દિલ્હીમાં કોકરોચ જનતા પાર્ટીનું આંદોલન ઈન્ટરનેટ બંધ થતા જેન-ઝીએ બ્લૂટૂથ મેશ એપ્સનો ઉપયોગ શરૂ કર્યાે ભૂકંપ, પૂર, વાવાઝોડા જેવી કુદરતી આફતો તેમજ વિશ્વના અનેક વિરોધ પ્રદર્શનોમાં આ એપ્સનો ઉપયોગ દિલ્હીમાં ચાલી રહેલા કોકરોચ જનતા પાર્ટી વિરોધ દરમિયાન અનેક વિસ્તારોમાં મોબાઇલ ઇન્ટરનેટ સેવા બંધ કરવામાં આવી હતી. તેમ છતાં પ્રદર્શનકારીઓ એકબીજા સાથે સતત સંપર્કમાં છે. તેનું કારણ બ્લૂટૂથ આધારિત મેસેજિંગ એપ્સ હોવાનું સામે આવ્યું છે. આ એપ્સને બ્લૂટૂથ મેશ એપ્સ કહેવામાં આવે છે. ટ્વિટરના ફાઉન્ડર જેક ડોર્સીએ તેને લગતી નોટિસ સોશિયલ મીડિયા પર શેર કરી હોવાથી તેની માહિતી સામે આવી છે.રિપોર્ટ મુજબ, સરકારે જંતર મંતર નજીકના વિસ્તારમાં ઈન્ટરનેટ બંધ કરતા પ્રદર્શનકારીઓએ Bitchat, Bridgefy અને Briar જેવી એપ્સનો ઉપયોગ શરૂ કર્યાે હતો. આ એપ્સ દ્વારા મેસેજ મોકલવા માટે ઈન્ટરનેટની જરૂર નથી પડતી. એક મોબાઈલમાંથી મોકલવામાં આવેલો મેસેજ નજીકના બીજા મોબાઈલ સુધી પહોંચે છે અને ત્યાંથી આગળ અન્ય મોબાઈલ સુધી મોકલાય છે. આ રીતે ફોન મળીને એક નેટવર્ક બનાવે છે અને મેસેજ આગળ પહોંચાડે છે.ટ્વિટરના ફાઉન્ડર જેક ડોર્સી એ સોશિયલ મીડિયા પર સરકાર તરફથી મળેલી નોટિસ સોશિયલ મીડિયા પર શેર કરીને લખ્યું કે, ભારત સરકાર Bitchat જેવી ટેકનોલોજીને પસંદ કરતી નથી અને તેને હટાવવા માંગે છે. જાેકે સરકારે આ અંગે સત્તાવાર નિવેદન આપ્યું નથી. ટેક એક્સપર્ટ્સનું કહેવું છે કે, આવી બ્લૂટૂથ એપ્સ વિરોધ પ્રદર્શનોમાં જ નહીં પરંતુ, ભૂકંપ, પૂર, વાવાઝોડા જેવી કુદરતી આફતોના સમયે પણ ઉપયોગી સાબિત થઈ શકે છે. વિશ્વના અનેક મોટા વિરોધ પ્રદર્શનોમાં આવી એપ્સનો ઉપયોગ થયાના ઉલ્લેખો અગાઉ સામે આવ્યા છે.બ્લૂટૂથ મેશ એવી ટેકનોલોજી છે જેમાં, મોબાઈલ ડેટા કે વાઈફાઈની જરૂર નથી પડતી. તેમાં એક બ્લૂટૂથ નજીકના મોબાઈલ ફોનના બ્લૂટૂથથી જાેડાય છે.ઉદાહરણ તરીકે, એ નામના વ્યક્તિએ મેસેજ મોકલ્યો. તો બી નામનો વ્યક્તિ નજીક હશે તો પહેલા મેસેજ બી સુધી પહોંચશે. ત્યારબાદ, બીનો ફોન મેસેજ સી સુધી પહોંચાડશે અને આગળ ડી સુધી મોકલશે. આ ટેકનોલોજીમાં દરેક મોબાઈલ એક બ્રિજ તરીકે કામ કરે છે. જ્યારે, એક વિસ્તારમાં વધુ માણસો હાજર હોય ત્યારે, તેનું નેટવર્ક વધુ મજબૂત બને છે.





