
વહેલી સવારે સુપ્રભાત સેવામાં જાેડાયા હતા અનંત અંબાણી આંધ્રપ્રદેશના પવિત્ર તિરુમાલા મંદિરે પહોંચ્યા અનંત અંબાણીએ કહ્યું હતું કે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમ્ને ૨૫ ઇલેક્ટ્રિક બસોનું દાન આપશે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર અનંત અંબાણી રવિવારે આંધ્રપ્રદેશના પવિત્ર તિરુમાલા મંદિરે પહોંચ્યા હતા. જ્યાં તેઓ વહેલી સવારે સુપ્રભાત સેવામાં જાેડાયા હતા અને ત્યારબાદ ભગવાન વેંકટેશ્વરના દર્શન કર્યા હતા. આ દરમિયાન અનંત અંબાણીએ ભગવાન વેંકટેશ્વરને પોતાના વાળ (કેશ મુડન) અર્પણ કર્યા હતા.
ભગવાન વેંકટેશ્વરના દર્શન કર્યા પછી રંગનાયકુલા મંડપમમાં વૈદિક વિદ્વાનોએ તેમને વેદ મંત્રોથી આશીર્વાદ આપ્યા હતા. તો મંદિરના અધિકારીઓએ તેમને શ્રીવારી તીર્થ પ્રસાદમ્ અને એક વિશેષ રેશમી શાલ ઓઢાડીને સન્માનિત કર્યા હતા. આ સમયે અનંત અંબાણીના ચહેરા પર ભક્તિ અને આનંદ સ્પષ્ટ જાેવા મળ્યો હતો.
આ પવિત્ર મુલાકાત દરમિયાન અનંત અંબાણીએ એક મહત્વપૂર્ણ જાહેરાત કરી હતી. તેમણે કહ્યું હતું કે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમ્ (TTD)ને ૨૫ ઇલેક્ટ્રિક બસોનું દાન આપશે. આ બસોની અંદાજિત કિંમત રૂ.૨૭.૫ કરોડ છે. માત્ર બસ જ નહીં, આ બસ ચલાવવા માટે જરૂરી ૫૦ ડ્રાઇવર્સના પગાર અને અન્ય તમામ લાભો પણ રિલાયન્સ કંપની ઉપાડશે. આ ઉપરાંત, અનંત અંબાણીએ તિરુમાલામાં ઇલેક્ટ્રિક વાહન ચાર્જિંગ સ્ટેશનો સ્થાપવા માટે સહયોગ આપવાની જાહેરાત પણ કરી હતી. જેથી ઇલેક્ટ્રિક બસોના કાફલાને સરળતાથી ચલાવી શકાય.
આ પગલાંથી તીર્થયાત્રીઓને આરામદાયક અને આધુનિક પરિવહન સુવિધા મળશે અને સાથે સાથે પર્યાવરણને પણ લાભ થશે. ઇલેક્ટ્રિક બસોના ઉપયોગથી પ્રદૂષણ ઘટશે અને તિરુમાલાની પવિત્રતા જળવાઈ રહેશે. આ ભક્તિ અને સમાજસેવાના કાર્ય માટે અનંત અંબાણીને ભક્તો તેમજ મંદિર વ્યવસ્થાપન તરફથી ખૂબ પ્રેમ અને આશીર્વાદ મળ્યા છે. લોકો તેમની આ પહેલના ભરપૂર વખાણ કરી રહ્યા છે.





