
૧૫% ડ્રાઈવરો ફેઈલ .મહારાષ્ટ્રમાં રિક્ષાચાલકો માટે મરાઠીની કસોટી.તપાસ દરમિયાન જાણવા મળ્યું કે લગભગ ૨૦ ટકા (૫૮૭ ડ્રાઈવરો) મરાઠીમાં વાતચીત કરવા સક્ષમ નહોતા.
મહારાષ્ટ્રમાં જાહેર પરિવહન સેવાઓને સ્થાનિક સંસ્કૃતિ અને ભાષા સાથે જાેડવા માટે રાજ્ય સરકારે એક મહત્વપૂર્ણ અભિયાન હાથ ધર્યું છે. રિક્ષા અને ટેક્સી ચાલકોને મરાઠી ભાષાનું પાયાનું જ્ઞાન હોવું જાેઈએ તે હેતુથી શરૂ કરાયેલા આ અભિયાનના હવે ગ્રાઉન્ડ રિપોર્ટ સામે આવી રહ્યા છે. મીરા-ભાઈંદરમાં હાથ ધરવામાં આવેલા પાયલોટ પ્રોજેક્ટમાં ચોંકાવનારી વિગતો બહાર આવી છે, જે બાદ હવે આ ઝુંબેશને સમગ્ર રાજ્યમાં વિસ્તારવામાં આવી છે.
રાજ્યવ્યાપી અભિયાન શરૂ કરતા પહેલા મીરા-ભાઈંદર વિસ્તારમાં ૨ એપ્રિલથી ૧ મે દરમિયાન એક પાયલોટ ડ્રાઈવ ચલાવવામાં આવી હતી. આ વિસ્તારના આશરે ૧૨,૦૦૦ નોંધાયેલા ઓટોરિક્ષા ચાલકોમાંથી ૩,૭૬૦ ડ્રાઈવરોની તપાસ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન જાણવા મળ્યું કે લગભગ ૨૦ ટકા (૫૮૭ ડ્રાઈવરો) મરાઠીમાં વાતચીત કરવા સક્ષમ નહોતા. જાેકે, રાહતની વાત એ હતી કે જે ડ્રાઈવરોની તપાસ થઈ તે તમામ પાસે માન્ય લાયસન્સ અને બેજ ઉપલબ્ધ હતા. આ ડેટાના આધારે હવે મહારાષ્ટ્રના તમામ ૫૯ RTO (રીજનલ ટ્રાન્સપોર્ટ ઓફિસ) માં ૧ મે થી ૧૫ ઓગસ્ટ સુધી સઘન તપાસ અભિયાન ચલાવવામાં આવશે.
મહારાષ્ટ્ર સરકાર દ્વારા મહારાષ્ટ્ર મોટર વ્હીકલ રૂલ્સના નિયમ ૨૪ને કડક રીતે લાગુ કરવાનો ર્નિણય લેવામાં આવ્યો છે. ૨૦૧૯માં કરવામાં આવેલા સુધારા મુજબ જાહેર પરિવહન ચાલકો પાસે મરાઠીનું કાર્યકારી જ્ઞાન હોવું અનિવાર્ય છે. ડ્રાઈવરને મેટલ બેજ ત્યારે જ આપવામાં આવશે જ્યારે તે સ્થાનિક રૂટની જાણકારીની સાથે મરાઠી અને અન્ય એક પ્રચલિત ભાષા જાણતો હોય.
રાજ્યના પરિવહન મંત્રી પ્રતાપ સરનાઈક અને મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે સ્પષ્ટ કર્યું છે કે, આ અભિયાનનો હેતુ કોઈની રોજીરોટી છીનવવાનો નથી. અમારો હેતુ ડ્રાઈવરોને ડરાવવાનો નથી, પરંતુ એ સુનિશ્ચિત કરવાનો છે કે તેઓ પેસેન્જરો સાથે યોગ્ય રીતે વાતચીત કરી શકે. ઘણા ડ્રાઈવરોએ મરાઠી શીખવાની ઈચ્છા પણ વ્યક્ત કરી છે.
CM વલણ: સીએમ ફડણવીસે જણાવ્યું કે, મરાઠી ભાષાને પ્રોત્સાહન આપવું જાેઈએ, પરંતુ તે જબરદસ્તી કે હિંસા દ્વારા નહીં. જેમને મરાઠી નથી આવડતી તેમને સરકાર તાલીમ આપવામાં મદદ કરશે. મુંબઈના અંધેરી (જેપી રોડ) અને મુંબઈ સેન્ટ્રલ જેવા વિસ્તારોમાં RTO ની ફ્લાઈંગ સ્ક્વોડ સક્રિય જાેવા મળી રહી છે. અધિકારીઓ રિક્ષા થોભાવીને માત્ર કાગળો જ નથી તપાસતા, પરંતુ ડ્રાઈવરો સાથે મરાઠીમાં વાતચીત કરીને તેમની ભાષાકીય ક્ષમતા પણ ચકાસી રહ્યા છે. ડ્રાઈવરોને તેમના વતન, મુંબઈમાં રહેવાનો સમય અને મુસાફરો વિશે પ્રશ્નો પૂછવામાં આવે છે. જે ડ્રાઈવરો મરાઠીમાં કાચા છે, તેમને સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલી મરાઠી ગાઈડબુક લેવા માટે પ્રોત્સાહિત કરવામાં આવે છે.
આ અગાઉ ૨૦૧૬માં પણ આવો પ્રયાસ થયો હતો, પરંતુ ત્યારે બોમ્બે હાઈકોર્ટે મરાઠી જ્ઞાનને પરમિટ માટેની અનિવાર્ય શરત બનાવવાની બાબતને ગેરકાયદેસર ગણાવી હતી. આ વખતે પણ ટેક્સી અને રિક્ષા યુનિયનોએ ભીતિ વ્યક્ત કરી છે કે આ મુદ્દાનું રાજનીતિકરણ ન થવું જાેઈએ અને પરપ્રાંતીય ડ્રાઈવરોને ટાર્ગેટ ન કરવા જાેઈએ.





