
હવામાન વિભાગની આગાહી.ઉત્તરાયણ પર્વ પર પતંગબાજાે માટે ખુશખબર: પવનની ગતિ રહેશે સાનુકૂળ.૪-૧૫ જાન્યુઆરીના રોજ પવનની ઝડપ ૫ થી ૧૫ કિલોમીટર પ્રતિ કલાક રહેવાની શક્યતા રહેલી છે.ગુજરાતના લોકપ્રિય પર્વ ઉત્તરાયણને હવે ગણતરીના દિવસો બાકી છે, ત્યારે પતંગ રસિકો માટે સારા સમાચાર સામે આવ્યા છે. હવામાન વિભાગની આગાહી અનુસાર, ૧૪ અને ૧૫ જાન્યુઆરીના રોજ રાજ્યમાં પવનની ગતિ પતંગ ચગાવવા માટે ખૂબ જ સાનુકૂળ રહેશે.
હવામાન વિભાગ મુજબ, ૧૪-૧૫ જાન્યુઆરીના રોજ પવનની ઝડપ ૫ થી ૧૫ કિલોમીટર પ્રતિ કલાક રહેવાની શક્યતા છે. જેમાં ૧૪મી જાન્યુઆરીએ પવન મુખ્યત્ત્વે ઉત્તર-પશ્ચિમ દિશાનો રહેશે. જ્યારે ૧૫મીએ પણ ઉત્તર-પશ્ચિમ તરફથી પવન ફૂંકાશે. સૌરાષ્ટ્ર ઝોનમાં પવનની દિશા ઉત્તર-પૂર્વની રહેશે, જે પતંગબાજાે માટે ‘કાઈપો છે‘ ના નાદ સાથે તહેવાર માણવા માટે ઉત્તમ સાબિત થશે.
વાતાવરણની સ્થિતિ અંગે વાત કરીએ તો, આગામી ૭ દિવસ સુધી રાજ્યમાં હવામાન સૂકું રહેવાની શક્યતા છે. તાપમાનમાં પણ સતત વધ-ઘટ જાેવા મળશે. આગામી ૩ દિવસ દરમિયાન લઘુતમ તાપમાનમાં થોડો વધારો થશે, પરંતુ ત્યારબાદના ૪ દિવસમાં પારો ૨ થી ૩ ડિગ્રી જેટલો ગગડી શકે છે. ખાસ કરીને વહેલી સવારે અને રાત્રે ઠંડીનું જાેર વધવાની શક્યતા છે.
સમગ્ર રાજ્યમાં સરેરાશ લઘુતમ તાપમાન ૧૬ ડિગ્રીની આસપાસ રહેવાની ધારણા છે, જેનાથી પતંગબાજાેએ ધાબા પર ઠંડીનો સામનો કરવા માટે પણ તૈયાર રહેવું પડશે.
સ્થાનિક તાપમાનના આંકડા જાેઈએ તો, કચ્છના નલિયામાં લઘુતમ તાપમાન ૬ ડિગ્રી અને અમરેલીમાં ૯ ડિગ્રી નોંધાયું છે, જે રાજ્યના સૌથી ઠંડા વિસ્તારો રહ્યા છે. અમદાવાદમાં આજે લઘુતમ તાપમાન ૧૬ ડિગ્રી નોંધાયું છે. જેમાં આગામી ૨૪ કલાકમાં ૧ ડિગ્રીનો ઘટાડો થઈને પારો ૧૫ ડિગ્રી સુધી પહોંચવાની શક્યતા છે. આમ, ઉત્તરાયણના પર્વ પર આકાશમાં પતંગોની પેચબાજી માટે પવનનો સાથ મળશે, પરંતુ સાથે સાથે કડકડતી ઠંડીનો ચમકારો પણ અકબંધ રહેશે.




