતાં જણાવેલ કે જ્યારે સ્થળ પર તમારો કબજો ના હોય ત્યારે તેવી જગ્યાના કબજા મેળવવા માટે પોલીસ પ્રોટેકશન આપી શકાય નહીં. અગાઉ આ જગ્યામાં કોર્ટ અને વકફ બોર્ડમાં કેસ ચાલુ હોવા છતાં સુરતના જે તે સમયના કલેક્ટર જયપ્રકાશ શિવહરેએ તેમના ભ્રષ્ટ અધિકારીઓ એ બે વર્ષ જુના અભિપ્રાયને ધ્યાનમાં લઈ ખોટી રીતે જગ્યાને બીનખેતીની પરવાનગી આપવામાં આવેલ.આ બિનખેતી પરવાનગી માટે જે એફિડેવિટો રજૂ થયા તે પણ ખોટા હતા અને કલેક્ટર જયપ્રકાશ શિવહરેએ બીનખેતી જાહેર કરવા નક્કી જ કરેલ હોય તેમ કોઈપણ પ્રકારની ખાતરી કર્યા વગર પેપર્સની ચકાસણી કર્યા વગર બીનખેતીની પરવાનગી આપી દીધી. આ અંગે તેઓની વિરુધ્ધ રાજય સરકારમાં ફરિયાદો કરવામાં આવી છે.
આ જગ્યા અંગે નરેશ અગ્રવાલ નહીં ફાવતા તેઓના પુત્ર હેમંત નરેશ અગ્રવાલે આ જગ્યા સાથે તેઓને કોઈ લેવા દેવા ના હોવા છતાં તત્કાલિન સુરત કલેક્ટર સૌરભ પારઘી તેમજ લેન્ડ ગ્રેબીંગ ની કમિટી સમક્ષ લેન્ડ ગ્રેબીંગનો ગુનો દાખલ કરવા અરજી કરેલી અને કલેક્ટર સૌરભ પારઘી તેમજ તેઓની કમિટી સમક્ષ રજૂ થયેલ પેપરોની ચકાસણી કર્યા વગર લેન્ડ ગ્રેબીંગનો ગુનો દાખલ કરવા હુકમ કરેલો જે હુકમ ને સુપ્રીમ કોર્ટમાં પડકારતા સુપ્રીમ કોર્ટે “સ્ટે” કરેલ છે.
કાયદાની જોગવાઈ મુજબ ૧૨ વર્ષ કે વધુ સમયથી જગ્યાનો કબજો હોય તે જમીન અંગે કાયદેસરની કાર્યવાહી કર્યા વગર જગ્યા ખાલી કરાવી શકાય નહીં. આ કાયદાની સ્પષ્ટ જોગવાઈ હોવા છતાં અને જગ્યાના વેચાણ અંગેના દસ્તાવેજ થયા હોય ત્યારે તેવા કેસોમાં લેન્ડ ગ્રેબીંગ નો ગુનો દાખલ કરી શકાય નહીં. છતાં કલેક્ટરશ્રી અને તેમની કમિટીએ ગુનો દાખલ કરી પક્ષપાતી છે તેમ સાબિત કરેલ છે.
હવે પ્રશ્ન એ ઉપસ્થિત થાય છે કે દસ મહિના બાદ સુરત શહેરના મદદનીશ પોલીસ કમિશ્નર પી.કે પટેલ,બી ડિવિઝને એક મોહંમદ આસીફભાઈ સલિમભાઈ રહે. સંજયનગર સહારા દરવાજા સુરતને લેન્ડ ગ્રેબીંગના ગુનાની FIR નં.જણાવી તેઓને નિવેદન લખાવવા માટે બોલાવે છે. આ મોહંમદ આસીફભાઈ સલિમભાઈને ઉમરવાડાની ઝારાવાડ મુલતાની પંચ કબ્રસ્તાન ટ્રસ્ટ સાથે કોઈ લેવા દેવા નથી. આ જગ્યા સાથે કોઈ લેવા દેવા નથી કે હાલમાં આ જગ્યામાં ચાલતા મેવાડા પાર્કિંગ સાથે કોઈ લેવા દેવા નથી ત્યારે તેઓને બોલાવી તેઓના નિવેદનો લેવા પાછળનો પી.કે પટેલનો આશય શું છે? ૧૦ મહિના બાદ પી.કે પટેલ કોના ઇશારે આ લેન્ડ ગ્રેબીંગના ગુનાનો નંબર નોંધી જે વ્યક્તિને જગ્યા કે ટ્રસ્ટીઓ સાથે કોઈ લેવા દેવા નથી તેવા વ્યક્તિના નિવેદનો લેવા માટે બોલાવી શું સાબિત
કરવા માંગે છે? શું પી.કે પટેલ આ જગ્યામાં કામ કરતાં કે જગ્યાથી પસાર થતાં લોકોને રોકી તેઓના નિવેદનો નોંધશે? પી.કે પટેલ કોઈપણ પ્રકારના ઉચિત કારણો વગર લેન્ડ ગ્રેબીંગના ગુનાની વિગત દર્શાવી કોઈને પણ બોલાવી તેઓના નિવેદનો નોંધે તે ઉચિત નથી. જેથી તેઓની વિરુધ્ધ રાજયના મુખ્યમંત્રીશ્રી, રાજયના ગૃહમંત્રી, રાજયના ડીજીપી, મહેસૂલ મંત્રી, સચિવ મહેસૂલ વિભાગ, તકેદારી આયોગ વિગેરેને લેખિત ફરિયાદ કરવામાં આવી છે.





