(નીડર , નિષ્પક્ષ અને તરસ્થ છગનલાલ મેવાડા દ્વારા) સુરત
ભારતના જે રાજ્યોમાં દારૂબંધી છે ત્યાં ગેરકાનૂની રીતે દારૂની હેરાફેરી કરવાનો મોટો બિઝનેસ ચાલે છે. છુપાઈને દારૂની દાણચોરી કરવા માટે લોકો જાતજાતના ગતકડાં શોધી કાઢે છે. તાજેતરમાં બિહારના ગોપાલગંજમાં દારૂની ખેપ પકડાઈ એમાં હેરાફેરીનો જુગાડ જબરી નવાઈ પમાડે એવો છે. બિહાર પોલીસે ગોપાલગંજમાં એક શંકાસ્પદ બાઈકરને પકડયો હતો.
બાઈક પર એક માણસ ગેસનો બાટલો બાંધીને જઈ રહ્યો હતો. ખુલ્લી બાઈકમાં સિલિન્ડર સાથે જતા માણસ પર દારૂની હેરાફેરીની શંકા તો ક્યાંથી થાય? પણ પોલીસને બાતમી મળી હોવાથી એ બાઈકરને ઊભો રાખીને ઉલટ તપાસ કરવામાં આવી તો ખબર પડી કે બાઈકની પાછળ બાંધેલા ગેસના સિલિન્ડરમાં ગેસ નહીં, દારૂ હતો. સિલિન્ડરના મેટલને કાપીને એક બાકોરું બનાવવામાં આવ્યું હતું. અને અંદર દારૂના પેકેટસ ઠાંસીને ભરી દેવામાં આવ્યા હતા. એ પછી બાકોરું એ જ મેટલથી ઢાંકી દેવામાં આવ્યું હતું. એક સિલિન્ડરમાંથી લગભગ ૨૫ લિટર દારૂ મળ્યો હતો. જેની કિંમત આશરે 30 થી ૪૦ હજાર રૂપિયા જેટલી છે. જ્યારે આ બાઈકરને પુછવામાં આવ્યું તો ખબર પડીકે આ પ્રકારે દારૂની હેરાફેરી ઘણા સમયથી થઈ રહી હતી અને અત્યાર સુધી પોલીસના નાક નીચેથી એ પસાર પણ થઈ જતો હતો.




