
(છગનલાલ મેવાડા ધ્વારા) સુરત.
અમેરિકા-ઇરાન યુધ્ધને કારણે સમગ્ર વિશ્વમાં પેટ્રોલ,ડીઝલ,ગેસના ભાવ વધ્યા છે અને મોદી સરકારે છેક હમણાં ચારેક રૂપિયા વધારીને પેટ્રોલને ૧૦૦ રૂપિયા સુધી પહોંચાડયું છે. પણ તર્ક વાહિયાત એટલા માટે છે કે જ્યારે આખી દુનિયામાં ભાવ ઓછો હતો ત્યારે એટલે કે યુદ્ધ પહેલાના પાંચેક વર્ષથી આપણી સરકાર યુધ્ધ જેટલો તનતોડ ભાવ લઈ રહી હતી. પરંતુ આવી સાચી હકીકત જાણીને સરકારને સવાલ પૂછવાની હામ કે તર્કશક્તિ અંધભક્તોમાં રહી જ ક્યાં છે? તેમને તો બસ એમના શાસકો ધર્મરૂપી ઘેનના ઇન્જેક્શન માર્યે રાખે છે. અને ભક્તો ઝૂમી ઝૂમીને તાળીઓ પાડે છે. જેથી ભક્તોનું ધ્યાન ભટકે છે અને સરકારના કોઈ ગુણદોષ દેખાતા નથી અને અધૂરામાં પૂરો મતોથી ઝોળી પણ છલકાઈ જાય છે. નહીંતર કોઈક તો એવું હોત કે જે સરકારને સવાલ કરત કે જ્યારે ઓઇલ ૧૧૩ ડોલર પ્રતિ બેરલ હતું ત્યારે કેમ ૭૦ રૂપિયાની અંદર પેટ્રોલ મળતું હતું અને છેલ્લે જ્યારે ઓઇલ ૭૦ ડોલર પ્રતિ બેરલ હતું ત્યારે કેમ ૯૫ રૂપિયા લિટર પેટ્રોલ વેચાતું હતું?
આવા તો અનેક સવાલો જ્યારે પ્રજાના જનમાનસમાં ઘૂમી રહ્યા છે ત્યારે દેશના મુખ્ય ન્યાયાધીશે યુવાનો મુદ્દે જે ટિપ્પણી કરી અને ત્યારબાદ કોઈ યુવાએ કોકરોચ જનતા પાર્ટીની રચના કરી ત્યારે ઘણાયને ગતકડુ લાગ્યું હશે. પરંતુ જ્યારે આ પાર્ટીના બે કરોડથી વધુ ફોલોઅર્સ થઈ ગયા અને રાતોરાત લાખો સભ્યો બની ગયા ત્યારે આ કોઈ સામાન્ય બાબત નથી પરંતુ દેશમાં આવનારી આંધી પહેલાની આહટ જેવું જણાઈ રહ્યું છે. સોશિયલ મીડિયાના આજના યુગમાં GenZની બોલબાલા છે. નેપાળથી માંડીને નોર્વે સુધી આ
જનરેશનનો જલ્વો દેખાઈ રહ્યો છે ત્યારે છેલ્લા કેટલાયે વર્ષોથી અસહ્ય મોંઘવારી અને બેરોજગારીથી પીડાઈ રહેલા કરોડો નાગરિકો કોઈ આશાનું કિરણ શોધી રહ્યા છે.
જેનો પુરાવો કોકરોચ જનતા પાર્ટીને તાત્કાલિક મળેલી જબરદસ્ત સફળતા છે. ઘણાયને ભલે આમાં મજાક કે કટાક્ષનું તત્વ દેખાતું હોય પરંતુ છેલ્લા કેટલાક દિવસોથી જે રીતે મોંઘવારી ફાટીને ધુમાડે ગઈ છે અને બેરોજગારી, છટણી તથા દરેક ધંધા-વેપારમાં મંદી વિગેરેથી દેશના કરોડો લોકો માટે સામાન્ય જીવન જીવવું પણ મુશ્કેલ પડી રહ્યું છે ત્યારે સરકાર પ્રજાહિતમાં યોગ્ય પગલા ભરે એ જ ઈચ્છનીય છે.





