દિલ્હીની ઝેરી હવા મુદ્દે સુપ્રીમ કોર્ટની કડક ટકોર ‘બધો વાંક ખેડૂતોનો નથી’, શ્રીમંતોનાં વાહનોના પ્રદૂષણ સામે પણ પગલાં લો સુનાવણી દરમિયાન વાહનવ્યવહાર, ઊર્જા ઉત્પાદન અને કચરો સળગાવવા જેવા સ્થાનિક પરિબળો તરફ પણ ધ્યાન દોરવામાં આવ્યું
દિલ્હી-NCR માં વધી રહેલા વાયુ પ્રદૂષણના ગંભીર મુદ્દે સુપ્રીમ કોર્ટે સ્વત: સંજ્ઞાન લઈને સુનાવણી દરમિયાન કેન્દ્ર અને સંબંધિત તંત્ર સમક્ષ મહત્ત્વના સવાલો ઉઠાવ્યા છે. મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંતની અધ્યક્ષતાવાળી ત્રણ જજાેની ખંડપીઠે પ્રદૂષણ માટે માત્ર ખેડૂતોને જવાબદાર ઠેરવવા સામે સવાલ ઉઠાવતાં સ્પષ્ટ કર્યું હતું કે વાહનો સહિત પ્રદૂષણ ફેલાવતા અન્ય સ્ત્રોતો પર પણ ધ્યાન આપવું જરૂરી છે.
સુનાવણી દરમિયાન ન્યાયમિત્ર અને વરિષ્ઠ વકીલ અપરાજિતા સિંહે દિલ્હીની હવાની ગંભીર સ્થિતિ અંગે ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે દિલ્હીમાં હવાની ગુણવત્તા એટલી ખરાબ છે કે લોકોના અવાજ પર પણ તેની અસર થઈ રહી છે. તેમણે પ્રદૂષણની ગંભીરતા સમજાવવા કહ્યું હતું કે દિલ્હીમાં શ્વાસ લેવો એટલે દરરોજ ૩૦ સિગારેટ પીવા બરાબર છે.
ન્યાયમિત્રે કોર્ટને જણાવ્યું હતું કે તાજેતરના વરસાદને કારણે પ્રદૂષણમાં આંશિક ઘટાડો થયો હતો. ૫ નવેમ્બરના આંકડા મુજબ દિલ્હીના પ્રદૂષણમાં પરાળી સળગાવવાનો હિસ્સો ૧૪ ટકા નોંધાયો હતો. જાેકે, દિલ્હીમાં પહેલેથી જ પ્રદૂષણનું પ્રમાણ ઊંચું હોવાથી પરાળીના ધુમાડાથી સ્થિતિ વધુ વણસે છે.
સુનાવણી દરમિયાન વાહનવ્યવહાર, ઊર્જા ઉત્પાદન અને કચરો સળગાવવા જેવા સ્થાનિક પરિબળો તરફ પણ ધ્યાન દોરવામાં આવ્યું હતું. દિલ્હી-દ્ગઝ્રઇમાં પ્રદૂષણની સમસ્યાના ઉકેલ માટે માત્ર પરાળી સળગાવવાના મુદ્દા પર ધ્યાન કેન્દ્રિત કરવાને બદલે તમામ સ્ત્રોતો સામે અસરકારક પગલાં લેવાની જરૂરિયાત વ્યક્ત કરવામાં આવી હતી.
ખેડૂતો દ્વારા પરાળી સળગાવવાની સમસ્યા અંગે ચર્ચા દરમિયાન મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંતે આગામી પાકની વાવણી પહેલાં પરાળી સળગાવવાની પ્રવૃત્તિ અટકાવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો.
તેના જવાબમાં ન્યાયમિત્રે જણાવ્યું હતું કે ખેડૂતોને માત્ર પરાળી વ્યવસ્થાપનનાં મશીનો આપવાથી સમસ્યાનો સંપૂર્ણ ઉકેલ નહીં આવે. નાના ખેડૂતો માટે મશીનો ચલાવવી મુશ્કેલ બને છે અને કેટલાક ખેડૂતો પાસે મશીનો ચલાવવા માટે જરૂરી ઈંધણ ખરીદવાના પણ પૂરતા પૈસા હોતા નથી. આ ઉપરાંત પરાળીની ખરીદી માટે નિર્ધારિત ભાવ આપવાની દરખાસ્ત અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી.
સુનાવણી દરમિયાન મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંતે પ્રદૂષણ માટે માત્ર ખેડૂતોને જવાબદાર ગણવાના અભિગમ સામે સવાલ ઉઠાવ્યો હતો. તેમણે સમાજના શ્રીમંત અને સંભ્રાંત વર્ગ દ્વારા ઉપયોગમાં લેવાતાં વાહનોમાંથી ફેલાતા પ્રદૂષણને નિયંત્રિત કરવા માટે શું પગલાં લેવામાં આવી રહ્યાં છે તે અંગે પણ પ્રશ્ન કર્યો હતો.
અદાલતની ટિપ્પણીથી સ્પષ્ટ થયું હતું કે દિલ્હી-NCR માં વાયુ પ્રદૂષણની સમસ્યાના કાયમી ઉકેલ માટે પરાળી સળગાવવા ઉપરાંત વાહનોનો ધુમાડો, સ્થાનિક પ્રદૂષણ અને અન્ય પરિબળો સામે પણ સંકલિત પગલાં લેવાની જરૂર છે.




