ન્યૂ યોર્ક યુનિવર્સિટીએ એઆઈ ટૂલ ડેવલપ કર્યું એઆઈ બ્રેસ્ટ કેન્સરના જાેખમની આગાહી પાંચ વર્ષ પહેલા જ કરશે આ મોડલ સમય સાથે બ્રેસ્ટ ટિશ્યુમાં થતા સૂક્ષ્મ ફેરફારોને ટ્રેક કરે છે : ખર્ચાળ ટેસ્ટમાંથી મુક્તિ મળશે મહિલાઓમાં બ્રેસ્ટ કેન્સરના પ્રારંભિક નિદાન અને સારવાર ક્ષેત્રે એક આશાસ્પદ સફળતા મળી છે. ન્યૂ યોર્ક યુનિવસટી અને તેના પર્લમટર કેન્સર સેન્ટરના સંશોધકોએ એક નવું આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આધારિત ટૂલ વિકસાવ્યું છે. આ ટૂલ મહિલાઓના જૂના અને તાજેતરના ૩ડી મેમોગ્રામ સ્કેનનું વિશ્લેષણ કરીને આગામી ૫ વર્ષમાં બ્રેસ્ટ કેન્સર થવાના જાેખમની સચોટ આગાહી કરી શકે છે.પ્રસિદ્ધ તબીબી જર્નલ અમેરિકન જર્નલ ઓફ રોએન્ટજેનોલોજીમાં પ્રકાશિત આ સ્ટડી દર્શાવે છે કે, દર્દીના ક્રમિક લોન્ગીટુડીનલ ૩ડી મેમોગ્રામ સ્કેનનું મૂલ્યાંકન કરતી આ નવી સિસ્ટમ સિંગલ મેમોગ્રામ કે પરંપરાગત કેલ્ક્યુલેટર પદ્ધતિઓ કરતાં વધુ સચોટ પરિણામ આપે છે. એનવાયયુ-ડીઆરપી નામનું આ ડીપ-લર્નિગ એઆઈ મોડલ ૨૦૧૬ થી ૨૦૨૦ વચ્ચે ૧,૬૧,૧૬૫ મહિલાઓના ૩,૧૩,૫૩૧ વાર્ષિક ૩ડી મેમોગ્રામના ડેટાબેઝના આધારે તૈયાર કરવામાં આવ્યું છે.પરંપરાગત ટૂલ્સ માત્ર દર્દીની ઉંમર, જનીનિક હિસ્ટ્રી કે ફેમિલી હિસ્ટ્રી પર આધાર રાખે છે. જ્યારે, આ એઆઈ મોડલ સમય સાથે બ્રેસ્ટ ટિશ્યુમાં થતા સૂક્ષ્મ ફેરફારોને ટ્રેક કરે છે. આ રિસર્ચમાં ટિશ્યુ ડેન્સિટીને લઈને પણ મહત્ત્વની માહિતી સામે આવી છે. અત્યાર સુધી એવું માનવામાં આવતું કે,વધુ ડેન્સિટી ધરાવતી મહિલાઓમાં કેન્સરનું જાેખમ હંમેશા ઊંચું હોય છે. પરંતુ, એઆઈએ આ નિયમને ખોટો ગણાવ્યો હતો. આ ટેકનોલોજીની મદદથી ડોકટરો વાસ્તવિક જાેખમના આધારે આગળના ટેસ્ટ સૂચવી શકશે. જેથી બિનજરૂરી અને ખર્ચાળ ટેસ્ટમાંથી મુક્તિ મળશે.




