(છગનલાલ મેવાડા ધ્વારા) સુરત
લોકશાહી માં સરકારો બદલાતી રહે છે, સત્તાના ચહેરાઓ બદલાય છે, નીતિઓ બદલાય છે, પરંતુ લોકશાહીની સાચી તંદુરસ્તી એ વાત થી સ્પષ્ટ થાય છે કે સામાન્ય નાગરિક પોતાની વાત કેટલી નિર્ભયતાથી કહી શકે છે. આવા કામોમાં સામાજિક સંસ્થાઓ, સ્વૈચ્છીક સંગઠનો અને નોન-પ્રોફિટ ક્ષેત્રની ભૂમિકા અત્યંત મહત્વની હોય છે.
સાથે એ પણ મહત્વનું છે કે લોકશાહીમાં અસહમતિ કોઈ ગુનો નથી. સરકારની ટીકા કરવી દેશવિરોધી પ્રવૃત્તિ નથી. સત્તાને પ્રશ્ન પૂછવો એ લોકશાહીની મૂળભૂત પ્રક્રિયા છે. આ સમયે દેશમાં સત્તાધારી પાર્ટીની મનમાની થતી હોય અને જ્યારે અંધકાર નો સમય આવે (એટલે પ્રજાની કોઈ જવાબદારી લેવા જ તૈયાર ના હોય) અને યુવાનો, મહિલાઓ, ખેડૂતો કે વંચિત સમુદાયો પોતાના હક્કો માટે રસ્તા પર ઉતરે, ત્યારે આ જ કહેવાતી સામાજિક સંસ્થાઓના અવાજ મૌન ધારણ કરી લે છે, ત્યારે સવાલ માત્ર તેમની નિષ્ક્રિયતાનો જ નથી રહેતો પરંતુ સવાલ તેમની વિશ્વસનીયતાનો પણ બની જાય છે.
જ્યારે આજે જરૂર છે કે સામાજિક સંસ્થાઓ ડર અને જવાબદારી વચ્ચે પસંદગી કરે. કદાચ કોઈવાર તેની કિંમત ચૂકવવી પડશે. કદાચ કોઈ સંસ્થા મુશ્કેલીમાં પણ પડશે. પરંતુ જો સાચી વાત બોલવાની કિંમત ચૂકવવાની તૈયારી જ ન હોય, તો “સામાજિક પરિવર્તન” નો દાવો માત્ર સુંદર ભાષણ બનીને જ રહી જશે.
આમ આજે દેશમાં સૌથી મોટી ચિંતા એ છે કે જો સામાજિક સંસ્થાઓ સતત મૌન રહેશે તો સામાન્ય નાગરિકનો તેમના પરનો વિશ્વાસ ઘટશે. કોઈ યુવાન જ્યારે પૂછશે કે “મારા સંકટના સમયે તમે ક્યાં હતા?” ત્યારે માત્ર એટલું કહેવું પૂરતું નહીં બને કે “અમે તમારી સાથે છીએ.” વિશ્વાસ શબ્દોથી નહીં, સંકટના સમયે લેવાયેલા જોખમથી બને છે.
લોકશાહી ત્યારે જ મજબૂત બને છે જ્યારે સત્તા સામે પ્રશ્ન પૂછનારા એકલા ન પડી જાય અને જો નાગરિક સમાજ પણ એ સમયે ચૂપ રહે, તો ઇતિહાસનો આ સવાલ બહુ કડવો હશે: “જ્યારે સમાજને તમારી સૌથી વધુ જરૂર હતી, ત્યારે તમે ક્યાં હતા?”





