આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રવક્તા વિક્રમ દવે આજે સુરેન્દ્રનગર જિલ્લાની વઢવાણ તાલુકાની શાળા નંબર એક અને ત્રણની મુલાકાત લીધી હતી. આ દરમિયાન તેમણે શાળાઓની ગંભીર પરિસ્થિતિ મુદ્દે વાત કરતા જણાવ્યું હતું કે, આ શાળા વઢવાણની શાળા નંબર એક છે અને આ શાળા અઢી વર્ષથી બંધ છે. આ શાળાની સ્થાપના 1856માં થઈ હતી. સુરેન્દ્રનગરની આ પહેલી સરકારી નિશાળ છે. વઢવાણગઢમાં આ માત્ર એક શાળા છે અને એ પણ છેલ્લા અઢી વર્ષથી બંધ છે અને આ શાળા ચાલુ કરવી અનિવાર્ય છે કારણ કે વઢવાણગઢના સેન્ટરમાં આવેલી આ શાળા છે. આસપાસના વિસ્તારના તમામ બાળકો આ શાળામાં આવી શકે છે. એક સમયે અહીંયા 300 થી 400 બાળકો એકસાથે ભણતા હતા. પરંતુ હવે આ શાળાની હાલત અત્યંત ખરાબ થઈ ગઈ છે, અને જે જગ્યાએ હવે આ 300 થી 400 બાળકો ટ્રાન્સફર કરવામાં આવ્યા છે ત્યાં પણ અમે જવાના છીએ. અહીંયાના પ્રિન્સિપાલ ડાભી સાહેબે શાળા ખોલીને બતાવી છે આ એક સારી બાબત છે.
વધુમાં આમ આદમી પાર્ટીના નેતા વિક્રમ દવેએ જણાવ્યું હતું કે, ભારતમાં શિક્ષણ વિરુદ્ધ એક ષડયંત્ર ચાલી રહ્યું છે જે અંતર્ગત સરકારી શાળાઓ ખતમ થઈ જાય, શાળાઓનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ખતમ થઈ જાય, બાળકોએ ભણવા માટે ખૂબ દૂર સુધી જવું પડે, એવું ષડયંત્ર ચાલે છે. પ્લસ આ લોકો પ્રાઇવેટ શાળાઓને 25% જેટલી શિષ્યવૃતિ આપે છે, એટલે આ બાળકો પ્રાઇવેટમાં જાય અને એના કારણે પ્રાઇવેટ શાળાઓ ફલે ફૂલે. સરકાર પ્રાઇવેટ સ્કૂલોમાં શિષ્યવૃતિના નામે કરોડો રૂપિયા ખર્ચે છે પરંતુ આવી સરકારી શાળાઓને રીનોવેટ કરવા માટે સરકાર પાસે પૈસા નથી. શાળા એક મોન્યુમેન્ટ છે અને 1856 માં બનેલી છે છતાં પણ સરકાર આને રીનોવેટ કરવામાં કોઈ રસ દેખાડતી નથી.





