આમ આદમી પાર્ટીના યુવા મોરચાના પ્રદેશ અધ્યક્ષ બ્રિજરાજ સોલંકી મોટી સંખ્યામાં પોતાની ટીમ સાથે દિલ્હીના જંતર મંતર ખાતે આંદોલનમાં પહોંચ્યા હતા. આ દરમિયાન તેમણે જણાવ્યું હતું કે નીટનું પેપર લીક થયું અને 20 કરતાં વધારે યુવાનોએ આત્મહત્યા કરી અને ત્યારબાદ કોક્રોજ જનતા પાર્ટીનું દિલ્હી ખાતે આંદોલન શરૂ થયું, જેમાં આજે ગુજરાતથી હજારો અને દેશભરના લાખો યુવાનો દિલ્હીના જંતર મંતર ખાતે એકત્રિત થયા છે અને આજે આમ આદમી પાર્ટીની પણ ખૂબ જ મોટી ટીમ આ આંદોલનમાં ઉપસ્થિત છે. આમ આદમી પાર્ટીની યુથ વિંગ અને મહિલા વિંગના મોટી સંખ્યામાં હોદ્દેદારો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા છે.
વધુમાં આમ આદમી પાર્ટીના નેતા બ્રિજરાજ સોલંકીએ જણાવ્યું હતું કે, યુવાનો પર પોલીસ દ્વારા લાઠીચાર્જ કરવામાં આવી રહ્યો છે, અત્યાચાર કરવામાં આવી રહ્યો છે. આ યુવાનોની ફક્ત એક જ માંગ છે કે આ દેશના શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું લેવામાં આવે અને તેમને પદ પરથી હટાવવામાં આવે. પરંતુ નરેન્દ્ર મોદી, અમિત શાહ અને ભાજપસરકાર યુવાનોની આ વાતને માનવા માટે તૈયાર નથી. તો આવનારા સમયમાં શહીદ-એ-આઝમ સરદાર ભગતસિંહના માર્ગ પર ચાલીને આંદોલન કરવાની પણ અમારી તૈયારી છે. નીટના પેપર લીક થવાના કારણે જે યુવાનોએ આત્મહત્યા કરી છે, તેમના સમર્થનમાં, યુવાનોને ન્યાય અપાવવા માટે અને શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા માટે ગુજરાતમાં પણ હજારોની સંખ્યામાં યુવાનો સાથે અમે આંદોલન કરવા માટે તૈયાર છીએ.





