સુરતમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ ઉપાધ્યક્ષ રામભાઈ ધડુક, પ્રદેશ સંગઠન મંત્રી ધર્મેશ ભંડેરી અને સુરત લોકસભા ઈન્ચાર્જ રજનીકાંત વાઘાણીએ પત્રકાર પરિષદ યોજી હતી. આ તકે આપના પ્રદેશ સંગઠન મંત્રી ધર્મેશ ભંડેરીએ જણાવ્યું હતું કે, આખા દેશની અંદર ભાજપની કેન્દ્ર સરકાર દ્વારા લોકોની ગાડીઓમાં ભરાતા પેટ્રોલમાં તેમની ઈચ્છા વિરુદ્ધ ઈથનોલ મિશ્રિત કરવામાં આવી રહ્યું છે. આ મુદ્દે લોકોને જાગૃત કરવા માટે આમ આદમી પાર્ટી દ્વારા દેશવ્યાપી જાગૃતિ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. ગત 1 ઓગસ્ટના રોજ દિલ્હીના ટાઉન હોલમાં આ મુદ્દે જાગૃતિ કાર્યક્રમ આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલના અધ્યક્ષસ્થાને યોજાયો હતો. તે જ પ્રકારનો કાર્યક્રમ હવે ગુજરાતમાં, સુરત શહેરમાં આગામી 9 ઓગસ્ટે સવારે 10 વાગ્યે યોજાશે. આ કાર્યક્રમ આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ઈસુદાન ગઢવી, રાષ્ટ્રીય જોઈન્ટ સેક્રેટરી ગોપાલ ઈટાલિયા અને ગુજરાત સંગઠન મહામંત્રી મનોજ સોરઠિયાની અધ્યક્ષતામાં યોજાશે.
ધર્મેશ ભંડેરીએ જણાવ્યું કે, ઈ-20 પેટ્રોલમાં 20 ટકા ઈથનોલ મિશ્રિત કરવામાં આવે છે, જેના કારણે વાહનોને કેટલું નુકસાન થાય છે, લોકોને આર્થિક રીતે શું નુકસાન ભોગવવું પડે છે અને આ સમગ્ર પ્રક્રિયા પાછળ ભાજપ સરકારની શું ભૂમિકા છે, તે અંગે લોકોને વિસ્તૃત માહિતી આપવામાં આવશે. આમ આદમી પાર્ટીની સુરત શહેર ટીમ દ્વારા શહેરના તમામ જાગૃત નાગરિકોને આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા ભાવભર્યું આમંત્રણ આપવામાં આવ્યું છે. કાર્યક્રમ આગામી 9 ઓગસ્ટ, રવિવારે સવારે 10 વાગ્યે સરથાણા કોમ્યુનિટી હોલ, એબીસી સર્કલ પાસે, સરથાણા જગતનાકા ખાતે યોજાશે. તેમણે જણાવ્યું કે, આ એક સંપૂર્ણ એજ્યુકેશનલ અને જનજાગૃતિનો કાર્યક્રમ છે. રાજકીય મતભેદોથી પર રહીને લોકો ઈ-20 પેટ્રોલમાં મિશ્રિત થતા ઈથનોલ અંગે સાચી માહિતી મેળવી શકે અને તેનાથી થનારા સંભવિત નુકસાનને સમજી શકે તે માટે આ આયોજન કરવામાં આવ્યું છે. આમ આદમી પાર્ટી દ્વારા સુરત શહેરના તમામ નાગરિકોને ચેનલો અને અખબારોના માધ્યમથી પણ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.





