ટ્રેનો-મેટ્રો ઠપ, દારૂની દુકાનો બંધ, સ્ટેડિયમમાં બનાવાઈ અસ્થાયી જેલ કોકરોચ જનતા પાર્ટીના આંદોલન પહેલા છાવણીમાં ફેરવાયું દિલ્હી દિલ્હી પોલીસે CAPF ની ૨૨૧ કંપનીઓ અને ૨૩,૦૦૦ જવાનો તૈનાત કર્યા છે : ૧૦ કલાક માટે ટ્રેનો રદ કરાઈ છે, મેટ્રો સ્ટેશનો બંધ રહેશે મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર વિરુદ્ધ શનિવાર, ૧૦ ઓક્ટોબરના રોજ જંતર-મંતર ખાતે આયોજિત કોકરોચ જનતા પાર્ટી અને AISA ના વિશાળ વિરોધ પ્રદર્શનને ધ્યાનમાં રાખીને દિલ્હી વહીવટી તંત્ર અને પોલીસે સમગ્ર રાષ્ટ્રીય રાજધાનીને અભેદ્ય કિલ્લામાં ફેરવી દીધી છે. દિલ્હી પોલીસે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતાની કલમ ૧૬૩ હેઠળ જાહેર મનાઈહુકમનો હવાલો આપીને આ પ્રદર્શન માટે સત્તાવાર પરવાનગી આપવાનો સ્પષ્ટ ઇનકાર કરી દીધો છે.
ભીડની હિલચાલ અટકાવવા માટે દિલ્હી-એનસીઆરમાં રેલવે, મેટ્રો, કેબ, હોટલ બુકિંગથી માંડીને દારૂના વેચાણ પર અભૂતપૂર્વ નિયંત્રણો લાદી દેવામાં આવ્યા છે.
શનિવાર, ૧૦ ઓક્ટોબરના રોજ સવારે ૦૪:૦૦ વાગ્યાથી બપોરે ૨:૦૦ વાગ્યા સુધી નવી દિલ્હી (NDLS) અને હઝરત નિઝામુદ્દીન સ્ટેશને આવતી-જતી તમામ ટ્રેનો રદ રહેશે. ૯ ઓક્ટોબરના રોજ બપોરે ૧૪:૦૦ વાગ્યા પછી ઉપડતી સંબંધિત ટ્રેનોને સોર્સ પરથી જ રદ કરી દેવાઈ છે. પશ્ચિમ બંગાળથી ઉપડતી ૧૨૩૦૧ હાવડા-નવી દિલ્હી રાજધાની એક્સપ્રેસ અને ૧૨૩૧૩ શિયાલદહ-નવી દિલ્હી રાજધાની એક્સપ્રેસ પણ રદ કરી દેવામાં આવી છે.
૧૦ ઓક્ટોબરના રોજ સંભવિત આંદોલનને ધ્યાનમાં રાખીને, દિલ્હી પોલીસે ડ્ઢસ્ઇઝ્ર ને પત્ર લખીને રાષ્ટ્રીય રાજધાનીના ૫૭ મેટ્રો સ્ટેશનોના એન્ટ્રી-એક્ઝિટ ગેટ ૯ ઓક્ટોબર રાત્રે ૯:૦૦ વાગ્યાથી ૧૦ ઓક્ટોબર સ્થિતિ સામાન્ય થાય ત્યાં સુધી બંધ રાખવા તેમજ આ સ્ટેશનો પર ટ્રેનોની ફ્રીક્વન્સી ઘટાડવા પ્રસ્તાવ મૂક્યો છે.
ગૃહ મંત્રાલયે ૮ થી ૧૨ ઓક્ટોબર સુધી દિલ્હી પોલીસને સહાય માટે CAPF ની ૨૨૧ કંપનીઓ ફાળવી છે, જેમાં અંદાજે ૨૩,૦૦૦ જવાનો સામેલ છે. સુરક્ષા બંદોબસ્તમાં ૫ ઓલ-વુમન પેરામિલીટરી કંપનીઓ પણ સામેલ રહેશે. આ સઘન બંદોબસ્ત માટે સીઆરપીએફની કંપનીઓને જમ્મુ અને કાશ્મીર, પશ્ચિમ બંગાળ અને છત્તીસગઢથી ખાસ દિલ્હી બોલાવવામાં આવી છે.
પ્રદર્શન દરમિયાન અટકાયત કરવામાં આવનારા લોકોને રાખવા માટે વિવિધ જિલ્લાઓમાં અંદાજે ૧૦ ડિટેન્શન સેન્ટરો તૈયાર કરવામાં આવી રહ્યા છે. બવાના ખાતે આવેલા રાજીવ ગાંધી સ્ટેડિયમ અને છત્રસાલ સ્ટેડિયમ સહિતની નિર્ધારિત સરકારી સુવિધાઓને અટકાયત કેન્દ્રો તરીકે સજ્જ કરાઈ છે. આ ઉપરાંત નરેલા, પૂર્વ દિલ્હી અને ઉત્તર-પશ્ચિમ દિલ્હીમાં પણ આવા અસ્થાયી કેન્દ્રો ઊભા કરવામાં આવ્યા છે.
દિલ્હીના તમામ એન્ટ્રી પોઈન્ટ્સ પર પોલીસે હાઈ-એલર્ટ જાહેર કરીને તકેદારી વધારી દીધી છે. બહારના રાજ્યોમાંથી ટોળાંઓને ભેગા કરવાના ઈરાદે પ્રવેશવાનો પ્રયાસ કરનાર શંકાસ્પદ વ્યક્તિઓને સરહદ પર જ અટકાવીને કસ્ટડીમાં લેવામાં આવશે. દિલ્હી એક્સાઇઝ વિભાગે પોલીસ ઈનપુટ્સના આધારે ૯ અને ૧૦ ઓક્ટોબરના રોજ શહેરની તમામ દારૂની દુકાનો બંધ રાખવાનો સત્તાવાર આદેશ કર્યો છે. અટકાયત કરાયેલા લોકોને જે વિસ્તારોમાં રાખવામાં આવ્યા છે ત્યાં ભીડ એકઠી ન થાય તે માટે ઇન્ટરનેટ સેવાઓ પર પ્રતિબંધ મુકાઈ શકે છે. સુરક્ષાની સ્થિતિ મુજબ આ પ્રતિબંધો નવી દિલ્હી અને સેન્ટ્રલ દિલ્હીના કેટલાક ભાગોમાં પણ લંબાવી શકાય છે. પોલીસે તમામ મીડિયા સંસ્થાઓને વિનંતી કરી છે કે પ્રદર્શનનું કવરેજ કરતા તમામ પત્રકારો અને કેમેરામેન બેરિકેડ્સ અને સંવેદનશીલ સ્થળો પર પોતાનું માન્ય પ્રેસ આઈડેન્ટિફિકેશન કાર્ડ ફરજિયાતપણે સ્પષ્ટ દેખાય તે રીતે પહેરીને રાખે.




