
ચા પીતી મહિલાઓ સાથે મારપીટ કરી કપડાં ફાડ્યા હોવાનો આક્ષેપ.દિલ્હીમાં નોર્થ-ઇસ્ટની બે મહિલાઓ સાથે છેડતી અને વંશીય ટિપ્પણી.૧૦ મેની સવારે લગભગ ૭ વાગ્યે કાલકાજી પોલીસ સ્ટેશનમાં મહિલાઓ મુશ્કેલીમાં હોવાનો પીસીઆર કોલ મળ્યો હતો.
દેશની રાજધાની દિલ્હીના નેહરુ પ્લેસ વિસ્તારમાં રવિવારે વહેલી સવારે નોર્થ ઇસ્ટની બે મહિલાઓ સાથે કથિત છેડતી, મારપીટ અને વંશીય ટિપ્પણી ઘટના સામે આવતા ભારે ખળભળાટ મચી ગયો છે. મહિલાઓનો આક્ષેપ છે કે કેટલાક યુવકોએ પહેલા તેમના પર અશ્લીલ ટિપ્પણીઓ અને વંશીય કટાક્ષ કર્યા હતા, જેના કારણે વિવાદ વકર્યાે હતો. આ ઘટના ઈરોસ હોટલ નજીકની એક ક્લબની બહાર બની હોવાનું કહેવાય છે. મામલાની ગંભીરતાને ધ્યાનમાં લેતા દિલ્હી પોલીસે ૪ શંકાસ્પદોની ઓળખ કરી લીધી છે.પીડિત મહિલાઓએ પોલીસ ફરિયાદમાં જણાવ્યું છે કે, તેઓ અહીં ચા પી રહી હતી ત્યારે બે યુવકો તેમની પાસે આવ્યા અને અભદ્ર ટિપ્પણીઓ કરવા લાગ્યા. મહિલાઓના જણાવ્યા મુજબ, થોડી જ વારમાં અન્ય કેટલાક લોકો પણ ત્યાં પહોંચી ગયા અને સામાન્ય બોલચાલ હિંસક અથડામણમાં ફેરવાઈ ગઈ. ફરિયાદમાં આક્ષેપ કરાયો છે કે તેમની સાથે મારપીટ કરવામાં આવી, કપડાં ફાડવામાં આવ્યા અને જાે પોલીસમાં ફરિયાદ કરશે તો ગંભીર પરિણામ ભોગવવાની ધમકી પણ આપવામાં આવી હતી.એક મહિલાએ છેડતીનો આક્ષેપ લગાવ્યો છે, જ્યારે બીજી મહિલાએ દાવો કર્યાે છે કે જ્યારે તે ત્યાંથી નીકળવાનો પ્રયાસ કરી રહી હતી ત્યારે તેને વાંસની લાકડી વડે માર મારવામાં આવ્યો હતો. દિલ્હી પોલીસના જણાવ્યા અનુસાર, ૧૦ મેની સવારે લગભગ ૭ વાગ્યે કાલકાજી પોલીસ સ્ટેશનમાં મહિલાઓ મુશ્કેલીમાં હોવાનો પીસીઆર કોલ મળ્યો હતો. ત્યારબાદ પોલીસ ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને ઈરોસ હોટલ પાસેની ચાની દુકાન પાસે બંને મહિલાઓ મળી આવી હતી.





