
(છગનલાલ મેવાડા ધ્વારા) સુરત.
મુંબઈના દાદર પોલીસે આપેલી માહિતી મુજબ સિધ્ધવિનાયક મંદિરની કર્મચારી વીણા પાટીલને CCTV કેમેરાના ફૂટેજ તપાસતી વખતે દાનપેટીમાંથી ચોરી થતી હોવાનું જણાયું હતું. તેણે તાત્કાલિક તેના સિનિયર અધિકારીણે જાણ કરી હતી. ત્યાર બાદ ટ્રસ્ટના સભ્યોએ છેલ્લા આઠ થી ૧૦ દિવસના CCTV કેમેરાના ફૂટેજ તપસ્યા ત્યારે જાણવા મળ્યું કે આરોપી વારંવાર દાનપેટીઓમાંથી પૈસા ચોરી રહ્યો હતો. ત્યાર બાદ ટ્રસ્ટે દાદર પોલીસનો સંપર્ક કરીને ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદને પગલે દાદર પોલીસે શુક્રવારે આરોપીની ધરપકડ કરી હતી.
આમ મુંબઈના પ્રખ્યાત સિધ્ધવિનાયક મંદિરમાં કર્મચારી ધ્વારા જ ચોરી કરવાનો બનાવ બન્યો છે. તાજેતરમાં જ દાનપેટીમાંથી રૂપિયા ૧૦,૦૦૦/- અંકે રૂપિયા દસ હજાર ચોરી કરનાર મંદિરના કર્મચારીની ધરપકડ કરવામાં આવી છે. આ કૃત્યમાં આરોપીને સાથ આપનારા અન્ય કર્મચારીઓની દાદર પોલીસ પૂછપરછ કરી રહી છે.
શ્રીસિધ્ધવિનાયક ગણપતિ મંદિર ટ્રસ્ટના અધ્યક્ષ સદા સરવણકરે જણાવ્યુ હતું કે મુખ્ય આરોપી રાજેન્દ્ર પેંધુરકર ઉપરાંત આ ગુનામાં પાંચ વધુ કાયમી કર્મચારીઓ પણ સામેલ છે. તપાસ દરમ્યાન આરોપીએ પોલીસને જણાવ્યુ કે તેણે ફકત રૂપિયા ૧૦,૦૦૦/- ની જ ચોરી કરી છે. જોકે તે વારંવાર પૈસા ચોરી કરતો હોવાથી પોલીસને શંકા છે કે કુલ રકમ વધુ હોઈ શકે છે. CCTV કેમેરાના ફૂટેજમાં દેખાયું હતું કે આરોપી અને અન્ય કર્મચારીઓએ પૂજારીના રૂમમાં મૂકેલી દાનપેટીમાંથી ચોરી કરી હતી. અમુકવાર તેઓ દાનપેટી ઊંઘી પાડીને અંદરથી રોકડ કાઢતા હતા તો અમુકવાર દાનપેટીમાં પૈસા મૂકવા બનાવેલી જગ્યામાંથી નોટો બહાર કાઢી લેતા હતા.





