
(છગનલાલ મેવાડા ધ્વારા) સુરત.
ગુજરાતના પનોતા પુત્ર મહાત્મા ગાંધીના દારૂબંધીવાળા ગુજરાતમાં ગુજરાતનું કોઈ શહેર કે ગામનો છેડો બાકી નહીં હોય કે જયાં દેશી વિદેશી દારૂ નહીં મળતો હોય. છતાં આપણે સબ સલામતની આલબેલ પોકારી ગુજરાત મોડલના ગાણાં ગાઈને હાસ્યાસ્પદ બની રહ્યા છીએ. એનાથી આ પ્રજાને કોઈ ફરક નથી પડતો. કારણકે પ્રજાની વિચારવાની માનસિક શક્તિ જ જ્યાં નષ્ટ થઈ ગઈ હોય ત્યાં શાસકો વિકાસનું વાજીંત્ર વગાડીને વાહવાહી લૂંટે એમાં કોઈ નવાઈ નથી.
એવા ગુજરાતના આજના તાજા સમાચાર છે કે નડિયાદ-પેટલાદ રોડ પર વલેટવા પાસે કેનાલ નજીક ગાંધીનગરની સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે ભાજપના ખેડા જિલ્લા પંચાયતના સભ્ય સહિત બે બુટલેગરો સાથે ત્રણની ટોળકી પાસેથી રૂપિયા ૫,૦૭,૬૪૪/- ના વિદેશી દારૂની કુલ ૧૦૩૩ નંગ બોટલો જપ્ત કરવા સાથે ફરાર થયેલા ખેડા જિલ્લા પંચાયતના સભ્ય પ્રફુલ ઉર્ફે સ્વામી ઉમેદ પરમારની સાથેના અન્ય બે બુટલેગરોને પકડી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.
આ વાત થઈ ગાંધીના ગુજરાતમાં ઠેર ઠેર વેચાતા દારૂની, પરંતુ આટલો બધો દારૂ આવે છે, દારૂ વેચાય છે, દારૂ પીવાય છે, છતાં આજ સુધી કોઈ ઉચ્ચ અધિકારી IPS કે ACP, DCP, SP,PI ને ક્યાંય આંચ આવી ખરી? ના કેમકે એવા ઉચ્ચ અધિકારીઓના ગાંધીનગર થી લઈ દિલ્હીમાં બેઠેલા ગોડ ફાધરો સાથે ”વહીવટ” ની વાતચિત કરી ગુજરાતમાં અને ખાસ કરી સુરતમાં પોસ્ટિંગ મેળવાય છે. અને પછી એમ કહેવાય છે કે આવા ઉચ્ચ અધિકારીઓ જેઓ થેલા ભરીને ગોડ ફાધરોને રૂપિયા આપીને આવ્યા હોય એવા અધિકારીઓ નિવૃત્ત થતાં કે અન્યત્ર બદલી થતાં કોથળા ભરી ભરીને રૂપિયા લઈ જતાં હોય છે. અને એજ કારણે ગુજરાતમાં બુટલેગરો બન્યા છે બેફામ. અત્રે ઉલ્લેખનીય છે કે સુરતમાં માત્ર થોડા દિવસ પહેલા ઉધના પોલીસ સ્ટેશનની હદમાં રોડ નં.-૬ ઉપર ભાજપના જ ૨૧ વર્ષના કાર્યકર્તા જય દલાલની હત્યા થઈ હતી. અને આ હત્યા બાદ મહિલાઓએ દારૂના અડ્ડા ઉપર હલ્લાબોલ કરી રેડ કરતાં જ ચોંકી ગયેલા ઉધના પોલીસ સ્ટેશનના પી.આઈ સહિતના ઉચ્ચ અધિકારીઓએ બે હેડ કોન્સ્ટેબલો અનુક્રમે જિજ્ઞેશ અંબાલાલ અને આનંદકુમાર રત્નાભાઈની તાત્કાલિક અસરથી પોલીસ હેડક્વાટર ખાતે બદલી કરી મામલો થાળે પાડવામાં આવ્યો હતો.
ત્યારે અહી સવાલ એ થાય છે કે ખુલ્લેઆમ રાજકીય કાર્યકર્તાની હત્યા થાય એ હેડ કોન્સ્ટેબલોની માત્ર બદલી કરી સંતોષ મનાય એ શું યોગ્ય છે? શું અન્ય કોઈ અધિકારીની જવાબદારી નથી? કેમ PSI, PI કે ઉચ્ચ અધિકારીઓની બદલી નહીં ને નાના કર્મચારીઓને જ કેમ બલીનો બકરો બનાવાયા? શું એમની ( હેડ કોન્સ્ટેબલોની ) દારૂવાળા સાથે ભાગીદારી હતી? શું એમની રહેમનજરથી અડ્ડો ચાલતો હતો? આવા તો અનેક સવાલો પેદા થઈ રહ્યા છે ત્યારે સૌથી મોટો સવાલ એ છે કે સુરત સહિત રાજયના નાના-મોટા ગામડાઓ સુધી દારૂનો દૈત્ય નગ્નનાચ કરીને કેટલાય પરિવારોને ભરખી જતો હોય છતાં સરકાર સબ સલામતની આલબેલ જ વગાડયા કરતી હોય. એવા સમયે સમગ્ર જવાબદારી જો બનતી હોય તો ગૃહમંત્રી, DGP, દરેક શહેરના પોલીસ કમિશનરો અને
ગ્રામ્ય વિસ્તારોના DYSPઓની જવાબદારી બને છે. એમને સસ્પેન્ડ કરવા જોઈએ, બદલી કરવી જોઈએ કે દાખલારૂપ સજા કરવી જોઈએ તો જ અન્ય અધિકારીઓ દારૂવાળાઓ ઉપર લાલ આંખ કરશે. પરંતુ એ બધુ કરવાની જગ્યાએ સામાન્ય હેડ કોન્સ્ટેબલોની કે સામાન્ય PSI ની બદલી કરવાથી દારૂ વેચવાનો બંધ નથી થવાનો અને IPS અધિકારીઓ માલેતૂજાર થવામાં પાછું વાળીને જોવાના નથી.





