
(છગનલાલ મેવાડા ધ્વારા) સુરત.
આજના યુગમાં આપણે ત્યાં જે પ્રમાણે ડિજિટલાઇઝેશન જોઈએ એવું “ફુલ પ્રુફ” નથી અને જે સલામત હોવાના દાવા કરાય છે એ પણ સલામત નથી. પરિણામે માત્ર આર્થિક લેવડ-દેવડ જ નહીં પણ જાતજાતના સાયબર અપરાધો દેશમાં બની રહ્યા છે. અને દિવસે દિવસે એમાં વધારો થઈ રહ્યો છે. સાથે સાથે એને રોકવા માટે સરકારે બનાવેલું સાયબર તંત્ર સાવ વામણું સાબિત થઈ રહ્યું છે. અને એનું મુખ્ય કારણ વધતાં ગુનાઓને પહોંચી વળવા માટે સાયબર તંત્રનું મહેકમ પણ ખૂબ મર્યાદિત સાબિત થઈ રહ્યું છે. ત્યારે ભણેલા લોકો પણ આવા અપરાધો સામે જાગૃતતા નથી બતાવતા અને પછી સાયબર ક્રાઇમનો શિકાર બની પોલીસ પાસે જાય છે. કારણ પ્રજાને જ્ઞાન નથી અથવા સજાગ નથી. એને કારણે સાયબર અપરાધોની સંખ્યા વધતી જાય છે જેને અટકાવવા તંત્રનો પનો ટૂંકો પડે છે. પરંતુ એટલું જ નહીં ઘણા કિસ્સાઓમાં તો સાયબર ગુનાઓને રોકનાર સરકારી તંત્ર કરતાં સાયબર અપરાધીઓ ઘણા આગળ અને ચતુર સાબિત થઈ રહ્યા છે. ડિજિટલ એરેસ્ટથી માંડીને જાતજાતના પેંતરાઓ દ્વારા ગ્રાહકોના ખાતામાંથી લાખો-કરોડો રૂપિયા આંખના પલકારામાં ગાયબ થઈ જાય છે અને પછી એનો કોઈ અતોપતો મળતો નથી. એક બાજુ કહેવા ખાતર કડકાઈ અને જાગૃતિના દાવા છતાં, સાયબર છેતરપિંડી અટકતી નથી બલ્કે વધી રહી છે? દર વર્ષે લાખો નાની-મોટી સાયબર ફરિયાદો દેશભરમાં નોંધાય છે. માનવીએ જીવનભર મહેનતથી કમાયેલા પૈસા ક્ષણવાર માં ગુમાવવા પડે છે. આજના સમયમાં સાયબર ગુનેગારો દર વર્ષે કરોડો રૂપિયાની છેતરપિંડી કરી રહ્યા છે અને તપાસ એજન્સીઓ તેમના સુધી પહોંચી શકતી નથી. પરિણામે ગુનેગારો નાગરિકોને કોઈને કોઈ સ્વરૂપમાં લલચાવીને અથવા ધમકી આપીને પોતાનો ભોગ બનાવતા રહે છે. આના પરિણામે ગયા વર્ષે અ.ધ.ધ.ધ ૨૨ હજાર ૮૪૫ કરોડ રૂપિયાથી વધુની સાયબર છેતરપિંડી થઈ હતી. જ્યારે વર્ષ ૨૦૨૩ માં આંકડો ૭૪૬૫ કરોડ રૂપિયાનો જ હતો. ગૃહ રાજ્યમંત્રીએ લોકસભામાં આપેલી આ માહિતી એ ચિંતા વધારી છે. આ આંકડા જોતા એમ લાગે છે કે પોલીસ તંત્ર સાયબર ગુનેગારો પર લગામ લગાવવામાં નિષ્ફળ ગયું છે. આખરે સામાન્ય નાગરિકોએ વ્યાપક સ્તરે જાગૃત થવાની જરૂર છે અને એમને જાગૃત કરવાની પણ એટલી જ જરૂર છે.





