
સુરતમાં બોર્ડના વિદ્યાર્થીનો આપઘાત ફિઝિક્સમાં ઓછા માર્ક્સ આવતા ISROમાં જવાના ખ્વાબ ચકનાચૂર થયા વિદ્યાર્થીએ પ્રથમ સત્રની પરીક્ષામાં ઓછા માર્કસ આવતા આપઘાત કરી મોત વ્હાલુ કર્યું : પરિવાર પર આભ તૂટ્યું
સુરત શહેરના સચિન તેલનપુર વિસ્તારમાં ધોરણ ૧૨ સાયન્સમાં અભ્યાસ કરતા એક વિદ્યાર્થીએ ફિઝિક્સ વિષયના પેપરમાં ઓછા માર્ક્સ આવતા આત્મહત્યા કરી લેતા સમગ્ર પંથકમાં શોક છવાઈ ગયો છે. ISROમાં વૈજ્ઞાનિક બનવાનું સપનું જાેતા આ ૧૬ વર્ષીય વિદ્યાર્થીએ માર્ક્સથી નિરાશ થઈ ઘરમાં જ ગળે ફાંસો ખાઈને જીવન ટૂંકાવી લીધું હતું.
સુરત શહેરમાં સચિન તેલનપુરમાં રહેતા તનમય રાઠોડ નામના ૧૬ વર્ષીય વિદ્યાર્થીએ હાલમાં લેવાયેલી પ્રથમ સત્રની પરીક્ષામાં ફિઝિક્સના પેપરમાં ઓછા માર્ક્સ મેળવ્યા હતા. ઈસરોમાં જવાનું સ્વપ્ન જાેતા હોશિયાર તનમયને આ વાતનું માઠું લાગી આવતા તેણે ઘરમાં ગળે ફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો. તનમયના પિતા હિમાંશુભાઈ જાણીતી કંપનીમાં એન્જિનિયર છે.
આ ઘટનાએ પરિવારને ઊંડા શોકમાં ગરકાવ કરી દીધો છે. કારણ કે મૃતક વિદ્યાર્થીના કાકા જીતુભાઈ રાઠોડ પોતે શાળા-કોલેજાેમાં વિદ્યાર્થીઓને આપઘાત ન કરવા અંગેની તાલીમ આપવાનું કાર્ય કરે છે. આશ્ચર્યજનક વાત તો એ છે કે, જીતુભાઈ પોતે ધોરણ ૧૦માં ત્રણ વખત નાપાસ થયા બાદ પણ હાર માન્યા વિના મહેનત કરી આજે કોલેજમાં પ્રોફેસર તરીકે ફરજ બજાવે છે. પરંતુ તેમના જ ભત્રીજાએ આત્મઘાતી પગલું ભરી લેતા આખો પરિવાર શોકમાં ડૂબી ગયો છે.
આ ઘટનાની જાણ થતાં સચિન પોલીસ સ્ટેશનનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. પોલીસે હાલમાં આપઘાતનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. આ કરુણ ઘટનાએ ફરી એકવાર વિદ્યાર્થીઓ પરના શૈક્ષણિક દબાણ અને તેના ગંભીર પરિણામો તરફ સૌનું ધ્યાન દોર્યું છે.




