૩૦૦ શ્રદ્ધાળુઓએ ધાર્મિક કાર્યક્રમ માટે મંજૂરી માંગી ધાર્મિક કાર્યોના નામે અડચણો ઉભી ના કરી શકાય : હાઇકોર્ટ કોર્ટે જણાવ્યું કે ધર્મ પાળવાની છૂટ સંપૂર્ણ નથી, જાહેર સુરક્ષા અને સામાજિક નિયમોનું પાલન કરવું અનિવાર્ય પટણા હાઇકોર્ટે ધર્મ પાળવા, ધાર્મિક પ્રવૃત્તિઓને અનુસરવાને લઇને મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. હાઇકોર્ટે કહ્યું છે કે તમામ પ્રકારની ધાર્મિક પ્રવૃત્તિઓને સંપૂર્ણ રીતે છૂટ નથી, જે છૂટ આપવામાં આવી છે તેમાં જાહેર જનતાને નુકસાન ના થાય, જાહેર આદેશો, સામાજિક નિયમો વગેરેનું પણ ધ્યાન રાખવું જ પડે. બિહારના સિવાનમાં એક ધાર્મિક કાર્યક્રમ માટે ૩૦૦ જેટલા શ્રદ્ધાળુઓએ છૂટ માગી હતી, જાેકે કાયદો વ્યવસ્થાને ધ્યાનમાં રાખીને સ્થાનિક પ્રશાસને તમામને છૂટ નહોતી આપી અને સંખ્યા મર્યાદિત રાખવા કહ્યું હતું. જે બાદ આ શ્રદ્ધાળુઓ દ્વારા પટના હાઇકોર્ટમાં અપીલ કરવામાં આવી હતી. જેમાં દાવો કરાયો હતો કે ૨૦૧૨માં શ્રદ્ધાળુઓની સંખ્યા ૨૦૦, ૨૦૧૩માં ૧૫૦ અને ૨૦૧૪માં ૧૦૦ કરી દેવાઇ હતી. જ્યારે વર્ષ ૨૦૨૩માં માત્ર પાંચ જ લોકોને મંજૂરી અપાઇ હતી. આ પ્રતિબંધો બંધારણના આર્ટિકલ ૨૫માં મળેલા મૂળભૂત અધિકારોનો ભંગ છે.
જાેકે બિહાર સરકાર દ્વારા એવી દલીલ કરવામાં આવી હતી કે કાયદો વ્યવસ્થા જળવાઇ રહે તે માટે સંખ્યા ઘટાડવાનો ર્નિણય લેવામાં આવ્યો હતો. સંખ્યા ઓછી મંજૂર કરાઇ હોવા છતા ૨૦૧૫થી ૨૦૨૨ દરમિયાન ૧૭૦૦થી ૨૦૦૦ લોકોએ ધાર્મિક કાર્યમાં ભાગ લીધો હતો. ૨૦૨૪માં ટોળાએ પોલીસ પર પથ્થરમારો કર્યો અને ટીડીઓના વાહનને આગ લગાવી દીધી હતી. બાદમાં પટના હાઇકોર્ટે પોતાના ચુકાદામાં નોંધ્યું હતું કે ધાર્મિક કાર્યોને બંધારણીય સંરક્ષણ મળેલું છે પરંતુ આ અધિકારો સંપૂર્ણ રીતે નથી મળ્યા, કાયદો વ્યવસ્થા જાળવીને જ ધાર્મિક કાર્યોનું પાલન કરી શકાય. રહેણાકી વિસ્તારોમાં તો ખાસ ધ્યાન રાખવાની જરૂર છે.





