મકાનમાં ચારનાં મોત; બે દાઝ્યા દિલ્હીમાં ઈ-રિક્ષાના ચાર્જિંગ દરમિયાન આગનો ભીષણ તાંડવ પ્રાથમિક તપાસમાં ઈ-રિક્ષાના ચાર્જિંગ પોઇન્ટમાં સ્પાર્ક થવાને કારણે આગ લાગી હોવાની આશંકા વ્યક્ત કરાઈ
દિલ્હીના વિશ્વાસનગર વિસ્તારમાં રવિવારે વહેલી સવારે ઈ-રિક્ષાના ચાર્જિંગ દરમિયાન લાગેલી આગે ભયાનક સ્વરૂપ ધારણ કરતાં એક જ મકાનમાં ચાર લોકોનાં કરુણ મોત નીપજ્યાં હતાં. જ્યારે અન્ય બે લોકો દાઝી જતાં તેમને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. શાહદરાના CBD વિસ્તારમાં ગલી નંબર-૧૧માં સવારે આશરે ૪:૧૫ વાગ્યે બનેલી આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી.
પ્રાપ્ત વિગતો અનુસાર, જે મકાનમાં આગ લાગી હતી તેના બેઝમેન્ટમાં અનેક ઈ-રિક્ષા પાર્ક કરવામાં આવી હતી. પ્રાથમિક તપાસમાં ઈ-રિક્ષાના ચાર્જિંગ પોઇન્ટમાં સ્પાર્ક થવાને કારણે આગ લાગી હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. આગે જાેતજાેતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કરતાં મકાનના અન્ય ભાગોમાં પણ ફેલાઈ ગઈ હતી.
આગની જાણ થતાં પોલીસ અને બચાવ ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. મકાનના મેઝેનાઇન ફ્લોર પરથી કુલ છ લોકોને બહાર કાઢવામાં આવ્યા હતા.
જાેકે, તેમાંથી ચાર લોકોને બચાવી શકાયા નહોતા અને તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા. અન્ય બે લોકો આશરે ૧૦ ટકા દાઝી જતાં તેમને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. બંનેની હાલત સ્થિર હોવાનું જાણવા મળ્યું છે.
આ મકાનમાં ગ્રાઉન્ડ ફ્લોર ઉપરાંત મેઝેનાઇન ફ્લોર અને અન્ય ત્રણ માળ આવેલા હતા. આગ બેઝમેન્ટમાંથી શરૂ થઈ ઝડપથી ઉપરના માળ સુધી ફેલાઈ હતી. મકાનના પ્રથમ માળે સૂઈ રહેલા લોકો પણ આગની ઝપેટમાં આવ્યા હતા.
શાહદરાના ડેપ્યુટી પોલીસ કમિશનર રાજેન્દ્ર પ્રસાદ મીણાએ ઘટનાની પુષ્ટિ કરતાં જણાવ્યું હતું કે પોલીસને આગની જાણ થતાં જ ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. પ્રાથમિક તપાસમાં ઈ-રિક્ષાના ચાર્જિંગ પોઇન્ટમાંથી આગ શરૂ થઈ હોવાનું જણાય છે. જાેકે, આગ લાગવાનું ચોક્કસ કારણ જાણવા પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.




