(નીડર, નિષ્પક્ષ અને તટસ્થ છગનલાલ મેવાડા દ્વારા) સુરત
લોકશાહીનું જીવન ત્યાં સુધી જ કાયમ છે જ્યાં સુધી નાગરિકોના મત આપવાના અધિકારનું પ્રત્યેક પરિસ્થિતિમાં રક્ષણ કરવામાં આવે. પરંતુ એવું લાગે છે કે સરકારે એવું માની લીધું છે કે એસ.આઈ.આર. ની ગરબડો સામે આંદોલન કરી રહેલા વિપક્ષી દળો પોલીસ દ્વારા વ્યાપક અવરોધો ઊભા કરવાથી અને માગણીઓની સાવ અવગણના કરવાથી થાકીને શાંત થઈ જશે. જો કે વિપક્ષ તરફથી અલગ-અલગ સ્વરૂપમાં વિરોધ ચાલુ રાખવાને લઈને જે સંકેતો ઉપસી આવ્યા છે તેનાથી સ્પષ્ટ થાય છે કે લોકોની વચ્ચે અસંતોષ જરાય ઓછો થયો નથી.
આ વાતનો પુરાવો એ પણ છે કે જ્યારે લોકો એ એસ.આઈ.આર. રદ કરવાની અને મુખ્ય ચૂંટણી કમિશનરના રાજીનામાની માંગ સાથે પ્રદર્શન કર્યું, ત્યારે પણ સરકારે એક પ્રકારનું ઉદાસીન વલણ જાળવી રાખ્યું. આ તમામ પરિસ્થિતિઓની વચ્ચે, આમ જનતાનો લોકશાહી પ્રત્યેનો ભરોસો અકબંધ રહે, તે માટે આવશ્યક છે કે સુપ્રીમ કોર્ટ માત્ર ટૂંકા ગાળાના નિર્દેશોથી આગળ વધીને સ્પષ્ટ અને ત્વરિત કાર્યવાહીનો માર્ગ તૈયાર કરે.
જો ન્યાયતંત્ર આ નાજુક તબક્કે મજબૂત અને નિર્ણાયક ભૂમિકા નહીં ભજવે તો જનતાનો વ્યવસ્થા પરથી વિશ્વાસ ઊઠી જશે જે લોકશાહીના સ્વાસ્થ્ય માટે હાનિકારક સાબિત થઈ શકે. જ્યારે કારોબારી અને ચૂંટણી પંચ જેવી બંધારણીય સંસ્થાઓ પોતાના ઉત્તરદાયિત્વનું વહન કરવામાં નિષ્ફળ સાબિત થાય છે, ત્યારે દેશના નાગરિકોની નજર દેશની સર્વોચ્ચ અદાલત પર મંડાઈ જાય છે. આખરે લોકો સુપ્રીમ કોર્ટ પાસેથી નક્કર કાર્યવાહીની આશા રાખે એમાં ખોટું શું છે?




