
અમિત શાહનું મેગા અભિયાન શરૂ ગેરકાયદેસર ઇમિગ્રેશન પર કેન્દ્રનો મોટો એક્શન પ્લાન ગેરકાયદેસર ઘૂસણખોરી અને અન્ય અકુદરતી કારણોસર દેશમાં વસ્તીનું સંતુલન બદલાઈ રહ્યું છે, જે ભવિષ્ય માટે ગંભીર પડકાર બની શકે છે
કેન્દ્ર સરકારે દેશમાં ગેરકાયદેસર સ્થળાંતર અને તેના કારણે થતા વસ્તી વિષયક ફેરફારોને ધ્યાનમાં રાખીને એક મહત્વપૂર્ણ પગલું ભર્યું છે. કેન્દ્રીય ગૃહમંત્રી Amit Shah એ મંગળવારે જાહેરાત કરી કે કેન્દ્ર સરકારે આ મુદ્દાની તપાસ માટે એક ઉચ્ચ સ્તરીય સમિતિની રચના કરી છે.
સરકારનું માનવું છે કે ગેરકાયદેસર ઘૂસણખોરી અને અન્ય અકુદરતી કારણોસર દેશમાં વસ્તીનું સંતુલન બદલાઈ રહ્યું છે, જે ભવિષ્ય માટે ગંભીર પડકાર બની શકે છે.
આ સમિતિની રચના વડા પ્રધાન Narendra Modi દ્વારા ૧૫ ઓગસ્ટ ૨૦૨૫ના રોજ કરવામાં આવેલી જાહેરાત બાદ કરવામાં આવી છે. પીએમ મોદીએ સ્વતંત્રતા દિવસના ભાષણ દરમિયાન વસ્તી વિષયક પરિવર્તનો પર અભ્યાસ કરવા માટે વિશેષ મિશનની જરૂરિયાત વ્યક્ત કરી હતી. હવે આ જાહેરાતને આગળ વધારતા ગૃહ મંત્રાલયે સત્તાવાર રીતે ઉચ્ચ સ્તરીય પેનલ બનાવવાની જાહેરાત કરી છે.
આ સમિતિની અધ્યક્ષતા નિવૃત્ત ન્યાયાધીશ જસ્ટિસ પ્રકાશ પ્રભાકર નાઓલેકર કરશે. સમિતિમાં વસ્તી ગણતરી કમિશનર દુર્ગા શંકર મિશ્રા, ભૂતપૂર્વ IAS અધિકારી બાલાજી શ્રીવાસ્તવ અને જાણીતા અર્થશાસ્ત્રી ડૉ. શમિકા રવિને સભ્ય તરીકે સામેલ કરવામાં આવ્યા છે. સમિતિ દેશભરમાં ગેરકાયદેસર સ્થળાંતર અને અન્ય અસામાન્ય કારણોથી થતા વસ્તી પરિવર્તનોનું ઊંડાણપૂર્વક વિશ્લેષણ કરશે.
અમિત શાહે પોતાના નિવેદનમાં જણાવ્યું કે વસ્તી વિષયક ફેરફારો માત્ર સામાજિક મુદ્દો નથી, પરંતુ તે દેશની સુરક્ષા, કાયદો અને વ્યવસ્થા, સામાજિક માળખું અને આદિવાસી સમાજના હિતો સાથે સીધો સંબંધ ધરાવે છે. તેમના જણાવ્યા મુજબ, કેટલાક વિસ્તારોમાં અસામાન્ય વસ્તી વૃદ્ધિના પેટર્ન સામે આવી રહ્યા છે, જેને ગંભીરતાથી સમજવાની જરૂર છે.
સમિતિ દેશના વિવિધ ધાર્મિક અને સામાજિક સમુદાયોમાં થતા વસ્તી પરિવર્તનના આંકડાઓનું વિશ્લેષણ કરશે અને ભવિષ્યમાં આવી પરિસ્થિતિઓનો સામનો કરવા માટે સમયબદ્ધ અને અસરકારક સૂચનો સરકારને આપશે. કેન્દ્ર સરકારનું કહેવું છે કે નક્સલવાદ સામેની લડાઈ પછી હવે ગેરકાયદેસર સ્થળાંતર રોકવું અને સરહદ સુરક્ષાને વધુ મજબૂત બનાવવું સરકારની આગામી મોટી પ્રાથમિકતા રહેશે.
સ્વતંત્રતા દિવસના પોતાના ભાષણમાં પીએમ મોદીએ પણ ગેરકાયદેસર ઘૂસણખોરીને દેશ માટે ગંભીર પડકાર ગણાવ્યો હતો. તેમણે કહ્યું હતું કે આવા ઘૂસણખોરો દેશના યુવાનોની રોજગારી પર અસર કરે છે અને સામાજિક સુરક્ષા માટે પણ જાેખમ ઉભું કરે છે. કેન્દ્ર સરકાર હવે આ સમગ્ર મુદ્દાને લાંબા ગાળાના દૃષ્ટિકોણથી જાેતી થઈ છે અને તેના માટે ખાસ વ્યૂહરચના તૈયાર કરી રહી છે.





