જમ્મુ અને કાશ્મીર ભારતનું અભિન્ન અંગ : સર્જિયો ગોર અમેરિકી રાજદૂત સર્જિયો ગોરે કાશ્મીરની મુલાકાત લીધી નવનિયુક્ત એમ્બેસેડરે શ્રીનગરમાં મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લા સાથે આર્થિક સહયોગ-વિકાસ મુદ્દે ચર્ચા કરી
અમેરિકાએ જમ્મુ-કાશ્મીર માટે અમલમાં મૂકેલી કડક ‘ટ્રાવેલ એડવાઇઝરી‘ને હળવી કરવા અમે વિચારણા કરીશું. આ કેન્દ્રશાસિત પ્રદેશ એટલે કે કાશ્મીર ભારતનું અભિન્ન અંગ છે.’ અમેરિકાના નવનિયુક્ત એમ્બેસેડર(રાજદૂત) સર્જિયો ગોરે જમ્મુ-કાશ્મીરના તેમના પ્રથમ પ્રવાસમાં જ આ નિવેદન કર્યું હતું. આ નિવેદન સાબિત કરે છે કે, ભારત માટે અમેરિકાની વિદેશ નીતિમાં ધરખમ પરિવર્તન આવ્યું છે.
કાશ્મીરમાંથી કલમ ૩૭૦ નાબૂદ થયા બાદ અને પહેલગામ હુમલા પછી કોઈ અમેરિકન રાજદૂતે પહેલીવાર કાશ્મીરની મુલાકાત લીધી છે. આ મુલાકાત દરમિયાન તેમણે જમ્મુ-કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લા સાથે પણ બેઠક કરી હતી. શ્રીનગર પહોંચીને ગોરે કહ્યું કે, ‘અહીં આવીને મને ખૂબ આનંદ થયો. આ ભારતનો એક અત્યંત મહત્ત્વનો ભાગ છે અને હું પહેલીવાર અહીં આવ્યો છું. આ ખૂબ જ સુંદર જગ્યા છે.’
પાકિસ્તાન તરફથી સતત થતી ઘૂસણખોરી અને નાપાક હિલચાલ વચ્ચે અમેરિકી એમ્બેસેડરનું આ નિવેદન ભારત માટે એક મોટો નૈતિક વિજય માનવામાં આવે છે. અમેરિકન રાજદૂતનો એમ્બેસેડરનો આ પ્રવાસ ભારત અને અમેરિકા વચ્ચે મજબૂત થઈ રહેલા વ્યૂહાત્મક સંબંધોનો પુરાવો છે. તાજેતરમાં જ ગોરે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથે પણ કાઉન્ટર-ટેરરિઝમ (આતંકવાદ વિરોધી) મુદ્દા પર ચર્ચા કરી હતી. આ મુલાકાત કેટલાક કારણોસર ઐતિહાસિક છે, જેમ કેપ
વિતેલા ૧૫ વર્ષમાં પહેલીવાર એવું બન્યું છે કે કોઈ હોદ્દા પર રહેલા અમેરિકી એમ્બેસેડરે જમ્મુ-કાશ્મીરના મુખ્યમંત્રી સાથે મુલાકાત કરી હોય. આ પહેલાં ૨૦૧૧ માં તત્કાલીન એમ્બેસેડર ટિમોથી રોમરે ઓમર અબ્દુલ્લા સાથે મુલાકાત કરી હતી.
બીજી તરફ, મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ આ મુલાકાતને લઈને બહુ હાઇપ(હવા) ઊભી કરવાનો ઇન્કાર કર્યો હતો. તેમણે સ્પષ્ટ કહ્યું કે ‘અમે અમેરિકન રાજદૂત સમક્ષ કાશ્મીરના મુદ્દા અંગે કોઈ રજૂઆત કે ફરિયાદ નથી કરવાના. અમારી સમસ્યાઓનો ઉકેલ અમેરિકા નહીં, પરંતુ કેન્દ્ર સરકાર જ લાવશે. તેમને ફરિયાદો કરવાને બદલે હું તેમની વાતો સાંભળવાનું વધુ પસંદ કરીશ.’
અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના ખાસ મનાતા સર્જિયો ગોરે કહ્યું હતું કે, ‘અમેરિકા જમ્મુ-કાશ્મીર માટે તેમના નાગરિકોને આપેલી ‘Do NO Travel’ (પ્રવાસ ન કરવાની) ચેતવણી પાછી ખેંચવા અથવા હળવી કરવા વિચારશે. અહીંની પરિસ્થિતિને વધુ સુરક્ષિત બનાવવા માટે સ્થાનિક સ્તરે ખૂબ જ સારા પગલાં લેવાયા છે.’ હાલ સુરક્ષા અને આતંકવાદની ચિંતાઓને કારણે અમેરિકાએ કાશ્મીર માટે લેવલ-૪ ની ટ્રાવેલ એડવાઇઝરી લાગુ છે.
ગોરના પ્રવાસ પહેલાં પીડીપી પ્રમુખ મહેબૂબા મુફ્તીએ પણ સોશિયલ મીડિયા પર અપીલ કરી હતી કે અમેરિકા તેની ટ્રાવેલ એડવાઇઝરી હટાવે, કારણ કે કાશ્મીરના હજારો પરિવારોનો રોજીરોટીનો મુખ્ય આધાર ટુરિઝમ (પ્રવાસન) પર છે.
આ અંગે સોશિયલ મીડિયા પોસ્ટમાં ગોરે જણાવ્યું હતું કે ઓમર અબ્દુલ્લા સાથેની તેમની મુલાકાત કાશ્મીરના વિકાસ અને બંને દેશો વચ્ચે આર્થિક સહયોગ વધારવા પર કેન્દ્રિત રહી હતી.





